Abtak Media Google News

એક સ્થળે અન્ડરબ્રિજ અને બીજા સ્થળે પેરેલલ રોડ બનાવાશે, બન્ને ફાટકો દૂર કરવાની એનઓસી પ્રક્રિયા શરૂ કરાઇ : હજુ 6 ફાટક યથાવત રહેશે, આગામી સમયમાં તેને પણ હટાવવાની કાર્યવાહી કરાશે

પારેવડી ચોક અને બેડીની ફાટક ટૂંક સમયમાં હટી જશે. કારણકે રેલવે અને વહીવટી તંત્ર દ્વારા આ બન્ને ફાટકો હટાવવાની એનઓસી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો કે હજુ 6 ફાટક યથાવત રહેવાની છે. તેને પણ આગામી સમયમાં હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે.

જેથી ટ્રાફિક સહિતની સમસ્યાઓનો નિવેડો આવી શકે. જે અંતર્ગત રાજકોટમાં પારેવડી ચોક અને બેડી પાસે આવેલી ફાટકો ટ્રાફીકનો પ્રશ્ન ઘેરો બનાવતી હોય તેને હટાવવાની રેલવે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રેલવેએ આ મામલે જરૂરી પ્રક્રિયા હાથ ધરી દીધી હતી.

હાલ આ બન્ને ફાટકો દૂર કરવા નો ઓબ્જેકશન સર્ટીફીકેટ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે સર્ટિફિકેટ મળી ગયા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.વધુમાં હજુ 6 ફાટક બાકી રહી છે. આ ફટકો પણ એક પછી એક હટાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી યથાવત રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે પારેવડી ચોક પાસે જે ફાટક છે. ત્યા પેરેલલ રોડ બનાવવામાં આવશે. ત્યારબાદ ફાટક દૂર કરવામાં આવશે. જ્યારે બેડી પાસે જે ફાટક છે.  ત્યાં અન્ડર બ્રિજ બનાવવામાં આવશે. અન્ડર બ્રિજ બન્યા બાદ આ ફાટક દૂર કરી દેવામાં આવશે.

ડબલ ટ્રેક પ્રોજેકટ માટે કલેકટર તંત્ર 1.63 એકર જમીન ડિસેમ્બર સુધીમાં રેલવેને સોંપશે

રેલવે દ્વારા રાજકોટ- સુરેન્દ્રનગર ડબલ ટ્રેક પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં રાજગઢ ગામની ખાનગી જમીન અને હડમતીયા ગામની સરકારી જમીનનું સંપાદન કરવાનું થતું હતું. જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા રાજગઢની ખાનગી જમીનનું સંપાદન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હવે સરકારી જમીનનું સંપાદન બાકી છે. જિલ્લા કલેકટર તંત્ર ડિસેમ્બર પહેલા 1.63 એકર જમીન રેલવેને સોંપવાનું છે.

રાજગઢ ગામના ખેડૂતોને જમીન સંપાદનનું રૂ. 11 કરોડનું વળતર નવેમ્બરમાં ચૂકવાશે

રાજગઢ ગામના ખેડૂતોની જમીન રેલવેના ડબલ ટ્રેક માટે સંપાદન કરવામાં આવી હતી. જમીન સંપાદન બાદ ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી વળતર ન મળ્યું હોવાની રાવ ઉઠી હતી. પણ આ મામલે જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે જમીન સંપાદનમાં રૂ. 11 કરોડનું વળતર ચૂકવવાનું થાય છે. આગામી નવેમ્બરમાં આ વળતર તંત્રને મળશે એટલે તુરંત તેને ખેડૂતોને ચૂકવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.