Abtak Media Google News

 

આ વર્ષે ધો.10માં પ્રથમ વખત ગણિતની બે પરીક્ષા અલગ-અલગ દિવસે લેવાશે, જેમાં 30મી માર્ચે બેઝિક ગણિત અને 31મી માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવશે

અબતક, અમદાવાદ

ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે.જે મુજબ આ વર્ષે 28મી માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધો.10માં પ્રથમ વખત ગણિતની બે પરીક્ષા અલગ-અલગ દિવસે લેવામાં આવશે. જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે.બોર્ડ દ્વારા આજે સત્તાવાર રીતે પરીક્ષાનું ટાઇમ ટેબલ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવ્યું છે.જેમાં ધો.10ની પરીક્ષા આ મુજબ છે. 28મી માર્ચે ગુજરાતી, 30મી માર્ચે બેઝિક ગણતિ, 31મી માર્ચે સ્ટાન્ડર્ડ ગણિત ત્યારબાદ ત્રણ દિવસની રજા અને 4 એપ્રિલે વિજ્ઞાન, 6 એપ્રિલે સામાજીક વિજ્ઞાન, 7 એપ્રિલે ગુજરાતી (દ્વીતીય ભાષા), 8 એપ્રિલે અંગ્રેજી અને જ્યારે 9મી એપ્રિલે હિન્દી ભાષાનું પેપર લેવામાં આવશે. 2 એપ્રિલના રોજ ચેટી ચાંદ અને 10 એપ્રિલના રોજ રામ નવમીની રજા રહેશે.

ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આ મુજબ છે. જેમાં 28 માર્ચે નામાના મૂળતત્વ, 29મી માર્ચે આંકડાશાસ્ત્ર, 30મી માર્ચે તત્વજ્ઞાન, 31મી માર્ચે અર્થશાસ્ત્ર, 1લી એપ્રિલે ભૂગોળ, 4 એપ્રિલે વાણિજ્ય વ્યવસ્થા, 5 એપ્રિલે ગુજરાતી-અંગ્રેજી, 6 એપ્રિલે મનોવિજ્ઞાન, 7 એપ્રિલે જે-તે પ્રથમ ભાષા, 8 એપ્રિલે હિન્દી, 9 એપ્રિલે કોમ્પ્યૂટર પરિચય, 11 એપ્રિલે સંસ્કૃત અને છેલ્લુ પેપર 12 એપ્રિલના રોજ સમાજશાસ્ત્રનું રહેશે.ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ આ મુજબ છે. જેમાં 28મી માર્ચે ભૌતિક વિજ્ઞાન, 30મી માર્ચે રસાયણ વિજ્ઞાન, 1લી એપ્રિલે જીવ વિજ્ઞાન, 4 એપ્રિલે ગણિત, 6 એપ્રિલે અંગ્રેજી જ્યારે 8મી એપ્રિલના રોજ જે-તે પ્રથમ ભાષાના વિષયનું પેપર રહેેશે.ધો.10ની પરીક્ષા સવારે 10:30 થી શરૂ થશે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3:00 વાગ્યાથી શરૂ થશે.

આ વર્ષે બોર્ડમાં પરીક્ષાર્થીઓની સંખ્યામાં ઘટાડો: 5.88 લાખ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયાછેલ્લા બે વર્ષમાં કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટું નુકશાન થયું છે. પરંતુ ગુજરાતમાં મહામારીને લીધે માત્ર લર્નીંગ લોસ જ નહિ પણ વધુ એક ખોટ ઉપજી છે. આવતા મહિનેથી શરૂ થનારી ધો.10 અને ધો.12ની પરીક્ષામાં 5.88 લાખ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ધો.10માં ચાલુ વર્ષે 9.72 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે જે 2021ની સરખામણીમાં ઓછા છે. કોરોનાની બીજી લહેરને કારણે 2021માં માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું હતું. એ સમયે ધો.10માં 14.3 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 2020માં મહામારી શરૂ થઇ હતી એ વખતે પણ 11.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ જ પ્રમાણે ધો.12 સામાન્ય પ્રવાહમાં 4.26 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાઓ માટે નોંધણી કરાવી છે. જે ગત વર્ષ કરતા ઓછી છે. 2021માં ધો.12 સામાન્ય પ્રવાહમાં 5.42 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે 33,000 વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ગત વર્ષે 1.04 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.