Abtak Media Google News

૧૧૧ વર્ષના સિધ્ધગંગા મઠના પ્રમુખ સ્વામીના નિધનથી દિવસ રાજકીય શોકનું એલાન

કર્ણાટકના સિધ્ધ ગંગા મઠના આધ્યાત્મિક ગુરૂ શિવકુમાર સ્વામીને લાંબા સમયથી ગંભીર બીમારીઓ બાદ તેમનું નિધન થયું છે. લીંગાયત વિરશૈવ સમુદાયના સ્વામીજી ૧૧૧ વર્ષ જીવ્યા, રાજય સરકારે તેમના નિધન ઉપર ત્રણ દિવસ રાજકીય શોક રાખવાનું જાહેર કર્યું છે. સ્વામીજીને કેટલાક લોકો જીવતા ભગવાન અને ‘વોકિંગ ગોડ’ના નામથી ઓળખતા હતા. શિવકુમાર સ્વામીનો જન્મ ૧લી એપ્રીલ ૧૯૦૭માં કર્ણાટકના રામનગર જિલ્લાના નાનકડા ગામ વિરપુરામાં થયો હતો.

શિવકુમાર સ્વામી કર્ણાટકના તુમકુરના સિધ્ધ ગંગા મઠના પ્રમુખ સંત રહ્યાં. લીંગાયત સમુદાયનો આ મઠ ૩૦૦ વર્ષ જુનો હોવાનું મનાય રહ્યું છે. ૧૨મી સત્તાબ્દીના સમાજ સુધારક તરીકે શિવકુમાર સ્વામીએ સિધ્ધ ગંગા એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી જે રાજયની ૧૨૫ શૈક્ષણિક સંસ્થાઓ, એન્જીનીયરીંગ કોલેજોથી લઈ બિઝનેસ સ્કૂલોનું સંચાલન કરે છે.

કર્ણાટકના ૩૦ જિલ્લામાં લીંગાયત સમુદાયના મઠનું ખુબજ પ્રભુત્વ છે. લીંગાયત સમુદાય કર્ણાટકની રાજનીતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. રાજયના કુલ વોટરોમાં આ સમુદાયના વોટરોનો ૧૮ ટકા ફાળો છે. પ્રદેશની ૧૦૦થી પણ વધુ સીટો ઉપર તેનો સીધો પ્રભાવ પડે છે. એ જ કારણ છે કે, કોઈપણ મોટા નેતાને શિવકુમાર સ્વામી પાસે શિશ નમાવવું પડે છે. રાજયમાં ગત વર્ષે વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપી તેમજ કોંગ્રેસ બન્નેના નેતાઓ શિવકુમાર સ્વામીની મુલાકાતે આવ્યા હતા. અમીત શાહ, રાહુલ ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ તમામ મોટા નેતાઓ તેમના આશિર્વાદ મેળવી ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.