Abtak Media Google News

તમિલોએ 1987માં ભીડીયા વિસ્તારમાં દરિયાકાંઠે કાર્તિકેય સ્વામી મંદિરનું નિર્માણ કર્યું ‘તુ

એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે ગુજરાતમાં 17મી એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સોમનાથના વેરાવળમાં વસતા તમિલ સમાજના લોકોમાં ઉત્સાહ છે. સદીઓ પહેલા સૌરાષ્ટ્રથી તમિલનાડુ ગયેલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકોએ ત્યાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, ધર્મ અને રીતિરિવાજો સાચવ્યા છે, તેમ વેરાવળ સોમનાથમાં વર્ષોથી સ્થાઈ તમિલ લોકોએ પોતાની સંસ્કૃતિ, ધર્મ, પરંપરા જાળવી છે. અહીં સોમનાથ નજીક તમિલ સમાજના ભગવાન કાર્તિકેય સ્વામી (મુરુગન સ્વામી)નું મંદિર સૌરાષ્ટ્ર અને તમિલ સમાજની સહિયારી આસ્થાનું પ્રતીક છે.

Advertisement

વેરાવળના જગપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરની પાછળ ભીડીયા વિસ્તારમાં, ભીડભંજન મહાદેવ મંદિરની પાછળ, સમુદ્ર કિનારે ભગવાન મુરુગન તેમજ ભગવાન ગણેશજીનું અનોખું મંદિર આવેલું છે. સામાન્ય દર્શનાર્થીઓ માટે આ મંદિર અજાણ્યું છે, પણ વેરાવળમાં વસતા તમિલ સમુદાયના લોકો માટે આ મહત્વપૂર્ણ આસ્થા-કેન્દ્ર છે.

આશરે ચાર પાંચ દાયકા અગાઉ રોજગારી-વ્યવસાય માટે તમિલનાડુથી અનેક તમિલ લોકો સૌરાષ્ટ્રના સોમનાથ, વેરાવળ સહિતના વિસ્તારમાં આવ્યા હતા. એ સમયે તમિલ લોકો જેમને પોતાના આરાધ્ય ભગવાન ગણીને જેમની પૂજા કરે છે, તેવા કાર્તિકેય સ્વામી (મુરુગન ભગવાન)નું કોઈ મંદિર નહોતું. આથી વાર-તહેવારે અહીંના તમિલ લોકો સાથે મળીને ભગવાન મુરુગનની તસવીરનું પૂજન અર્ચન કરતા હતા.

વર્ષો સુધી વેરાવળમાં રહેલા અને થોડા સમય અગાઉ તમિલનાડુના તિરૂપુરમાં સ્થાઈ થયેલા બાલા સુબ્રમણ્યમએ જણાવ્યું હતું કે, તસવીરના પૂજન અર્ચન પછી અહીંના તમિલ લોકોએ ભગવાન મુરુગનનું મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો હતો અને જુલાઈ 1987માં ભીડીયા વિસ્તારમાં દરિયા કિનારે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકોનો પણ સહયોગ રહ્યો હતો. એ પછી અહીં ભગવાન ગણેશજીનું મંદિર પણ નિર્મિત કરવામાં આવ્યું. ત્યારબાદથી તમિલ સમાજ દ્વારા અહીં તમામ ઉત્સવોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. મૂળ તમિલનાડુના અને 30 વર્ષથી સોમનાથમાં રહેતા શ્રીમાન તિરુપતિજી હાલ આ મંદિરના ટ્રસ્ટી છે. તેઓ કહે છે કે, તમિલ સમુદાય દ્વારા અહીં વર્ષભરમાં 11 જેટલા ઉત્સવ, તહેવારો ઉજવવામાં આવે છે. જેમાં મકર સંક્રાતિ-પોંગલ, કાર્તિક દીપમ, થાઈપુસમ અને પંગુની ઉથીરમ મુખ્ય છે. થાઈપુસમ ઉત્સવ દરમિયાન વેરાવળના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરેથી દૂધ ભરેલા પાત્રોની કાવડ યાત્રા લઈને તમિલ લોકો પદયાત્રા કરતા આવે છે અને અહીં કાર્તિકેય સ્વામીને અભિષેક કરે છે. બધા ઉત્સવો દરમિયાન અહીં તમિલ પરંપરા પ્રમાણે પૂજન, અર્ચન, અભિષેક, અન્નદાન તેમજ વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે.  તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની સંકલ્પના મુજબ, જે “સૌરાષ્ટ્ર તમિલ સંગમમ” કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, તે બંને રાજ્યના લોકોને એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડશે. અમે અમારા રાજ્યમાં વસતા સૌરાષ્ટ્રીયન તમિલ બંધુઓને આવકારવા માટે ઉત્સુક છીએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.