Abtak Media Google News

કેન્સર સામે લાંબા સમય લડયા બાદ લંડન ખાતે કુલસુમ શરીફે અંતિમ શ્વાસ લીધો

નવાઝ શરીફના પુત્રી અને જમાઈને ૧૨ કલાકના પેરોલ પર રાવલપિંડી જેલમાંથી મુકત કરાયા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની કુલસુમનું લંડનમાં નિધન થયું છે. તેમની અંતિમવિધિ લાહોરમાં કરવાનો નિર્ણય લેવાયો છે. નવાઝ શરીફને બાર કલાકની પેરોલ આપવામાં આવી છે. શરીફ ઉપરાંત તેમની પુત્રી મરીયમ અને જમાઈ મહમદ શકદરને પણ ૧૨ કલાકના પેરોલ આપવામાં આવ્યા છે.

નવાઝ શરીફના પત્ની કુલસુમ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યાં હતા. ગઈકાલે તેમણે લંડન ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમવિધિ માટે નવાઝ શરીફે પાંચ દિવસના પેરોલ માંગ્યા હતા. જો કે, માત્ર ૧૨ કલાકના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. આ મામલે પાકિસ્તાન મુસ્લિમ લીગના પ્રવકતા મરીયમ ઓરંગઝેબે કહ્યું છે કે, નવાઝ શરીફના પેરોલ ૧૨ કલાકથી વધારવામાં આવશે તેવી અમને અપેક્ષા છે.

બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે, કુલસુમનો મૃતદેહ શુક્રવારે પાકિસ્તાનમાં આવશે માટે અત્યારે શરીફના પેરોલ લંબાવવાની કોઈ જરૂરીયાત ઉભી થતી નથી. હાલ શરીફને અંતિમવિધિ પહેલાની પ્રેયરમાં સામેલ થવા માટે માનવતાના ધોરણે ૧૨ કલાકના પેરોલ આપવામાં આવ્યા છે.

પાકિસ્તાન પ્રિઝન રુલ ૧૯૭૮ની કલમ ૫૪૫-બી અનુસાર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, મરીયમ નવાઝ અને મોહમદ શફદરને રાવલપિંડીની જેલમાંથી મુકત કરાયા છે. આ તમામના પેરોલ ૧૨ કલાકથી વધશે નહીં તેવું માનવામાં આવી રહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પાકિસ્તાનની વડી અદાલતના આદેશ અનુસાર નવાઝ શરીફને હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શરીફના પત્ની લાહોરની બેઠક ખાતેથી પેટા ચૂંટણીમાં વિજયી થયા હતા. જો કે, તેમની નાદુરસ્ત તબીયતના કારણે તેઓ શપથ ગ્રહણ કરી શકયા નહોતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.