Abtak Media Google News

મંગળવારે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા આપવાના મામલે સુપ્રીમબા ચુકાદા પર આખા દેશની મીટ મંડાઈ હતી. ત્યારે એવી અપેક્ષા હતી કે, સમલૈંગિક યુગલને અમુક અધિકારો જેવા કે બાળક દત્તક લેવા સહીતની બાબતોમાં છૂટ આપવામાં આવશે પરંતુ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠમાં 3-2ના મતથી બાળક દત્તક લેવાનો અધિકાર આપવાનો ઇન્કાર કર્યો હતો.

17 ઓક્ટોબરે જ્યારે સમલૈંગિક લગ્ન પર ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે બાળકને દત્તક લેવાનો અધિકાર મળી શકે છે. જો કે, સુપ્રીમે ચુકાદા સ્વરૂપે પોતાનો સ્પષ્ટ મત રજૂ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ચાર નિર્ણયો આપ્યા હતા. પાંચ ન્યાયાધીશોમાંથી બે ન્યાયાધીશો બાળકને દત્તક લેવાનો અધિકાર આપવાની તરફેણમાં હતા, જ્યારે ત્રણ ન્યાયાધીશોએ આ બાબતમાં ઇનકાર કર્યો હતો.

બે ન્યાયાધીશો અધિકાર આપવાના તરફેણમાં જયારે 3 જજોએ ઇન્કાર કર્યો

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલે સમલૈંગિક યુગલોને બાળક દત્તક લેવાનો અધિકાર આપવા સંમત થયા હતા. પરંતુ જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હા આના પર અસહમત હતા. ચીફ જસ્ટિસે પોતાના નિર્ણયની શરૂઆતમાં કહ્યું હતું કે પાંચ જજોની બેન્ચ ચાર અલગ-અલગ નિર્ણય આપશે. તેમણે કહ્યું કે અમે કેટલીક બાબતો પર સહમત છીએ અને કેટલીક બાબતો પર નહીં. બાળકને દત્તક લેવાના અધિકાર પર મતભેદ હતો.

જેમ કે સુપ્રીમ કોર્ટમાં ચાર નિર્ણયો વાંચવામાં આવ્યા હતા. આના પરથી સ્પષ્ટ થયું કે બેન્ચમાં સામેલ તમામ જજો એ વાત પર સહમત હતા કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો મુદ્દો વિધાનસભા પર છોડવો જોઈએ. આ માટે સ્પેશિયલ મેરેજ એક્ટ રદ કરી શકાય નહીં. બેંચ સરકારને એક સમિતિ બનાવવા માટે નિર્દેશ આપવા માટે પણ સંમત થઈ છે, જેનું કામ સમલૈંગિક યુગલોને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવાનું રહેશે.

ચીફ જસ્ટિસ ચંદ્રચુડે પોતાના નિર્ણયમાં કહ્યું કે ગે કપલ્સ સહિત અપરિણીત યુગલોને બાળક દત્તક લેવાનો અધિકાર મળવો જોઈએ. કાયદા હેઠળ એવું માનવું જોઈએ નહીં કે માત્ર એક સ્ત્રી-પુરુષ દંપતી જ સારા માતા-પિતા બની શકે છે. આવું વિચારવું એ ગે યુગલો સાથે ભેદભાવ કરવા જેવું છે. તેમના નિર્ણયમાં ચીફ જસ્ટિસએ ’સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી’(કારા)ની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અપરિણીત યુગલોને દત્તક લેતા અટકાવતો નથી.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે કારાનો કોઈ હેતુ વિવાહિત યુગલો અને અપરિણીત યુગલો વચ્ચે તફાવત કરવાનો નથી. તેનો નિયમ પણ એવું નથી કહેતો કે આમ કરવું બાળકના હિતમાં છે. તેણે પોતાના નિર્ણયમાં કહ્યું કે એવું માની શકાય નહીં કે અપરિણીત યુગલ પોતાના સંબંધોને લઈને ગંભીર નથી. એવા કોઈ પુરાવા નથી કે પરિણીત પુરુષ-સ્ત્રી દંપતિ બાળકને વધુ સ્થિરતા પ્રદાન કરવામાં સક્ષમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.