Abtak Media Google News

આજે 4 ફેબ્રુઆરી “વર્લ્ડ કેન્સર ડે” સામાન્ય રીતે કેન્સરનું નામ પડે એટલે ભલભલા દ્રઢ મનોબળવાળા વ્યક્તિ જીવવાની આશા છોડી દે. પરંતુ સાવ એવું પણ નથી. કેન્સરથી આટલા બધા ડરવાની પણ જરૂર નથી. જો સમયસર કેન્સરનું નિદાન થઇ જાય તો દર્દી આ જીવલેણ રોગમાંથી હેમખેમ ઉગરી શકે છે.

Advertisement

કેન્સર નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠે છે અને એક વખત કેન્સર હોવાનું નિદાન થાય એટલે લોકો હથિયાર હેઠા મુકી દે છે. મનથી ભાંગી પડે છે. અને માની લે છે કે તેમનું મોત નિશ્ચિત છે. પરંતુ લોકો જેટલો ધારે છે એટલો ખતરનાક રોગ કેન્સર નથી. કેન્સર જેવી બિમારીમાંથી દર્દી સાંગોપાંગ બહાર આવી શકે છે. બસ. શરત છે થોડી સાવચેતી રાખવાની.

સૌ પ્રથમ તો કેન્સર એટલે શું તે સમજીએ. આપણા શરીરના દરેક અંગના કોષો નિયમિતરૂપે કાર્ય કરતા હોય છે અને નિયમિતરૂપે કોષોનું વિભાજન થતું હોય છે. દાખલા તરીકે, આપણા શરીરમાં કોઇ ઘા પડે તો એ જગ્યાના કોષો નિયમિતરૂપે વિભાજીત થઇ એ ઘાને રૂઝાવી દે છે. વિભાજનની આ પ્રક્રિયામાં જો કોઇ કોષમાં ખામી સર્જાય તો તે કોષ નાશ પામે છે અને તેની જગ્યાએ નવા ખામીરહિત કોષ ઉદ્દભવે છે. પરંતુ જ્યારે આ કોષોમાં ખામી ઉત્પન્ન થાય અને એ નાશ ન પામે અને પછી તે અનિયમિતરૂપે વિભાજીત થતા જાય ત્યારે તે કેન્સરમાં પરિણમે છે. સરળ ભાષામાં કહીએ તો શરીરના કોષોની અપ્રમાણસર વૃદ્ધિ એટલે કેન્સર.

કેન્સર શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે. મોં, ગળા, સ્તન, ફેફસા, ગર્ભાશય, અન્નનળી, આંતરડા, લોહી તેમજ ચામડી એવા કેન્સરના વિવિધ પ્રકાર જોવા મળે છે. કેન્સરની ઉત્પતિ શરૂઆતમાં શરીરના કોઇ પણ અંગમાં થાય છેઅને પછી તેનો ફેલાવો શરીરના અન્ય અંગોમાં થઇ શકે છે.

કેન્સર માટે જવાબદાર અનેક પરિબળો છે. પરંતુ સૌથી વધુ કેન્સર થવાના કારણો છે. તમાકુ, સિગારેટ, ગુટખા, આ ઉપરાંત દારૂનું સેવન, વધુ પડતો ચરબીવાળો ખોરાક, શારીરિક શ્રમનો અભાવ, ખોરાકમાં ફળો અને શાકભાજીનો અપૂરતો ઉપયોગ, ઔદ્યોગિક પ્રદુષણ, કેટલાક જીવાણુઓ તેમજ વધતી ઉંમર પણ કેન્સર થવા માટેના પ્રમુખ કારણો છે.

હવે જોઇએ કેન્સરના લક્ષણો, જો લાંબા સમયથી ચાંદુ ન રૂઝાતું હોય તો કેન્સર હોઇ શકે છે. આ ઉપરાંત લાંબો સમય અવાજ બેસી જવો, ખોરાક-પાણી લેતી વખતે ગળામાં થતી તકલીફ, ગળામાં સતત દુઃખાવો ચાલુ રહેવો, મોં ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી, શરીરમાં કોઇ પણ જગ્યાએ ગાંઠ હોવી, સ્તનમાં ગાંઠ હોવી, લાંબા સમયથી ખાંસી હોવી, ગળફામાં લોહી આવવું, માસિક સ્ત્રાવ વખતે વધુ પડતું લોહી નીકળવું, યોનિમાંથી દુર્ગંધવાળું પ્રવાહી પડવું, ઝાડા અને પેશાબની હાજતમાં અસામન્ય ફેરફાર, મળ-મુત્ર વાટે લોહી નીકળવું, અસાધ્ય તાવ આવવો, સતત અકારણ વજન ઘટતું જવું, શરીરના તલ કે મસાના કદમાં અચાનક વધારો થવો, તેના કલરમાં ફેરફાર થવો અને ત્યાંથી લોહી નીકળવું આ પ્રકારના તમામ લક્ષણો કેન્સર હોવાનું સૂચવે છે.

હવે જો વાત કરીએ ભારતમાં કેન્સરના કહેરની. તો ભારતમાં દર વર્ષે કેન્સરના 8 થી 10 લાખ નવા કેસ નોંધાય છે. વર્ષ 2012ના સર્વેક્ષણ મુજબ. દર વર્ષે આશરે 6 લાખ કેન્સરના દર્દીઓ મોતને ભેટે છે. ભારતમાં 70 ટકા કેન્સર ત્રીજા કે ચોથા સ્ટેજમાં હોય છે ત્યારે પકડાય છે. આથી કેન્સરને કારણે થતાં મૃત્યુનો દર ખૂબ ઊંચો છે. પરંતુ જો કેન્સરને તેના શરૂઆતના તબક્કામાં જ પકડી શકાય તો તેને મટાડી શકાય છે.

આજે વિજ્ઞાનની પ્રગતિ અને અત્યાધુનિક સારવારને કારણે લોકો કેન્સરને મ્હાત આપી શકે છે. બસ દર્દીઓએ હકારાત્મક વિચારો અને આંતરિક શક્તિઓથી જીવનનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. કેન્સર સામે હિંમતભેર લડવાથી આપણા જીવનમાંથી કેન્સલ થઇ શકે છે કેન્સર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.