Abtak Media Google News

ગુજરાતની જનતાએ ઉદાર હાથે મત આપ્યા પણ કંજુસ ભાજપ લોકશાહીને જીવંત રાખવા વિરોધપક્ષના નેતાની માન્યતા ન આપી શકી

અમિત ચાવડાને વિરોધ પક્ષના નેતાની માન્યતા આપવાનો વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીનો ઇન્કાર

ગુજરાત વિધાનસભાની ગત ચુંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી છે ગૃહમાં માન્ય વિરોધ પક્ષની લાયકાત માટે ઓછામાં ઓછા 10 ટકા સભ્યો હોવા જરુરી છે. પ્રથમ વાર વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ નિયમ-56 નો ઉપયોગ  કરી અમિતભાઇ ચાવડાને વિરોધ પક્ષના નેતાનું પદ નહી આપવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

ગુજરાત વિધાનસભા પ્રથમવાર વિરોધ પક્ષના નેતા વિહોણી રહેશે ગુજરાતની જનતાએ વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ભારે ઉદારતાથી મતો આપ્યા છે. પરંતુ લોકશાહીને જીવંત રાખવા માટે ભાજપના શાસકો કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ આપવા માટે મોટું મન રાખી શકી નથી. ગુજરાત વિધાનસભામાં 10 ટકા સભ્યો હોય તો જ વિરોધ પક્ષના નેતાનું પદ મળી શકે તેવો કોઇ નિયમ નથી બીજી ક્રમાંકે સૌથી વધુ સભ્ય ધરાવતી પાર્ટીના ધારાસભ્યને વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે છે.

પરંતુ વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ પ્રથમવાર વિધાનસભાના નિયમ 56 નો ઉપયોગ કર્યો છે. સંસદીય નિયમાનુસાર કોંગ્રેસ પાસે ગૃહમાં 10 ટકાથી ઓછું સભ્ય સંખ્યા બળ હોવાના કારણે અમિતભાઇ ચાવડાને વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા નહી આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે તેઓને સત્તાવાર જાણ પણ કરી દેવામાં આવી છે.

અગાઉ વિધાનસભામાં ગૃહમાં 10 ટકાથી ઓછું સભ્ય સંખ્યા બળ હોવા છતાં વર્ષ 1969 વર્ષ 1980 અને વર્ષ 1985 માં જે તે સરકારે વિરોધ પક્ષના નેતાને માન્યતા આપી હતી. રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતનારી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર ઉધારતા દાખવવામાં ઉણી ઉતરી છે. ગૃહમાં સરકારની કામગીરીનો કોઇ સત્તાવાર વિરોધ ન કરી શકે તે માટે કોંગ્રેસને વિરોધ પક્ષની માન્યતા પણ આપવામાં આવી નથી.

વિપક્ષી નેતાનું પદ ન મળતા કોંગ્રેસ બજેટ સત્રમાં આક્રમક બને તેવી સંભાવના પણ જણાય રહી છે. આ ઘટનાને પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ જગદીશ ઠાકોરે અને અમિત ચાવડાએ વખોડી કાઢી હતી અને આ નિર્ણયને લોકશાહી માટે મૃત્યુ દંટ ગણાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.