Abtak Media Google News

વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારો માટે વિશેષ પેકેજની આંદોલનકારી પ્રવિણ રામ અને પરેશ ગોસ્વામીએ માંગ કરી છે. તાઉતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, બરોડા, આણંદ, ખેડા, વલસાડ, વાપી, રાજપીપળા, સુરત ભરૂચ અને બીજા અન્ય જિલ્લઓમાં નુકશાની જોવા મળી છે. અમુક વિસ્તારોમાં 100% નુકશાની છે તો અમુક વિસ્તારોમાં 60%, 40% અને 20% જેટલી નુકશાની છે.

Advertisement

ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, જિલ્લાના અમુક ભાગોમાં 60%થી લઇને 100% જેટલી નુકશાની થઇ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં 40% થી 60% જેટલી નુકશાની જોવા મળી રહી છે અને બાકીના વિસ્તારોમાં 0%થી લઇને 40% સુધીની નુકશાની જોવા મળી છે.

આમની અંદર પણ બાગાયતી પાકો ધરાવતા ખેડૂતોને તો ખૂબ મોટી નુકશાની છે કારણ કે જે ખેડૂતોને આંબા, નારિયેળી, દાડમ અને અન્ય બાગાયતી પાકના બગીચાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે એમને ફરીથી બાગાયતી પાકનું નિર્માણ કરી અને આવક ઉભી કરવા માટે 5 થી 7 વર્ષનો સમય લાગી જશે અને એટલા માટે સરકાર દ્વારા બાગાયતી પાક માટે વધારે સહાય આપવાની જરૂરીયાત જણાય રહી છે.

જે ખેડૂતોને ઉનાળુ પાકમાં ઓછું નુકશાન થયું હોય એવા કિસ્સાની અંદર નુકશાનીની ટકાવારીની ખરાઇ કરીને એ મુજબની સહાય ચુકવવી જોઇએ. સરકાર દ્વારા આ મુજબની સહાય ચૂકવવામાં આવે તો જ ખેડૂતોને મોટી રાહત મળી શકે એમ છે અન્યથા અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને સામાન્ય જનતાની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની જશે અને સાથે-સાથે જે લોકોના મકાન ધરાશાયી થયાછે અથવા અન્ય કોઇ નુકશાની થઇ છે એવા કિસ્સામાં પણ ખરાઇ કરી સરકારે વહેલી તકે નુકશાનીનું વળતર ચૂકવવું જોઇએ.

આમ આ તમામ માંગણીઓ જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને સફળ આંદોલનકારી પ્રવીણભાઇ રામ અને જન અધિકાર મંચના કિસાન સમિતિના રાજ્ય ક્ધવીનર પરેશ ગોસ્વામી દ્વારા લેખિતમાં સરકાર સામે રાખવામાં આવી છે.

વધુમાં સફળ આંદોલનકારી પ્રવીણ રામ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે જો આવનારા સમયમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો અને ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે સંતોષકારક રાહત પેકેજની જાહેરાત કરવામાં નહિં આવે તો અસરગ્રસ્ત વિસ્તારના તમામ લોકો અને ખેડૂતોના હિત માટે ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનનું રણશિંગુ ફૂંકાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.