Abtak Media Google News

તરલતાનો અભાવ, રેરા કાયદો, નેગેટીવ કેશ ફલો સહિત અનેકવિધ મુદ્દાઓના કારણે રીયલ એસ્ટેટ ક્ષેત્ર મંદીના ઓછાયા હેઠળ

સમગ્ર ભારતની આર્થિક પરિસ્થિતિ અત્યંત ડામાડોળ જોવા મળી રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર કોઈ ક્ષેત્રને પહોંચી હોય તો તે રીયલ એસ્ટેટ ક્ષેત્ર છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં તજજ્ઞોનું માનવું છે કે હાલ જે વીસચક્ર રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે તે ૨૦૨૦-૨૧ સુધી યથાવત રહેશે ત્યારબાદ આ ક્ષેત્રમાં અનેકગણો સુધારો જોવા મળશે. રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળતી મંદીનું માત્ર કોઈ એક જ કારણ નહીં પરંતુ અનેક કારણો કારણભુત છે જેમાં એનબીએફસી બેંકોનાં એનપીએમાં વધારો, રેરા જેવા જટીલ કાયદાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રનો જે વિકાસ થવો જોઈએ તે થઈ શકતો નથી. દેશની આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે રીયલ એસ્ટેટ ક્ષેત્ર અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપન જોવામાં આવ્યું છે તેમાં રીયલ એસ્ટેટ ક્ષેત્ર અત્યંત મદદરૂપ અને ફાયદારૂપ નિવડશે તેવું પણ માનવામાં આવે છે પરંતુ હાલની સ્થિતિ જોતા એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે રીયલ એસ્ટેટ ક્ષેત્રની પરિસ્થિતિ નબળી હોવાથી જે દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું જોઈએ તે થઈ શકાતુ નથી. સરકાર દ્વારા રેરા કાયદાને અમલી બનાવ્યા બાદ ઘણા ખરા પ્રશ્ર્નો રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઉદભવિત થયા હોવાનું ૫ણ સામે આવ્યું છે. નાણા મંત્રાલય દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપવા માટે અનેકવિધ યોજનાઓને પણ અમલી બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા જે ઘરના ઘરનું સ્વપ્ન અને લક્ષ્ય રાખવામાં આવ્યો છે તે માટે પણ રીયલ એસ્ટેટ ક્ષેત્રને સ્ટ્રેસ ફંડ પેટે રકમ પણ ફાળવાઈ છે.

આ ક્ષેત્રને વધુ વિકસિત કરવા માટે સરકાર દ્વારા હજુ પણ અનેક વિકાસલક્ષી પગલાઓ લેવા અનિવાર્ય બન્યા છે જો આ ક્ષેત્રને પુરતુ ધ્યાન આપી ક્ષેત્રનાં વિકાસ માટેની યોજના બનાવવામાં આવે તો ઘણાખરા અંશે જે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યા છે તેનાં પર પૂર્ણવિરામ મુકી શકાશે. જયારે બીજી તરફ બજારમાં તરલતાનો અભાવ જોવા મળતા જે વેચાણ થવું જોઈએ તે પણ થઈ શકતું નથી. સમગ્ર દેશમાં અનેકવિધ નવનિર્મિત પ્રોજેકટો ખાલી ખમ્મ પડેલા છે. પ્રોપર્ટી લેવા માટે લોકો પાસે જે નાણા હોવા જોઈએ તેમાં અભાવ જોવા મળતા બિલ્ડરોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. તેમના દ્વારા સરકારને રેરાના કાયદામાં ફેરબદલ અને સુધારા કરવાનું પણ સુચવ્યું છે પરંતુ હાલ સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું છે.

