Abtak Media Google News

સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે અને સમલૈંગિક લગ્નને લઈને તેને બદલવાની માંગ કેમ થઈ રહી છે?

સમલૈંગિક લગ્ન એટલે કે પુરુષ અને પુરુષ અને સ્ત્રીના સ્ત્રી સાથેના લગ્નને કાયદાકીય માન્યતા આપવી જોઈએ કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. એક તરફ કેન્દ્ર સરકાર વિરોધમાં છે, જ્યારે અરજીકર્તાઓએ તેને તેમનો ‘મૂળભૂત અધિકાર’ ગણાવ્યો છે. સમલૈંગિક લગ્નને માન્યતા આપવાના મામલે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની વારંવાર ચર્ચા થઈ રહી છે.  અરજીકર્તાએ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954માં સુધારો કરવાની માંગ કરી છે. ત્યારે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે, સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે અને સમલૈંગિક લગ્નને લઈને તેને બદલવાની માંગ કેમ થઈ રહી છે?

Advertisement

સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ, બે અલગ-અલગ ધર્મ અને જાતિના લોકો લગ્ન કરી શકે છે. આ કાયદો 9મી ઓક્ટોબર,1954ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા દ્વારા ભારતના દરેક નાગરિકને કોઈપણ ધર્મ કે જાતિમાં લગ્ન કરવાનો બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે. સ્પેશિયલ મેરેજ હેઠળ યુવકની ઉંમર 21 વર્ષથી વધુ અને યુવતીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. ભારતમાં યુગલના લગ્ન પછી તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા માટે ધર્મ બદલવાની જરૂર નથી.  બે અલગ-અલગ ધર્મના લોકો ધર્મ પરિવર્તન કર્યા વિના અથવા તેમની ધાર્મિક ઓળખ ગુમાવ્યા વિના લગ્ન કરી શકે છે. જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધનો સમાવેશ થાય છે. એવી કોઈ શરતો નથી કે જે કોઈપણ ધર્મના માર્ગમાં આવે.

સ્પેશિયલ મેરેજ એક્ટના નિયમ હેઠળ કોઈપણ પક્ષ પાસે પહેલાથી જ પત્ની હોવી જોઈએ નહીં. લગ્નને માન્ય સંમતિ આપવા માટે કોઈપણ પક્ષ માનસિક રીતે અસમર્થ હોવો જોઈએ નહીં. કોઈપણ પક્ષકાર કોઈપણ માનસિક વિકારથી પીડિત ન હોવો જોઈએ જે તેમને લગ્ન માટે અયોગ્ય બનાવે છે.

30 દિવસનો નોટીસ પિરિયડ યુગલો માટે સૌથી મોટી બાધા!!

લગ્નના પક્ષકારોએ કાયદાની કલમ 5 હેઠળ તેમના જિલ્લાના લગ્ન અધિકારીને લેખિત સૂચના આપવાની રહે છે. આ લેખિત સૂચનાના પક્ષકારોમાંથી એક એક મહિના માટે તે સ્થળનો રહેવાસી હોવો આવશ્યક છે. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ બંને પક્ષકારોને 30 દિવસની ફરજિયાત નોટિસ આપવામાં આવે છે. આ 30 દિવસમાં જો કોઈ પક્ષને લગ્ન સામે વાંધો હશે તો તેની તપાસ કરવામાં આવશે. આ નોટીસ કોર્ટમાં ડિસ્પ્લે સ્વરૂપે તો લગાવવામાં આવે જ છે પણ તેની સાથે યુગલના પરીવારજનોને પણ મોકલવામાં આવે છે.

જેના લીધે યુગલોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કલમ 4 ની કોઈ જોગવાઈનું ઉલ્લંઘન થતું નથી, તો લગ્નની પ્રક્રિયા શરૂ થાય છે. જેમાં બંને પક્ષકારોની હાજરી જરૂરી છે અને ત્રણ સાક્ષીઓની હાજરી પણ જરૂરી છે. આ પછી, લગ્ન અધિકારી પ્રમાણપત્ર પર સહી કરે છે, જેના પછી બે અલગ-અલગ ધાર્મિક યુગલોના લગ્નને સત્તાવાર માન્યતા મળે છે.

સ્પેશ્યલ મેરેજ એક્ટની પરિભાષા બદલવાની માંગ શા માટે ઉઠી?

સમલૈંગિક લગ્નને માન્યતા આપવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ મેરેજ એક્ટ પર ચર્ચા થઈ હતી.  અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં લગ્નની કાયદેસરની ઉંમર બદલવી જોઈએ. સમલૈંગિક લગ્નો માત્ર સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જ નોંધાયેલા હોવા જોઈએ. જો સમલૈંગિક લગ્નના કિસ્સામાં જોવામાં આવે તો જો કોઈ પુરુષ કોઈ પુરુષ સાથે લગ્ન કરે તો તેની ઉંમર 21 વર્ષ અને સ્ત્રી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો 18 વર્ષ નક્કી કરવી જોઈએ.  સ્પેશિયલ મેરેજ એક્ટમાં ‘સ્ત્રી અને પુરુષના લગ્ન’ની વાત કરવામાં આવી છે, જેને બદલીને ‘વ્યક્તિ’ કરવાની માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.