Abtak Media Google News


“ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી, કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.” વિશ્વના નકશામાં ધબકતું હૃદય જોશો તો ભારત દેખાશે, અને ભારતના નકશામાં ધબકતું હૃદય તરીકે તમને ગુજરાત જોવા મળશે. એક માંના બે દીકરાઓ જેવી રીતે અલગ થાય તેવી રીતે બૃહદ બોમ્બે રાજ્યમાંથી 1લી મે, 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યોની અલગ સ્થાપના થઈ.

ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે જ મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી. વર્ષ 1937માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન “મહાગુજરાતનો વિચાર કનૈયાલાલ મુનશીએ દ્વારા રજૂ કરાયો હતો. વર્ષ 1956માં સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા રાજયોની સીમા નક્કી કરવામાં આવી હતી તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા ત્યારે ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે, મહાગુજરાત આંદોલન થયું.

અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો. આંદોલનમાં શહીદ થયેલા વિધાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ ગુજરાત અને મહારાષ્ટ્ર આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને 1લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.

ગુજરાત રાજ્યની સ્થાપના મે 1, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે. 1 મે એ માત્ર ગુજરાતનો જ નહીં મહારાષ્ટ્રનો પણ સ્થાપનાદિવસ છે. ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી સૌથી મોટી કડી કઈ? અથવા એમ કહો કે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરતી સૌથી મોટી બાબત કઈ? એકબીજાના વિરોધી આ બન્ને સવાલનો એક સમાન જવાબ છે, મુંબઈ.

મુંબઈમાં ભલે મરાઠીઓની સંખ્યા વધુ હોય, પણ આ શહેરમાં ગુજરાતીઓનો હંમેશાંથી આગવો પ્રભાવ રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે અલગ થયાં ત્યારે પણ મુંબઈનું ’આર્થિક નિયંત્રણ’ ગુજરાતીઓના જ હાથમાં હતું. સમગ્ર ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. બંને રાજ્યો વચ્ચે દેશમાં ફક્ત નવાપુર રેલ્વે સ્ટેશન એક એવી જગ્યા છે જ્યાં ગુજરાત અને મહારાષ્ટ્રની હદ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.