રાજકોટ તંત્રે સીઝ કરેલું બાયોડીઝલના નમુના ફેઇલ: બે સંચાલક સામે ફરીયાદ

માલિયાસણ પાસે છ માસ પૂર્વે બે દરોડામાં બાયોડીઝલ, ટેન્કર અન મશીનરી સહિત રૂ. 23.12 લાખનો મુદામાલ કબ્જે કર્યો તો

રાજય સરકાર દ્વારા બાયોડીઝલ ધંધાર્થી પર તૂટી પડવા આપેલા આદેશને પગલે તંત્ર દ્વારા કુવાડવા રોડ પર પાંચ માસ પૂર્વે બે સ્થળે દરોડો પાડી સીઝ કરેલા બાયો ડીઝલના નમુના ફેઇલ થતા તાલુકા મામલતદારે કુવાડવા રોડ પોલીસ મથકમાં બાયોડીઝલના બે સંચાલકો સામે ફરીયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામે નેશનલ હાઇ-વે પર ગત તા.11 માર્ચના રોજ તંત્ર દરોડોે પાડી રૂ. 7.15 લાખની કિંમતનો 11 હજાર લીટર બાયોડીઝલ, લોખંડની ટેંક અને ટેન્કર મળી રૂ. 17.98 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જયારે સાત હનુમાન મંદિર પાસે પવન કોમ્પલેકસ ખાતે ગત તા. 4 માર્ચના રોજ તંત્રે દરોડો પાડી રૂ. 3.68 લાખની કિંમતનો 5500 લીટર બાયો ડીઝલ અને રોકડ મળી રૂ. 5.13 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

તંત્ર દ્વારા બન્ને દરોડાના સેમ્પલ પૃથ્વીકરણ અર્થે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જે બન્ને સેમ્પલના રિપોર્ટ ફેઇલ હોવામાં આવ્યા હતા.સીઝ કરેલું બાયોડીઝલના સેમ્પલ ફેઇલ રિપોર્ટના આધારે તાલુકા મામલતદાર કાંતિભાઇ કથીરીયાએ આર.ટી.ઓ. ઓફીસ પાછળ શ્રીરામ સોસાયટીમાં રહેતા અભિજીતસિંહ હરીતસિંહ જાડેજા અને કાલાવડ રોડ પર રહેતા અને હરીકૃપા બાયોડીઝલ પેઢીના માલીક મનસુખભાઇ સામે કુવાડવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

કુવાડવા પોલીસ મથકના સ્ટાફે બન્ને શખ્સો સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અને પેટ્રોલીયમ પદાર્થમાં ભેળસેળ કરી અનઅધિકૃત રીતે વેચાણ કરી અને માનવ જીંદગી જોખમમાં મુકાય સહીતના કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. પી.જી. રોહડીયા સહીતનો સ્ટાફ ચલાવી રહ્યા છે.