Abtak Media Google News

ભાગીદારી છુટી થતાં બાકી રકમ વસુલવા ઢીમ ઢાળી દીધુ હતું

જામનગરના એસ.ટી. ડેપો પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં મંગળવારે રાત્રે એક યુવાનની થયેલી હત્યામાં સંડોવાયેલા મનાતા શખ્સને આજે બપોરે તપાસનીશ ટૂકડીએ સંગમ બાગ પાસેથી પકડી પાડી તેનું બાઈક કબજે કર્યું છે. આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી પોલીસે પૂછપરછ કરતા છૂટી થયેલી ભાગીદારીની ચૂકવવાની થતી બાકી રકમના કારણે હત્યા થયાનું બહાર આવ્યું છે.

જામનગરના એસ.ટી. ડેપો રોડ પર આવેલા રાજાવીર કોમ્પલેક્ષમાં દુકાન નં.૮માં ઓરેન્જ ઈન્ટરનેશનલ કાર્ગો એન્ડ કુરિયર નામની ઓફિસ ચલાવતા ડેનીશભાઈ બાબુભાઈ બાવરિયા અને ઓફિસના કર્મચારી મનિષભાઈ જેઠવા મંગળવારની રાત્રે સાડા નવેક વાગ્યે પોતાના વ્યવસાયના સ્થળે હાજર હતા ત્યારે ત્યાં ધસી આવેલા હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના શખ્સે પૈસાની લેતીદેતીના મામલે બોલાચાલી કર્યા પછી છરી વડે ડેનીશભાઈ પર હુમલો કરી એક ઘા ડાબા હાથના બાવડામાં અને બીજો ઘા પેટમાં ઝીંકી દેતા આંતરડું બહાર આવી જવાના કારણે ડેનીશભાઈ ખુરશી પર જ ઢળી પડયા હતા.

ત્યાર પછી હુમલાખોર હરદેવસિંહએ ૧૦૮ને બનાવની જાણ કરી હતી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી તેના સ્ટાફે ડેનીશભાઈને સ્થળ પર જ મૃત્યુ પામેલા જાહેર કરતા હુમલાખોર હરદેવસિંહ ઓફિસ કર્મચારી મનિષને ધમકી આપી નાસી છૂટયો હતો. ૧૦૮ની ટીમે આ બનાવની પોલીસને જાણ કરતા એસપી સહિતના પોલીસ કાફલાએ બનાવના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. ઓફિસમાં રહેલા સીસીટીવીના ફૂટેજ જોવાતા તેમાં હત્યાનો આ બનાવ કંડારાયેલો નિહાળાયો હતો જેના પગલે પોલીસે મૃતકના પિતા બાબુભાઈ મોહનભાઈ બાવરિયાની ફરિયાદ પરથી હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા સામે આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.