શેરબજારમાં તેજીનો કરન્ટ: સેન્સેક્સ-નિફટી ગ્રીન ઝોનમાં

સેન્સેક્સે ફરી 61000ની સપાટી કુદાવી: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ મજબૂત

સપ્તાહના પ્રથમ ટ્રેડીંગ સેશનમાં ગઈકાલે શેરબજારમાં 955 પોઈન્ટની અફરા-તફરી બોલી જવા પામી હતી. ઘટાડા સાથે ખુલેલુ બજાર અંતે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. આજે સતત બીજા દિવસે શેરબજારમાં તેજીનો કરન્ટ જળવાઈ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો થોડો મજબૂત બન્યો હતો. બુલિયન બજારમાં સામાન્ય નરમાશ જોવા મળી હતી.

ગઈકાલે શેરબજારમાં જે રીતે બાઉન્સ બેક જોવા મળ્યું હતું તે જોતા એક વાત ફાઈનલ થઈ ગઈ હતી કે, સપ્તાહ દરમિયાન તેજી જળવાઈ રહેશે. આજે સેન્સેક્સ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેક્સે ફરી 61,000ની સપાટી ઓળંગી હતી અને આજે ઈન્ટ્રા-ડેમાં 61404.87નો હાઈ બનાવ્યો હતો. જ્યારે ગઈકાલે 18000ની સપાટી જાળવી રાખવામાં સફળ થયેલ નિફટી આજે ઈન્ટ્રા-ડેમાં 18265.20ની સપાટી હાસલ કરી હતી.

એક તબક્કે બજારમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ થોડુ વેંચવાલીનું દબાણ વધવાના કારણે માર્કેટ થોડુ નીચે આવ્યું હતું. આજની તેજીમાં ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ એમ ટાટાની તમામ કંપનીઓના શેરના ભાવમાં 6 ટકા સુધીનો વધારો રહ્યો હતો.

જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક, કોટક, અને પાવર ગ્રીન જેવી કંપનીના શેરના ભાવો તેજીમાં પણ તૂટ્યા હતા. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 113 પોઈન્ટના ઉછાળા સાથે 61,080 અને નિફટી 49 પોઈન્ટના ઉછાળા સાથે 18175 પર ટ્રેડ કરી રહી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 5 પૈસાની સામાન્ય મજબૂતાઈ સાથે 75.03 પર કામકાજ કરી રહ્યો છે.