Abtak Media Google News

 

Advertisement

 જામનગર સમાચાર

જામનગર નજીકનું દરેડ ગામ આમ તો બહુ નાનું છે પરંતુ વિશ્વ વિખ્યાત બ્રાસ સિટી જામનગરનાં હજારો ઉદ્યોગોને કારણે આ ગામ બહુ મહત્વનું મથક બની ગયું છે. અચરજની વાત એ પણ છે કે, આ નાનું ગામ સંખ્યાબંધ સમસ્યાઓથી પિડાઈ રહ્યું હોવા છતાં ગ્રામજનોની સમસ્યાઓ ઉકેલવા એક પણ કક્ષાએથી ક્યારેય કોઈ પ્રયાસો થતાં નથી ! જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દરેડ ગામની વચ્ચેથી લાલપુર-જામનગર હાઈવે પસાર થાય છે. આ હાઈવે પરથી રાતદિવસ હજારોની સંખ્યામાંં તોતિંગ વાહનો પસાર થાય છે. આ વાહનો એટલાં મોટાં કદના હોય છે કે, વાહનો પસાર થાય ત્યારે ગ્રામજનો ફફડતાં રહે છે. આ વાહનોની ગતિ પણ રાક્ષસી હોય છે, જેને કારણે નાનામોટાં અકસ્માત કાયમી પળોજણ બની ગઈ છે. આ અકસ્માતોમાં ગ્રામજનો મોતનો શિકાર બની રહ્યા છે. આ ભારે વાહનોને કારણે લોકો પોતાના સ્કૂલ અને કોલેજોમાં ભણતાં સંતાનોને બે પૈડાંવાળા વાહનો આપતાં નથી. અને ઘરના કામો માટે પણ વાલીઓ સંતાનોને વાહન આપી શકતાં નથી. ભયાનક ટ્રાફિકને કારણે મહિલાઓ મુખ્ય રોડ પર પસાર થઈને શાક માર્કેટ પણ જઈ શકતી નથી. કારણ કે, સત્તાવાળાઓએ ગામ નજીક ડિવાઈડરમાં કટ આપ્યા નથી. ગામના બંને છેવાડે ડિવાઈડરમાં કટ આપવામાં આવ્યા હોય ગામના તમામ વાહનચાલકો અને શાક માર્કેટ સહિતના કામો માટે રોડ ક્રોસ કરવામાં હજારો ગ્રામજનોને કાયમી પારાવાર હાલાકીઓ વેઠવી પડે છે.

શનિવારે ઘણાં બધાં પુરુષોએ પણ વિરોધ પ્રદર્શન યોજયું હતું. હાઈવે પર યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં અબતક સાથેની વાતચીતમાં મગનભાઈ ચાંગાણી સહિતના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના સરપંચ ગેરકાયદેસર રીતે અને દાદાગીરીથી ગૌશાળા માટે લોકો પાસેથી રૂપિયા બે પાંચ હજારની રકમો વસૂલે છે. તેઓએ કહ્યું હતું કે, હિતેશભાઈ નામના એક ગ્રામજન પંચાયતમાં કોઈ દાખલો કઢાવવા ગયા ત્યારે પંચાયતે બળજબરીથી આ ગ્રામજન પાસેથી રૂપિયા 2,000 ગૌશાળા માટે વસૂલી લીધાં છે.

આ ઉપરાંત મગનભાઈ ચાંગાણીએ જણાવ્યું હતું કે, દરેડમાં આવેલી ગૌશાળાની જમીન પર એક વાળંદની કેબિન દ્વારા પેશકદમી કરવામાં આવી છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ દબાણકાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. દબાણકારને છાવરવામાં આવે છે. આ સમગ્ર વિષય અંગે દરેડના સરપંચ બાબુભાઈ સુદાણીનો પણ અબતક દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો. અને તેઓનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરપંચે જણાવ્યું હતું કે, લોકો તથા ઉદ્યોગકારો ગૌશાળા માટે રાજીખુશીથી પંચાયતને નાણાં આપે છે. આ નાણાંના બદલામાં તલાટીની સહી સાથેની નાણાંની પહોંચ પણ પંચાયત દ્વારા આપવામાં આવે છે. (જો કે આ રીતે ઉઘરાવવામાં આવતાં નાણાં ગૌશાળાને આપી દેવામાં આવે છે કે કેમ ? તે અંગે સરપંચ કશું બોલ્યા નથી). ગૌશાળાની જમીન પર એક કેબિન દ્વારા થતાં દબાણ અંગે સરપંચે કહ્યું કે, તે કેબિનધારક પાસે અદાલતનો હુકમ છે. અને તે દબાણ નથી. ગૌશાળાની જમીનથી તે કેબિન દૂર છે.

