Abtak Media Google News
  • વાહન ચાલકોને હેલ્મેટ પહેરતા કરવા રાજયવ્યાપી અભિયાન  હાથ ધરાશે

ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી   હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડો આવશે. રાજ્યમાં થતા અકસ્માતોને અટકાવવા રાજ્ય સરકાર ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરશે.

મંત્રી   સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રોડ સેફટી ઓથોરીટી તથા સ્ટેક-હોલ્ડર વિભાગો દ્વારા રાજ્યમાં કેન્દ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગના દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્ય હાઈવે પરના બ્લેક સ્પોટને નીવારીને અકસ્માતમાં ઘટાડો લાવવા મંત્રીએ સૂચન કર્યું હતું કે, દર વર્ષે રાજ્યના દરેક શહેરમાં અને દરેક જિલ્લામાં એક-એક બ્લેક સ્પોટ ધરાવતા હાઈવેની પસંદગી કરી તેને સલામતીની દૃષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવો જોઈએ. આ ઉપરાંત સરખેજ-ગાંધીનગર હાઈવે પર થતા અકસ્માતોને અટકાવવા માટે અનેક દેશોમાં તેમજ મુંબઈ, બેંગ્લોર જેવા શહેરોમાં અપનાવાઈ છે, તેવી રબર સ્ટ્રીપ લગાવવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, આગામી દિવસોમાં નાગરિકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા માટેના રાજ્યવ્યાપી પ્રયત્નો હાથ ધરવામાં આવશે, જેથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય. બાળકોના માતા-પિતા હેલ્મેટ પહેરવા બાબતે જાગૃત થાય તથા પોતાના બાળકોને હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખે તે માટે શાળાઓમાં જઈ જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવા પણ જણાવ્યું હતુ.

મંત્રીએ રાજ્યના અન્ય તમામ માર્ગો પર માર્ગ સલામતીને લગતા જરૂરી પગલા લેવા પર ખાસ ભાર મૂક્યો હતો. અકસ્માત પછી ઇજાગ્રસ્તોને તુરંત સારવાર મળી રહે તે માટે ગુડ સમારિટનને પ્રોત્સાહિત કરવાની કામગીરીને રેગ્યુલર પ્રેક્ટિસ બનાવવા જણાવ્યું હતું.

ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રીના હસ્તે વિવિધ કેટેગરીમાં “ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2023’ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સ્વૈચ્છિક સંસ્થા કેટેગરીમાં નૈસર્ગિક ટ્રસ્ટ-બનાસકાંઠાને પ્રથમ તેમજ રોજર રેપો ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટને દ્વિતીય ક્રમ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે સીટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં સિટી રોડ સેફટી કમિટી-સુરતે પ્રથમ ક્રમ, ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી- રાજકોટે દ્વિતીય ક્રમ અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી- બનાસકાંઠાએ તૃતીય ક્રમે પ્રાપ્ત કર્યો હતો.

આ બેઠકમાં સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની ગત બેઠકની કાર્યનોંધને બહાલી તથા રાજ્યમાં તાજેતરમાં થયેલ ગંભીર માર્ગ અકસ્માતો અને તેના તપાસણી અહેવાલ મુદ્દે ચર્ચા થઈ હતી. ઉપરાંત વર્ષ 2023 દરમ્યાન થયેલા માર્ગ અકસ્માતોના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.