Abtak Media Google News

હિંસક આંદોલન ખતમ કરાવવા સ્થાનિકો મેદાનમાં ઉતરી પડ્યા આંદોલનકારીઓની પીછેહટ સમીકરણો બદલાવી દેશે ?

આગ બુઝવાની નથી ? કૃષિ વિધેયક સામે ચાલી રહેલા આંદોલનકારીઓના દેખાવો દરમિયાન ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ નિમિતે લાલ કિલ્લા પર તિરંગા પર અન્ય ધ્વજ લહેરાવવાની ચેસ્ટાએ આંદોલનકારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રદ્રોહ વચ્ચેની પાતળી ભેદરેખા ક્યાંકને ક્યાંક આંદોલનના ઉનમાદમાં આંદોલનકારીઓ ચાતરી ગયા છે. તેવા સંજોગોમાં  આંદોલનકારીઓ સામે હવે સ્થાનિક ધોરણે પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે. આંદોલનકારીઓને દિલ્હીની સરહદેથી અને ખાસ કરીને જિલ્લા ગાઝીપુર અને ટીકરી કેમ્પમાં સ્થાનિક લોકોએ આંદોલનકારીઓને ચાલ્યા જવાની ઝુંબેશ ઉપાડી છે અને આંદોલનકારીઓમાં કેટલાંક દેશ વિરોધી તત્ત્વો સામે થઈ ગયા હોવાની ફરિયાદો સાથે અત્યારે આંદોલનકારીઓ પોતે આંગળી ચિંધામણા બની ગયા છે. જો કે, ૨૬મી જાન્યુઆરીની તિરંગાના અપમાનની ઘટનાને લઈને આંદોલનકારીઓમાં પણ અસમંજસ ઉભી થઈ ગઈ છે અને તેમણે સંસદ પરની કુચ મુલત્વી રાખી હતી. હવે આંદોલનકારીઓએ રાજકારણનો સહારો લઈ વિરોધ કાર્યક્રમ જારી રાખવાની રણનીતિ અપનાવી છે.

Advertisement

આંદોલનકારીઓ માટે હવે દેશપ્રેમ અને દેશદ્રોહના ભેદમાં સ્પષ્ટ અભિગમ જાહેર કરવાનો સમય આવી ગયો છે. સરકારે રચેલી સમીતીમાં પણ કૃષિ કાયદો પાછો ન ખેંચવાનો અભિગમ પ્રવર્તી રહ્યો છે ત્યારે આંદોલનકારીઓએ કૃષિ કાયદા પાછા ખેંચવા સીવાય કોઈ વિકલ્પ બાકી છોડ્યો નથી. લઘુતમ ટેકાના ભાવો અને ભાવ બાંધણા જેવા મુદ્દાઓએ પણ મડાગાંઠ યથાવત રાખી છે અને અખિલ ભારતીય કિસાન સંગઠન સીપીએમ જેવા ડાબેરીઓના સહકાર માટે આંદોલનકારીઓએ પ્રયાસો શરૂ કર્યા છે.

નવીદિલ્હીના સરહદે આંદોલનકારીઓ ઉપર સ્થાનિક લોકોનું દબાણ વધ્યું છે. હવે આંદોલનકારીઓ માટે કોઈપણ સંજોગોમાં પોતાનો કાર્યક્રમ અને અસ્તિત્વ ટકાવી રાખવો એ પડકાર બન્યો છે. આંદોલનકારીઓના રૂપમાં દેશ વિરોધી તત્ત્વોની સામેલગીરીની ફરિયાદો વચ્ચે આંદોલનકારીઓએ હવે રાજકારણનું શરણ લીધુ છે. પડી ભાંગેલા સંગઠન અને લાલ કિલ્લાના રાષ્ટ્ર ધ્વજના અપમાનને લઈને આંદોલનકારીઓને પારોઠના પગલા ભરવાની ફરજ પડવાની છે ત્યારે પડી રહેલા આંદોલનકારી નેતાઓ રાજકારણના શરણે ગયા છે. હવે જોઈએ કે, આંદોલનકારીઓને રાજકારણનું શરણ કેટલું અને કેવું મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.