Abtak Media Google News

ગીત ગુર્જરી સોસાયટીમાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન અને વોર્ડ ઓફિસ સાથે હોવાના કારણે પડી રહી છે સંકડાશ, હયાત વોર્ડ ઓફિસની બાજુમાં નવુ બિલ્ડીંગ બનાવાશે

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે બપોરે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમીટીની એક બેઠક મળશે જેમાં અલગ અલગ 21 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. વોર્ડ નં.2માં નવી વોર્ડ ઓફિસ અને વોર્ડ નં.7માં નવા આરોગ્ય કેન્દ્રનું બાંધકામ કરવામાં આવશે. આ ઉપરાંત 2 વર્ષ માટે વોટર વર્કસનો ઝોનલ કોન્ટ્રાકટ, ઝોનલ મેસનરી કોન્ટ્રાકટ, ઝોનલ રસ્તા કામનો કોન્ટ્રાકટ અને ઝોનલ ડ્રેનેજનો કોન્ટ્રાકટ આપવા અંગેની દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.2માં ગીત ગુર્જરી સોસાયટીમાં વોર્ડ નં.2ની વોર્ડ ઓફિસ છે. સાથે સાથે ડ્રેનેજ પમ્પીંગ પણ કાર્યરત હોવાના કારણે ખુબજ સકડાશ રહેતી હતી. બાજુની જગ્યા ખાલી હોય અહીં નવી વોર્ડ ઓફિસ બનાવવા રૂા.49.95 લાખનું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યું હતું. ટેન્ડરમાં ચૌહાણ હિરાભાઈ ચનાભાઈએ આ કામ રૂા.11.99 ટકા ઓછા સાથે 43.96 લાખમાં કરી આપવાની ઓફર આપી છે. જેને કોન્ટ્રાકટ આપવા સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.7માં વિજય પ્લોટ શેરી નં.12માં આવેલું જૂનું આરોગ્ય કેન્દ્ર જમીન દોસ્ત કરી તેના સ્થાને નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રૂા.1.10 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

વોર્ડ નં.3માં શાંતિનગર-3 પાસે એઈમ્સ હોસ્પિટલને જોડતા 30 મીટરના ડીપી રોડ પર માઈનોર બ્રિજ બનાવવા, વોર્ડ નં.18માં સોમનાથ ઈન્ડ.માં મેટલીંગ કામ કરવા, ગો ગ્રીન યોજના અંતર્ગત વૃક્ષારોપણની કામગીરી માટે કોન્ટ્રાકટ આપવા અને મહાપાલિકાના વર્ષ 2021-2022 અને 2022-23ના વર્ષ માટે વોટર વર્કસનો ઝોનલ કોન્ટ્રાકટ આપવા, ઝોનલ મેસનરીનો કોન્ટ્રાકટ આપવા, ઝોનલ રસ્તા કામનો કોન્ટ્રાકટ અને ઝોનલ ડ્રેનેજ કામનો કોન્ટ્રાકટઆપવાની દરખાસ્ત અંગે કાલે મળનારી સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.