રાજકોટ SEIT એજ્યુકેશન  માર્કશીટ કૌભાંડમાં દિલ્હીની યુવતી સહિત ત્રણ રિમાન્ડ પર

અગાઉ ગુનામાં જેલમાં રહેલા જયંતી સુદાણીનો કબજો મેળવાશે : અન્ય કોઈની સંડોવણી તે દિશામાં પોલીસ તપાસ

રાજકોટમાં એસઇઆઇટી એજ્યુકેશન નામની સંસ્થામાં ચાલતા બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હીના નામે માર્કશીટ અને સર્ટિફિકેટ વેચવાના કૌભાંડમાં દિલ્હીથી ઝડપાયેલી યુવતી સહિત ત્રણને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા, તેમજ કૌભાંડમાં સંડોવાયેલા અને અગાઉના ગુનામાં જેલમાં રહેલા શખ્સનો પોલીસ આજે જેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથધરી છે.
વિગતો અનુસાર શહેરના નાનામવા ચોક પાસેના માધવ એપાર્ટમેન્ટમાં ચાલતી એસઇઆઇટી એજ્યુકેશન નામની સંસ્થામાં ચાલતા માર્કશીટ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરી ક્રાઇમ બ્રાંચે જયંતીલાલ લાલજી સુદાણીને ઝડપી લીધો હતો, પોલીસે તે મામલાની તપાસ કરતા વધુ એક કૌભાંડ બહાર આવ્યું હતું. બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી નામની સંસ્થાનું દિલ્હીમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આરોપીઓ એ સંસ્થાના નામે કોઇપણ ડિગ્રી કે ડિપ્લોમા કોર્સની માર્કશીટ અને સર્ટિકિકેટ વેચતા હતા આ મામલે ક્રાઇમ બ્રાંચે જયંતીલાલ સુદાણી, ખાંભાના કેતન જોશી, અમૃતલાલ પીઠડિયા, પરેશ પ્રાણશંકર વ્યાસ અને દિલ્હીની ઓફિસમાં કામ કરતી તનુજાસીંગ મનોજકુમાર ચોધરી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય. બી.જાડેજા સહિતની ટીમે કેતન જોશીને ઝડપી લઇ તેને રિમાન્ડ પર લીધા બાદ અમૃતલાલ પીઠડિયા, પરેશ વ્યાસ અને તનુજાસીંગની ગઈકાલે ધરપકડ કરી હતી, ત્રણેય આરોપીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યા હતા. અગાઉના ગુનામાં જેલમાં રહેલા જયંતી સુદાણીનો આજે જેલમાંથી કબજો મેળવવામાં આવશે તેમજ કબજે થયેલા સાહિત્ય પર તપાસ ચાલી રહી છે તથા માર્કશીટ, સર્ટિફિકેટ સહિતનું સાહિત્ય ક્યાં છપાવવામાં આવતું હતું અન્ય કેટલા શખ્સોની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથઘરી છે.