Abtak Media Google News
  • વધુ એક ‘ બેલડી ‘ ક્રિકેટમાં સિતારા બનશે !!!
  • મુશીર ખાને રણજી ફાઇનલમાં મુંબઈ વતી સૌથી નાની વયે સેન્ચુરી ફટકારવાનો સચિનનો વિક્રમ તોડ્યો

સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ કોઈ બૅટર તોડે અને એ ઘડીએ ખુદ માસ્ટર બ્લાસ્ટર સ્ટેડિયમમાં બેઠો હોય એવું અગાઉ ભાગ્યે જ બન્યું હશે. જવલ્લે જ બનતી આ ઘટના મંગળવારે વાનખેડેમાં બની હતી જેમાં મુશીર ખાને રણજી ફાઇનલમાં મુંબઈ વતી સૌથી નાની વયે સેન્ચુરી ફટકારવાનો સચિનનો વિક્રમ તોડ્યો હતો. સચિને 1995માં વાનખેડેમાં પંજાબ સામેની ફાઇનલમાં યાદગાર 140 રન બનાવ્યા ત્યારે તે 21 વર્ષનો હતો.

મુશીર 19 વર્ષનો છે અને તેણે મંગળવારે વિદર્ભ સામેની ફાઇનલમાં બીજા દાવમાં 136 રન બનાવ્યા હતા. તેની આ સદી વખતે સચિન વાનખેડેના એક સ્ટૅન્ડમાં બેઠો હતો. ભારતીય કૅપ્ટન રોહિત શર્મા પણ 20 મિનિટ માટે સ્ટેડિયમમાં મૅચ જોવા આવ્યો હતો. વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓવાળા આ સ્ટૅન્ડમાં દિલીપ વેન્ગસરકર પણ બેઠા હતા. મુશીર અને તેના મોટા ભાઈ સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાન પણ સ્ટૅન્ડમાં હતા.

મુંબઈ રણજી ફાઇનલમાં વિદર્ભ સામે જીતવાની તૈયારીમાં છે. મુંબઈએ વિદર્ભને 538 રનનો અત્યંત મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો છે. જે લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમના ચાર ખેલાડીઓ પવેલીયન પરત ફરી ગયા છે અને હજુ 350 થી વધુ રનનો લક્ષ્યાંક આસલ કરવાનો બાકી છે ત્યારે વિદર્ભ ની ટીમ હારની અણી ઉપર આવી ગઈ છે.

સચિનની ત્યારે મુંબઈ વતી પહેલી જ ફર્સ્ટ-ક્લાસ સદી હતી. મુશીર ખાને તાજેતરમાં બરોડા સામેની રણજી મૅચમાં કરીઅરની પ્રથમ સદી ફટકારી હતી. મુશીરનો મોટો ભાઈ સરફરાઝ ખાન તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામે કરીઅરની પ્રથમ ટેસ્ટ રમ્યો હતો.

વિદર્ભ સામેની રણજી ટ્રોફીની ફાઇનલમાં ગઈ કાલે સેન્ચુરી ફટકારીને મુંબઈના મુશીર ખાને સચિન તેન્ડુલકરનો ૨૯ વર્ષનો રેકૉર્ડ તોડ્યો છે. મુશીર ખાન રણજી ટ્રોફી ફાઇનલમાં સદી ફટકારનારો મુંબઈનો યંગેસ્ટ બૅટર બની ગયો છે. તેણે આ સિદ્ધિ ૧૯ વર્ષમાં જ  મેળવી છે, જ્યારે સચિને બાવીસમી વર્ષગાંઠને મહિનો બાકી હતો ત્યારે 1994-95 સીઝનમાં પંજાબ સામેની ફાઇનલમાં બન્ને દાવમાં સદી ફટકારી હતી. યોગાનુયોગ જુઓ કે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં સચિને પોતાનો આ રેકૉર્ડ તૂટતો જોયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.