7537D2F3 11

રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે તરલતાનો અભાવ

દેશની આર્થિક સ્થિતિને જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે બજારમાં જે તરલતા હોવા જોઈએ તે જોઈ શકાતી નથી જેની સીધી અસર રીયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર નજરે પડે છે. સરકાર દ્વારા રેરા કાયદાને અમલી બનાવ્યા બાદ બિલ્ડરોની જે હાલત કફોડી બની છે તેનાથી અનેકવિધ પ્રશ્ર્નો ઉભા થયા છે. બજારમાં મંદી હોવાના કારણે જે રૂપિયો ફરતો હોવો જોઈએ તે પરિસ્થિતિનું નિર્માણ ન થતા અનેકવિધ પ્રોજેકટો ખાલી ખમ્મ પડેલા નજરે પડે છે જયારે તેમને લેવા માટે લોકોમાં પણ ઉત્સુકતાનો અભાવ નજરે પડતો હોય તેવું લાગે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જયારે દેશમાં અને બજારમાં તરલતા જોવા મળશે ત્યારે રીયલ એસ્ટેટ

ક્ષેત્રની પરિસ્થિતિ બદલશે અને ખાલી પડેલા પ્રોજેકટોને લેવા માટે લોકો પણ આગળ આવશે. સરકાર દ્વારા જે ઘરના ઘરનું સ્વપ્ન છે તેના માટે બિલ્ડરોને યોગ્ય અને પુરતુ ફંડ મળી રહે તે માટે સરકાર પૂર્ણત: પ્રયત્નશીલ હોય તેવું લાગે છે.

રેરાએ ‘રોકડ’ને જકડી લીધુ

રેરા એટલે રીયલ એસ્ટેટ રેગ્યુલેટર એકટ આ કાયદો જયારથી અમલી બન્યો છે તેમાં સરકારનું માનવું છે કે આ કાયદાથી અનેકવિધ પ્રકારે પારદર્શિતા આવશે. બિલ્ડરોએ તેમના પ્રોજેકટોને રેરા હેઠળ રજીસ્ટર પણ કરાવવા ફરજીયાત બન્યા છે પરંતુ રેરા જયારથી અમલી બન્યું છે ત્યારે જે રોકડ રકમ એટલે કે નાણાકિય વ્યવહાર થવા જોઈએ તેના પર જયારે પૂર્ણવિરામ મુકાણો હોય તેવું લાગે છે. નિયમો અનુસાર બિલ્ડરો પાસે નિર્ધારીત કરેલા નાણા જે રેરા પ્રોજેકટ માટે રાખવામાં આવ્યા હોય તે નાણાનો ઉપયોગ બિલ્ડર અન્ય પ્રોજેકટમાં કરી શકતો નથી ત્યારે બીજી તરફ સરકાર દ્વારા બિલ્ડરોને જે રીતે નાણાકિય સહાય આપવામાં આવી જોઈએ તે પણ જોવા ન મળતા જે તરલતાનો પ્રશ્ર્ન ઉદભવિત થયો છે તેમાંથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને કેવી રીતે બહાર કાઢવું તે પણ સરકાર માટે એક પ્રશ્ર્ન ઉદભવિત થયો હોય તેવું લાગે છે.

એનપીએએ બેંકોનાં હાથ બાંધી દીધા

રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડરો દ્વારા જે મસમોટા પ્રોજેકટો બનાવવામાં આવતા હતા તે માટે તેઓને નાણા લોન પેટે બેંકો તરફથી મળતા હતા પરંતુ હાલ બેંકોમાં એનપીએનું પ્રમાણ વધતા બેંકોએ પોતાના હાથ સકંચો લીધા છે જેથી જે પ્રશ્ર્ન અને જે આર્થિક મદદ રિયલ એસ્ટેટ ક્ષેત્રને મળતી રહેતી હતી તેમાં પણ અનેક અંશે ઘટાડો જોવા મળે છે. ઘણા ખરા લોકો બેંકો પાસેથી ખુબ મોટા પ્રમાણમાં લોન લઈ બેંકોને ધુંબો મારતા નજરે પડયા છે જે અંગેની નોંધ સરકાર દ્વારા પણ લેવામાં આવી છે ત્યારે બેન્કિંગ રેગ્યુલેશન એકટમાં સરકાર દ્વારા જે ફેરબદલ કરવામાં આવ્યા છે અને લોન માટે જે કાયદાઓ જટીલ કર્યા છે તેનાથી રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સરળતાપૂર્વક લોન મળી શકતી નથી જેના કારણોસર અનેકવિધ પ્રોજેકટો પણ બંધ હાલતમાં નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.