Abtak Media Google News

 જામનગર  સમાચાર

જામનગરમાં 21મી ઓક્ટોબરે ગ્રામ્ય પ્રાંત ઓફિસરે એક હુકમ કર્યો છે. જેમાં જણાવાયું છે કે, કલેક્ટરના હુકમો મુજબ- વિન્ડફાર્મ પાવર પ્રોજેક્ટના ઔદ્યોગિક હેતુઓ માટે આ કંપનીઓને સરકારી ખરાબાની જમીનો ચોક્કસ શરતોને આધીન રહીને ફાળવવામાં આવતી હોય છે. સરકારની કોઈ પણ શરતનો કંપની ભંગ કરે તો તંત્ર કોઈ પણ પ્રકારની નોટિસ વિના જ કંપનીને આપવામાં આવેલો ભાડાપટ્ટો સમાપ્ત પણ કરી શકે છે. અને આ જમીનો કંપની પાસેથી પરત પણ લઈ શકે છે. આ બધી જ બાબતોથી વાકેફ હોવા છતાં સુઝલોન કંપનીએ જામનગર તાલુકાના ગામોમાં સરકારી શરતોનો ઉલાળિયો કરી,મનમાની આચરી છે. આ પ્રકારની અરજી એક અરજદારે કરી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, પવનચકકી કંપનીઓ ખેડૂતોને પરેશાન કરે છે, ખેડૂતોને ડરાવે અને ધમકાવે છે. આ કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીઓ થવી જોઈએ એવો મત ખુદ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં થોડા સમય પહેલાં વ્યક્ત કર્યો હતો. કેબિનેટ મંત્રીની આ વાત શબ્દશ: સાચી પડી છે. જામનગર તાલુકાના જુદાં જુદાં 11 ગામોના 21 સર્વે નંબરોમાં સુઝલોન કંપની સરકાર સાથે છેતરપિંડી કરી રહી હોય, શરતભંગ કરી રહી હોય- જામનગર ગ્રામ્યના પ્રાંત ઓફિસરે કંપની વિરુદ્ધ ચુકાદો આપતાં હલચલ મચી ગઈ છે.

જામનગર સહિત સમગ્ર હાલારમાં પવનચકકી કંપનીઓની દાદાગીરી કુખ્યાત છે. ખુદ કેબિનેટ મંત્રીરાઘવજીભાઈ પટેલએ પણ નજીકના ભૂતકાળમાં આ મુદ્દે કલેક્ટર કચેરીમાં બેઠક દરમિયાન બોલવું પડ્યું હતું અને તે બાબતની જાહેરમાં નોંધ પણ લેવામાં આવી છે. બીજી તરફ, હાલના એક કેસમાં બહાર આવ્યું છે કે, જામનગર તાલુકામાં સુઝલોન નામની પવનચકકી કંપની મનમાની કરે છે. અને ખુદ સરકારને પણ છેતરી લેવાની ગેઈમ ખેલે છે, આ મુદ્દે પ્રાંત અધિકારીએ છોડેલા આદેશને કારણે કંપનીની દાદાગીરીને હાલ બ્રેક લાગી ગઈ છે. આ મામલાએ સમગ્ર હાલારમાં ચકચાર જગાવી છે.

ગ્રામ્ય પ્રાંત અધિકારીએ પોતાના રિપોર્ટમાં અને ચુકાદામાં જણાવ્યું છે કે, સુઝલોન કંપનીને જે જગ્યાએ જમીનો આપવામાં આવી છે તેનાથી અલગ જગ્યાએ પણ કંપનીએ પવનચકકી માટેની કામગીરીઓ કરી હોવાનું જમીનની માપણીશીટ પરથી ફલિત થાય છે. માપણીમાં વિસંગતતાઓ ધ્યાન પર આવી છે. આમ કરતાં પહેલાં કંપનીએ સંબંધિત સક્ષમ અધિકારી પાસેથી જરૂરી રિપોર્ટ મેળવવા પડે પરંતુ કંપનીએ આ શરતને પણ નજરઅંદાજ કરી છે. શરતનો અમલ કર્યો નથી. કંપની ખુદ આ હકીકત સ્વીકારે છે.આ કેસમાં સુઝલોન કંપનીએ કેટલાં ગામના સર્વે નંબરમાં હાલ કામ ચાલુ છે તેની વિગતો અને સ્થળ ફેરફારની જે વિગતો છે તે તમામ વિગતો તંત્ર સમક્ષ એફિડેવિટમાં જણાવવી એવો પણ હુકમ થયો છે.

માપણીના રેકર્ડમાં અથવા મહેસૂલી દફતરમાં કોઈ ફેરફાર થાય તો શરતભંગના કેસને વિપરીત અસર થઈ શકે છે તે ધ્યાને લઈ, જાહેરહિતમાં શરતભંગના આ કેસમાં કેસના નિકાલ સુધી જમીનની યથાવત સ્થિતિ જાળવી રાખવા આદેશ થયો છે. સ્થળ ફેરફાર થયેલ જમીનમાં નવા પોલ, નવી પવનચકકી લગાવવા પર મનાઈ ફરમાવતો હુકમ થયો છે.આ મામલામાં તંત્ર સમક્ષ અરજદારે એવી રજૂઆત જેતે સમયે કરી હતી કે, પાવર પ્રોજેક્ટ નિયત સમય મર્યાદામાં શરૂ થયો નથી. સુઝલોન કંપનીએ જેતે સ્થળે સંબંધિત ગામનો જાહેર માર્ગ પણ યથાવત સ્થિતિમાં રાખ્યો નથી. સબલીઝનો પણ ભંગ થયો છે. સરકારે ફાળવેલ જમીન કરતાં વધુ જમીનનો સુઝલોન કંપનીએ ઉપયોગ કરી લીધો છે! ગત્ 17 તથા 19 ઓક્ટોબરે આ કેસની સુનાવણીઓ થઈ હતી.

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.