Abtak Media Google News

ભારત અને રશિયાની ભાગીદારી સમગ્ર વિશ્વ માટે લાભદાયી: ડો. વી.કે. પોલ

કોરોના સામે ઝઝૂમી રહેલા ભારત માટે સારા ખબર એ છે કે, રશિયા પોતાના લોકોને જે રસી આપવાનુ છે તેની ટ્રાયલ ભારત સહિતના પાંચ દેશોમાં પણ થવાની છે. અગાઉ રશિયાએ જાહેર કર્યું હતું કે સ્પુટનિક તમામ પરિક્ષણોમાં સફળ રહ્યું છે અને હવે ટૂંક સમયમાં ભારત સહિતના ૫ દેશને રસી આપવામાં આવશે. જ્યાં સ્પુટનિકનું ત્રીજા તબક્કાનું અને પરીક્ષણ કરીને અંતિમ તારણ લેવામાં આવશે. સ્પુટનિકનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ભારતમાં થશે તેવી વાત સામે આવી રહી છે. જેથી ટૂંકા સમયગાળામાં કોરોના સામે લડવા ભારત પાસે સ્પુટનિક રસીનું શસ્ત્ર આવી જશે તેવું કહી શકાય.

Advertisement

રશિયાએ કોરોના સામેની રસીને સ્પુટનિક નામ આપ્યુ છે. જે રશિયા બહુ જલ્દી પોતાના નાગરિકોને આપવાનુ છે. તેની સાથે સાથે રસી બનાવવા માટે ફંડિંગ કરનાર એજન્સીનુ કહેવુ છે કે, આ મહિનાથી ભારત, યુએઈ, સાઉદી અરબ , ફિલિપન્સ અને બ્રાઝિલમાં તેની ક્લિનિકલ ટ્રાયલ શરુ કરવામાં આવશે. આ રસીની રશિયામાં ત્રીજા ફેઝની ટ્રાયલ ચાલી રહી છે. જેનુ પરિણામ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં જાહેર કરાશે. ૧૧ ઓગસ્ટે  રશિયન રાષ્ટ્રપતિ પુતિને આ રસી લોન્ચ કરી હતી. વેકિસનનુ મોટા પાયે ઉત્પાદન આ મહિનાથી શરુ કરવાની શક્યતા છે. વર્ષ ૨૦૨૦ ના અંત સુધી તેના ૨૦ કરોડ ડોઝ તૈયાર કરવાનુ લક્ષ્ય છે. આ રસી શરીરમાં એ જ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે જે કોરોના વાયરસથી સાજા થયેલા વ્યક્તિના શરીરમાં થાય છે. ૩૮ લોકો પર થયેલા સ્ટડીમાં આ રસી માનવ શરીર માટે સુરક્ષિત હોવાનુ બહાર આવ્યુ છે. સ્પુટનિક રસીનુ નામ રશિયાના પહેલા સેટેલાઈટ સ્પુટનિક પરથી રાખવામાં આવ્યુ છે.જ્યારે રશિયાએ આ સેટેલાઈટ લોન્ચ કર્યો ત્યારે રશિયા અને અમેરિકા વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હતી.

ભારતીય કંપનીઓ દ્વારા તેના કોવિડ -૧૯ રસી સ્પુટનિકના ફેઝ -૩ ક્લિનિકલ ટ્રાયલ અને મેન્યુફેક્ચરિંગ માટેની રશિયાની દરખાસ્ત અંગે ભારત વિચારણા કરી રહ્યું છે તેવું સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે,  હાલ બંને મોરચે નોંધપાત્ર પ્રયત્નો કરાઈ રહ્યા છે અને હકારાત્મક પરિણામો ટૂંક સમયમાં મળશે તેવી અપેક્ષાઓ છે. ભારતીય નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલ કે જે કોવિડ -૧૯ રસી અંગેની રાષ્ટ્રીય નિષ્ણાત જૂથના અધ્યક્ષ પણ છે, તેમણે કહ્યું હતું કે રશિયાએ ભારતનો ખાસ મિત્ર ચેહ અને તેના તરફથી મળેલી ભાગીદારીની આ ઓફર ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોએ સ્પુટનિક અંગેની તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું છે અને બજારમાં આ રસી મુકતા પૂર્વે પરીક્ષણ કરવું જરૂરી છે. જેથી ત્રીજા તબક્કોનું પરીક્ષણ ભારતમાં કરાશે.

તેમણે જણાવ્યું હતું કે રશિયન સરકારે ભારત સરકારનો સંપર્ક કર્યો  તે બાદ અનેક સ્થાનિક ફાર્મા કંપનીઓ સ્પુટનિક અંગેનો અભ્યાસ કરી રહી છે. તેમજ સરકાર પણ સ્પુટનિકના ઘર આંગણે ઉત્પાદન અંગે વિચારણા કરી રહી છે. અમુક ફાર્મા કંપનીઓ સ્પુટનિકના ઉત્પાદન માટે આગળ પણ આવી છે. પૌલે ઉમેર્યું હતું કે હાલની પરિસ્થિતિ ભારત માટે ’વિન – વિન’ પરિસ્થિતિ છે જે હકારાત્મક અભિગમ સૂચવે છે. આ બાબત રશિયા, ભારત અને સમગ્ર વિશ્વ માટે હિતકારી પગલું સાબિત થઈ શકે છે.

હાલ ભારતમાં કુલ ત્રણ ઉચ્ચ કક્ષાની ફાર્મા કંપની અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ અંગે અભ્યાસ કરી રહી છે. ભારત બાયોટેક અને આઈસીએમઆરએ સંયુક્ત ઉપક્રમે અભ્યાસ કરીને ફેજ – ૧ નું પરીક્ષણ પૂર્ણ કર્યું છે અને બીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું છે. ઝાયડ્સ કેડીલાએ બીજા તબક્કાનું માનવ પરીક્ષણ હાથ ધર્યું છે જેની પ્રક્રિયા પણ અંશત: પૂર્ણ થઈ છે.

મહત્વપૂર્ણ બાબત છે કે જો રશિયા સાથે ભાગીદારી કરીને ભારતમાં સ્પુટનિકનહ ત્રીજા અને અંતિમ તબક્કાનું પરીક્ષણ કરવામાં આવે અને જો આ પરીક્ષણ સફળ રહે તો ટૂંક સમયમાં ભારત માટે ખુશીના સમાચાર આવી શકે છે. કોરોના સામે લડવા માટે આ રસી મહત્વપૂર્ણ રહેશે અને લોકોમાં રહેલો કોરોના ભય પણ દૂર કરી શકાશે. બીજી બાબત એ પણ છે કે જો ઘર આંગણે જ આ રસીનું પરીક્ષણ કરવામાં આવે તો રસી અંગે લોકોમાં વિશ્વસનીયતા આવશે જે હકારાત્મક અભિગમ બનશે. ઘર આંગણે ઉત્પાદન થવાથી રસીની ઉપલબ્ધતા અંગે પણ કોઈ પ્રશ્ન રહેશે નહીં જેથી છેવાડાનો દર્દી પણ આ રસીની મદદ લઈને કોરોનાને સરળતાથી હરાવી શકશે. સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ત્રીજા તબક્કાનું પરીક્ષણ પૂરું કરી લેવામાં આવશે તેવું હાલના સંજોગો પ્રમાણે કહી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.