Abtak Media Google News

પરિણામનાં દિવસે ૧૦૦૦ પોઈન્ટનો સુધારો ધોવાયા બાદ બીજા દિવસે શેરબજારમાં તેજીનો તોખાર: અમેરિકી ડોલર સામે રૂપિયો પણ ૩૭ પૈસા મજબૂત

૧૭મી લોકસભાની ચુંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ જનાદેશનાં શેરબજારે વધામણા કર્યા છે. ગઈકાલે પરિણામનાં દિવસે ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયા બાદ બપોર સુધીમાં આ ઉછાળો ધોવાયા બાદ આજે પરિણામનાં બીજા દિવસે સેન્સેકસમાં ૫૪૩ પોઈન્ટનો તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. નિફટીમાં પણ ૧૬૫ પોઈન્ટનો વધારો દેખાઈ રહ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ૩૭ પૈસા મજબુત બન્યો હતો.

લોકસભાની ચુંટણીનાં મતગણતરીનાં દિવસે ગઈકાલે શેરબજારમાં ૧૦૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો આવતા સેન્સેકસે ૪૦,૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી જયારે નિફટી પણ ૧૨,૦૦૦ પોઈન્ટની સપાટી ઓળંગવામાં સફળ રહ્યું હતું જોકે ઉંચા મથાળે વહેંચવાલીનો દૌર શરૂ થતાં અને રોકાણકારોમાં એવી દહેશત ઉભી થઈ હતી કે પ્રચંડ જનાદેશ બાદ ફરી વડાપ્રધાન બની નરેન્દ્ર મોદી આર્થિક મજબુતાઈ માટે કેટલાક કડક પગલાઓ લેશે જેની અસર શેરબજાર પર થશે આવો માહોલ રચાતા ચુંટણીનાં પરિણામનાં દિવસે ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો બપોર સુધીમાં ધોવાઈ ગયો હતો. ૧૩૦૦થી વધુ પોઈન્ટનાં ઉતાર-ચઢાવ બાદ ગઈકાલે માર્કેટ ૩૮,૮૧૧ પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. આજે પરિણામમાં બીજા દિવસે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. મીડકેપ અને સ્મોલ કેપમાં પણ તેજી જોવા મળી હતી. રોકાણકારોએ વિશ્વાસ સાથે નવેસરથી ખરીદીનો દૌર શરૂ કરતાં દિવસભર માર્કેટમાં તેજી જળવાઈ રહી હતી. સપ્તાહનાં અંતિમ દિવસે જે રીતે તેજી જોવા મળી રહી છે તે પરથી એવું લાગી રહ્યું છે કે, ઉઘડતા સપ્તાહ એટલે કે સોમવારે પણ બજાર ગ્રીન ઝોનમાં ખુલશે. અમેરિકી ડોલર સામે રૂપિયામાં પણ આજે ૩૭ પૈસાની તોતીંગ મજબુતાઈ જોવા મળી રહી છે.

આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૩૦ કલાકે સેન્સેકસ ૫૪૩ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૯,૩૫૫ અને નિફટી ૧૬૫ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૮૨૨ પર ટ્રેડ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૩૭ પૈસાની મજબુતાઈ સાથે ૬૯.૬૪ પર કામ કાજ કરી રહ્યો છે. મીડકેપ અને સ્મોલકેપમાં પણ આજે નોંધનીય ઉછાળા જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.