Abtak Media Google News

એક્સપોર્ટના વેપારીના આપઘાતમાં ઘટસ્ફોટ

વેપારીએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં અનેક ખુલાસા પોલીસે અમદાવાદ અને રાજકોટના શખ્સ સામે ગુનો નોંધ્યો

શહેરના યુનિવર્સિટી રોડ પર સાધુ વાસવાણી રોડ પરની બાલમુકુંદ સોસાયટીમાં રહેતા ચેતનભાઇ ગોપાલભાઇ રાજાણી (ઉ.વ.57)એ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલા સોરઠ પ્લાઝા કોમ્પલેક્સમાં આવેલી પોતાની ઓફિસમાં અંદરથી દરવાજો બંધ કરી પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ લીધો હતો. વેપારીના બે મિત્રોએ પાંચ વર્ષમાં બમણી રકમ કરી દેવાની લાલચ આપી રૂ.8.50 કરોડની છેતરપિંડી આચરતા વેપારીએ અંતિમ પગલું ભરી લીધું હોવાની સનસનીખેજ ખુલાસો થયો છે.

Advertisement

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ચેતનભાઇ સોરઠ પ્લાઝા કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવીને દોરડા અને નોટબુકનો વેપાર કરતા હતા, ગુરૂવારે પરિવારજનોએ અનેક ફોન કરવા છતાં ચેતનભાઇએ ફોન રિસિવ નહી કરતાં કશુંક અજુગતું થયાની શંકાએ તેમના પુત્ર ઓફિસે પહોંચ્યા હતા. ઓફિસની બહાર ચેતનભાઇના બૂટ પડ્યા હતા. અનેક વખત ખટખટાવવા છતાં અંદરથી કોઇ પ્રતિસાદ નહી મળતાં બારણાનું લોક તોડીને દરવાજો ખોલતાં ચેતનભાઇનો લટકતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો.

ઘટના અંગે મૃતક વેપારીના પુત્ર પલાસ રાજાણીએ એ-ડિવિઝન પોલીસમાં અમદાવાદના શારદા મંદિર રોડ પર આવેલી હરિકૃપા ટાઉનશીપમાં રહેતા રાજેશ ગોસલિયા અને રાજકોટના અમીત ગોકાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પલાસ રાજાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા ચેતનભાઈ રાજાણીના આપઘાતની ઘટના બાદ ઓફિસમાં તપાસ કરતા ચેતનભાઈએ લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ચેતનભાઈના જૂના મિત્ર અમદાવાદ રહેતા રાજેશ ગોસલિયાએ વર્ષ 2018-19માં રાજેશભાઈ પાસેથી રૂ.7 કરોડ લીધા હતા.સ્ટોક માર્કેટ ટ્રેડિંગનું કામ કરતા રાજેશ ગોસલિયાએ જાન્યુઆરી-2023માં રૂ.7 કરોડના બદલામાં ચેતનભાઈને રૂ.15 કરોડ આપવાની ખાતરી આપી હતી. તેમજ રાજકોટના અમીત ગોકાણીએ રૂપિયા દોઢ કરોડ લીધા હતા અને 2023માં ત્રણ કરોડ આપવાની ખાતરી આપી હતી.

જાન્યુઆરી માસ પૂરો થયા બાદ ચેતનભાઈએ તેના બન્ને મિત્રો પાસે નાણાની ઉઘરાણી કરી હતી. પરંતુ બન્નેએ રકમ આપવામાં ગલ્લા-તલ્લા કર્યા હતા. નોટબુક્સ એક્સપોર્ટ કરવાનો વ્યવસાય કરતા ચેતનભાઈ રાજાણીને ધંધા માટે નાણાની જરૂરિયાત ઊભી થતા બન્ને મિત્રો પાસે અનેક વખત ઉઘરાણી કરવા છતાં તેમને પૈસા પરત મળ્યા ન હતા અને ધંધા માટે અન્ય લોકો પાસેથી નાણા લેવાની વેળા આવી હતી. જેથી આર્થિક સંકળામણ ઊભુ થતાં ચેતનભાઈએ ફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું.

ચેતનભાઈ રાજાણીએ સ્યૂસાઈડ નોટ લખી હતી તે બુકમાં પોતાના આર્થિક વ્યવહારોની પણ નોંધ કરી હતી. પોલીસે સ્યૂસાઈડ નોટ કબ્જે કરી અન્ય પુરાવાના આધારે અમદાવાદના રાજેશ ગોસલિયા અને રાજકોટના અમીત ગોકાણી સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી બન્ને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ચેતનભાઈ રાજાણીએ અંતિમપળે લખેલા હિસાબી વ્યવહારો પરથી આગામી દિવસોમાં અન્ય કેટલાક શખ્સ સામે પણ કાનૂની ગાળિયો કસાઈ શકે તેવી શંકા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.