ગામમાંથી પસાર થતાં હાઈવેની બંને તરફના દબાણો અંગે સરપંચ મૌન રહે છે. ભારે વાહનોની સમસ્યા અને ડિવાઈડર કટ અંગે પણ સરપંચ ગ્રામજનોની તરફેણમાં કોઈ જ કાર્યવાહીઓ કરવામાં રસ લેતાં નથી !

ગૌશાળાના બાંધકામનો કબજો દરેડ પાસે વેરા ઉઘરાવે ચેલા ગ્રામ પંચાયત: સરપંચ

સરપંચ બાબુભાઈ સુદાણીએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું કે, દરેડ ગામની ગૌશાળાની જમીન હાલ જયાં ગૌશાળા છે ત્યાં નથી! ગૌશાળાની દરેડની જમીન હાલની ગૌશાળાથી થોડે આગળ છે. હાલ જે જમીન પર ગૌશાળા છે, તે જમીન પંચાયત રેકર્ડ મુજબ, ચેલા ગ્રામ પંચાયતની છે ! એટલું જ નહીં, ગ્રામ પંચાયત દ્વારા દરેડમાં ગામ લોકોની સુવિધાઓ માટે એક સમાજવાડી બનાવવામાં આવી છે, તે સમાજવાડી જે જમીન પર બનાવવામાં આવી છે તે જમીન દરેડ ગ્રામ પંચાયતની નહીં પણ ચેલા ગ્રામ પંચાયતની છે. આ બધાં બાંધકામના વેરાઓ ચેલા ગ્રામ પંચાયત ઉઘરાવે છે અને આવા બાંધકામોનો કબજો દરેડ ગ્રામ પંચાયત ધરાવે છે !! પંચાયતી રેકર્ડ પરની આ વિસંગતતાઓનો જિલ્લા વહીવટીતંત્રએ ઉકેલ લાવવો જોઈએ. અને દરેડ તથા ચેલા ગ્રામ પંચાયતોને મહેસૂલી નકશાઓ પ્રમાણે માર્ગદર્શન આપવું જોઈએ એમ જાણકારો કહે છે.

ગામમાંથી પસાર થતા હાઇવે પર દબાણો બેફામ તંત્ર ધ્યાન આપતું નથી: રમીલાબેન રૂપાપરા

આ સમસ્યા અંગે સત્તાવાળાઓનું ધ્યાન દોરવા માટે શનિવારે મહિલાઓએ આ હાઈવે પર દેખાવો યોજયા હતાં જેમાં રમીલાબેન રૂપાપરા નામના એક મહિલાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, આજે તો માત્ર એક કલાક પૂરતું વિરોધ પ્રદર્શન કર્યું છે, અમારી તકલીફ દૂર નહીં થાય તો એક આખો દિવસ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. મહિલાઓએ ‘અબતક’ સમક્ષ એમ પણ જણાવ્યું કે, ગામ નજીકના હાઈવે ની બંને બાજુએ રિક્ષાવાળાઓનો પણ ભયંકર ત્રાસ છે, તેઓ આખો દિવસ રસ્તો રોકી લ્યે છે અને બેફામ વાહનો ચલાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગામમાંથી પસાર થતાં આ હાઈવે પર દબાણો પણ બેફામ છે, જે અંગે કોઈ જ તંત્ર ધ્યાન આપતું નથી અને ગ્રામજનો ભારે પરેશાન છે.

 સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.