ચોટીલા પાસે ડમ્પર અને છોટાહાથી અથડાતા રાજકોટની મહિલાનું મોત: 12 ઘવાયા

નવલનગર અને રણુજાનગરનાં રાજપુત પરિવાર ખાટલી સુરાપુરાનાં દર્શન કરવા જતા સર્જાયો જીવલેણ અકસ્માત

ચોટીલા-રાજકોટ હાઈવે પર અવાર નવાર ગોઝારા અકસ્માતના બનાવો બને છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં ચોટીલા રાજકોટ હાઈવે ઉપર નાની મોલડી નજીક છોટા હાથી અને ડમ્પર વચ્ચે ગતકાલે અકસ્માત સર્જાયો છે.

આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં રાજકોટ રહેતા પરિવારના 13 લોકોને ગંભીર ઈજા પહોચતા તેમને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.જયા એક મહિલાનું મોત નિપજતા પરિવારમાં અરેરેટી વ્યાપી છે.

રાજકોટનાં રાજપુત પરિવાર છોટા હાથીમાં રાજકોટથી ખાટડી ગામે સુરાપુરાએ માનતા પુરી કરવા માટે જતા હતા ત્યારે મોલડી હાઈવે પર અજાણ્યા ડમ્પરે તેને હડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારનાં 13 લોકોને ગંભીર ઈજા પહોચી હતી અને જેથી તેઓને પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં એક મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું છે.

મળતી માહિતી મુજબ રણુજા, કોઠારીયા ચોકડી પાસે રહેતા પ્રકાશ લીલા રાઠોડ ઉ.60 વેદના પ્રકાશ રાઠોડ ઉ.વ.20, દિવ્યા પ્રકાશ રાઠોડ ઉ.21, અલ્પા પ્રકાશ રાઠોડ ઉ.16 અને નવલનગરમાં રહેતા ભાનુ પ્રવિણ મકવાણા ઉ.40, પ્રફુલ પરસાણ ધાગવિયા ઉ.40, ગીતા રમેશ સોલંકી ઉ.52, પ્રવિણ વજુ મકવાણા ઉ.50, યોગેશ પ્રફુલ ધાગધીયા ઉ.25, વિપુલ ભરત હાડા ઉ.36, નમ્રતા રાજેશ ધાંધલ, ઉ.22, રમાવનાબેન વિપુલ હાડા ઉ.32 અને વંશીકા, રાજેશ ધાધલ (બે મહિના) નાઓને ગંભીર ઈજા પહોચી હતી. જેથી તેઓને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયા ભાનુબેન પ્રવિણભાઈ મકવાણા ઉ.40નું મોત નિપજયું છે. દર્શને જતા પરિવારને કાળ ભેટતા પરિવારમાં ગમગીની છવાઈ છે. પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરૂધ્ધ ગૂનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.