Abtak Media Google News

બૉમ્બ વિસ્ફોટમાં ૧૦ના મોત, ૮થી વધુ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ

નવા વર્ષના દિવસે જ  કાબુલ મિલિટરી એરપોર્ટ પર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે અને ૮ લોકો ઘાયલ પણ થયા છે. તાલિબાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બ્લાસ્ટ સવારે થયો હતો.

અફઘાનિસ્તાનમાં કાબુલના મિલિટરી એરપોર્ટ પર રવિવારે સવારે એક ચેકપોઇન્ટ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હતા. તાલિબાનના એક અધિકારીએ આ માહિતી આપી હતી. ન્યૂ યર પર થયેલા આ બ્લાસ્ટમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે.

હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું કે વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. જો કે, તેમણે જાનહાનિ વિશે કોઈ ચોક્કસ આંકડા અથવા વધુ વિગતો શેર કરી ન હતી. તેમણે કહ્યું કે તપાસ બાદ વધુ માહિતી શેર કરવામાં આવશે.

ખામા પ્રેસે જણાવ્યું કે તખારમાં તાલિબાન સુરક્ષા કમાન્ડર અબ્દુલ મુબીન સફીએ વિસ્ફોટની પૃષ્ટી કરી અને કહ્યું કે બોમ્બ સ્થાનીય પ્રશાસનિક કર્મચારીઓના ડેસ્ક નીચે રાખવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક મહિનામાં યુદ્ધગ્રસ્ત દેશમાં ઘણા વિસ્ફોટ થઇ રહ્યા છે. આ પહેલા સોમવારે એક વિસ્ફોટમાં ઉત્તરી બદખશાં પ્રાંતના પોલીસ પ્રમુખનું મોત થયું હતું અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા.

આ પહેલા ૧૩ નવેમ્બરે અફઘાનિસ્તાનમાં હુમલાખોરે કાબુલમાં ચીનની હોટલમાં ઘુસીને ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ૩ લોકોના મોત થયા હતા જ્યારે ૧૮ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગત વર્ષે અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનની વાપસી પછી તેમણે રાષ્ટ્રીય સુરક્ષામાં સુધારાનો દાવો કર્યો છે પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી દેશમાં વિસ્ફોટ અને ગોળીબારી વધી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.