Abtak Media Google News
  • ફાયરિંગ કરી ભુપત રામની હત્યા નિપજાવી દેવાઈ : આરોપી ભીમા ગઢવી પોલીસના હાથવેંતમાં

ઉના તાલુકાના ઓલવાણ ગામની સીમમાં આવેલી પથ્થરની ખાણમાં પૈસાના હિસાબ મામલે ગત રાત્રે ખાણના મહેતાજીએ જ માલિકની હત્યા નીપજાવી દેતા ચકચાર મચ્યો છે. મહેતાજી તરીકે કામ કરતા ભીમા કરશન ગઢવીએ ખાણના માલિક ભુપત રાજસી રામની ગોળી મારી હત્યા નીપજાવતા નવાબંદર મરીન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ઊના તાલુકાના ઓલવાણ ગામ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હેઠળ આવેલ છે. ત્યાં ગઈકાલે રાત્રે વાડી વિસ્તારમાં અંધુ નામની સીમમાં રહેતા ભૂપતભાઈ રાજશીભાઈ રામની માલિકીની પથ્થરની ખાણ આવેલ છે. જ્યાં ખાણનો હિસાબ કિતાબ કરવા મહેતાજી તરીકે ભીમાં કરશન ગઢવી રહે ઊનાવાળાને રાખેલ હોય જેમાં ગઈકાલે રાત્રે હિસાબ બાબતે અથવા અન્ય કોઈ કારણસર ભૂપત રાજશીભાઈ રામ અને ભીમા કરશન ગઢવી વચ્ચે બોલાચાલી થઇ હતી. વાતાવરણ વધુ ઉગ્ર બનતા ભીમા કરશન ગઢવીએ પોતાની પાસે રહેલ બંદૂક વડે ભૂપતભાઈની છાતી ઉપર રાખી ફાયરિંગ કરી ગોળીથી વીંધી નાખ્યાં હતાં. ખાણ માલિક લોહી લુહાણ હાલતમાં પડી જતાં ઊના સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબેમૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે જામનગર લઈ જવાયેલ છે.

આ અંગે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમા મરણ જનારની પત્ની જશુબેન ભૂપતભાઈ રામએ આરોપી ભીમા કરશન ગઢવી સામે હત્યાની ફરિયાદ દાખલ કરી છે.

આ બનાવ બનતા ઊના પ્રાંતના મદદનીશ પોલીસ અધ્યક્ષ એમ.એફ. ચોધરી, સીપીઆઇજાડેજા અને નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જે. બાંટવાની ટીમે જુદી જુદી ટીમ બનાવી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધાનું જાણવા મળેલ છે.

ઊના પંથકમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર અને ઊના મામલતદાર કચેરીની ટીમે ગેરકાયદેસર ખનિજનો જથ્થો વહન કરી લઇ જવાતો 8 ટન સાદી રેતી, બે ટ્રેકટર, બે ટ્રોલી સાથે રૂપિયા 10,50,000થી વધુ રકમનો મુદામાલ પકડી પાડી ડ્રાઈવર અને ટ્રેકટર ટ્રોલી માલિક સામે કાર્યવાહી કરવા જિલ્લા ખાણ ખનીજ કચેરીને જાણ કરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજનું ખનન અને રેતી ચોરીનો નેટવર્કનો પર્દાફાશ કરવા ગીર સોમનાથ જિલ્લાના કલેકટર ડી.ડી. જાડેજાએ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં આજે સવારે ગીર સોમનાથ જિલ્લા કલેકટરની ટીમ અને ઊના મામલતદાર કચેરીની ટીમે ખનિજ ચોરી પકડવા ઊના તાલુકાના નવાબંદર, દેલવાડા, કાળપાણ, તડ,નાલિયા- માંડવી વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા એક ટ્રેકટર નંબર જીજે/08/પી/8226ના ડ્રાઈવર ભાવેશ સાદુર્લ વંશ રહે સોનારી તા. ઊનાને રોકી ટ્રોલીમા ભરેલ સાદી રેતીની ખનીજની પાસ પરમીટ માંગતા રેતી ગેરકાયદેસર હોવાનું જણાયું હતું.

ગેરકાયદેસર ખનિજવહન કરવા બદલ ટ્રેકટરના માલિક જીવાભાઈ નારણભાઈ વંશ રહે દુધાળા તા. ઉનાંની પાસેથી ચાર ટન રેતી, વાહનની કિંમત રૂપિયા 5,50,000નો મુદ્દામાલ કબજે કરેલ હતો. જયારે બીજા ટ્રેકટર નંબર જીજે32એએ1183ની ટ્રોલી સાથે ગેરકાયદેસર સાદી રેતી ખનિજ ચોરી કરીને લઇ જતો ડ્રાઈવર રામભાઈ નારણભાઈ રામ રહે રામપરા તા. ઊનાને ચાર ટન સાદી રેતી અને ટ્રેકટર ટ્રોલી મળી કુલ રૂપિયા 5 લાખનો મુદામાલ કબજે કરી ટ્રેકટરના માલિક કૌસિકભાઈ ઉર્ફે કલ્પેશભાઈ નાથાભાઈ સોલંકી રહે વાસોજ તા. ઊના સામે ખનિજ વહન કરી ચોરી કરતા હોય ગીર સોમનાથ જિલ્લાની ખાણ ખનીજ કચેરીની કાર્ય વાહી કરવા લેખીતમાં રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.