Abtak Media Google News
  • કોઈ ઠોસ મુદા ન હોવાથી પ્રથમ બે તબક્કામાં મતદારોમાં નિરસતા દેખાઇ, હવે ત્રીજા તબક્કામાં 25 બેઠકો ઉપર કેટલું મતદાન થાય છે તેના ઉપર સૌની નજર
  • ટિપ્પણી વિવાદને કારણે એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં, તો બીજી તરફ પાટીદાર સમાજ ભાજપના સમર્થનમાં, બન્ને મોટા સમુદાયના ભરપૂર મતદાન કરી ટકાવારી ઉંચી લઈ જઈ શકશે કે નહીં તેના ઉપર મિટ

જેમ સમય વિતે છે તેમ લોકોની વિચારસરણી વિકસે છે. રહેણીકરણી અને સભ્યતા સુધરે છે. પણ આ કાળ ચક્ર ઊંધું ચાલી રહ્યું હોય તેમ લોકોની માનસિકતા સંકુચિત થઈ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જેના કારણે લોકશાહીના આદર્શ મૂલ્યો વિસરાઈ રહ્યા છે. ખાસ કરીને ચૂંટણીમાં વિકાસને બદલે જ્ઞાતિ જાતિને વધુ મહત્વ અપાઈ રહ્યું છે. આ લોકસભાની ચૂંટણી પણ આવી જ છે. કોઈ ઠોસ મુદા નથી. માત્ર જ્ઞાતિ- જાતીના વિવાદ છે ત્યારે આ વિવાદ મતદાનની ટકાવારી ઉપર લઈ જશે કે કેમ તેના ઉપર સૌની નજર મંડરાયેલ છે.

Advertisement

લોકસભા ચૂંટણીના બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો ઉપર ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. સુરતની બેઠક મતદાનમાંથી બાકાત થઈ ગઈ છે. કારણકે અહીં લોકશાહીની હત્યા જ થઈ ગઈ હોય તેવી ઘટના સર્જાઈ હતી. કોંગી ઉમેદવારે ચૂંટણી જંગમાંથી પાછી પાની કરી લીધી હતી. આમ તો ઓફ ધ રેકોર્ડ સૌ જાણે છે કે આવું કરવા પાછળનું કારણ શું હશે. પણ જે ઘટના ઘટી તે લોકશાહી માટે કલંકિત છે.

હવે જ્યારે રાજ્યની બાકીની 25 બેઠકો ઉપર મતદાન થવાનું છે તે મતદાન અગાઉના બે તબક્કામાં થયેલ મતદાનની જેમ જ ઓછું હોય તેવું અમુક નિષ્ણાંતો જણાવી રહ્યા છે. કારણકે રાજકીય પક્ષો પાસે કોઈ ઠોસ મુદા નથી. લોકસભાની ચૂંટણી બાદ પોતે સરકાર બનાવી આમ કરશે તેમ કરશે એવા અનેક બણગાં ફૂંકાણા છે પણ તે વાસ્તવિકતાથી ઘણા દૂર છે.  ખરેખર દેશ માટે અને જનતાના હિતાર્થે શુ કરવામાં આવશે તેવા લોકોને સ્પર્શતા સીધા કોઈ મુદા નથી. એટલે આ લોકસભાની ચૂંટણીમાં મતદારો નીરસ રહ્યા છે.

તો નિષ્ણાંતોનો એક વર્ગ એવું પણ માને છે કે ગુજરાતની 25 લોકસભા બેઠકમાં વધુ મતદાન થઈ શકે છે. કારણકે રૂપાલાની ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યું છે. તેઓ વિરોધ મુજબ વધુમાં વધુ મતદાન કરશે. તો બીજી બાજુ પાટીદાર સમાજે રૂપાલાને સમર્થન આપ્યું છે એટલે પાટીદાર સમાજ પણ વધુમાં વધુ મતદાન કરશે. આમ બન્ને મોટા સમુદાયો મતદાનની ટકવારીને ઊંચી લઈ જાય તેવી શકયતા છે.

આને લોકશાહીની કરુણતા જ કહી શકાય ને!

હજુ પણ જ્ઞાતિ જાતિ આધારિત રાજકારણ

21મી સદી ચાલી રહી છે. આ સમયમાં લોકોની સૂઝ બુઝ અને ટેકનોલોજીનો વ્યાપ ખૂબ વધ્યો છે. પણ લોકશાહીની હાલત કથળી રહી છે. કારણકે હજુ પણ જ્ઞાતિ જાતિ આધારિત રાજકારણ જ જોવા મળી રહ્યું છે. વિકાસ કરતા જ્ઞાતિ જાતિને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રબુદ્ધ નાગરિકોએ આ મામલે વિચાર વિમર્શ કરવો ખૂબ જરૂરી છે.

મતદારો પણ જાગૃત નહિ : વિકાસને બદલે સમાજ તરફ આકર્ષણ વધુ

હાલની વાસ્તવિક સ્થિતિ મુજબ મતદારો પણ જાગૃત નથી. રાજકીય પક્ષો જ્ઞાતિ જાતિના આધારે રાજકારણ કરી રહ્યા છે. તો સામે નાગરિકો પણ સમાજને જ પ્રાધાન્ય આપી રહ્યા છે. હકીકતમાં વિકાસને ધ્યાને રાખવામાં આવે તો લોકશાહી ખરા અર્થમાં જીવંત રહે. વિકાસવાળી નેતાગીરી કરતા સમાજ પ્રત્યે નાગરિકોમાં વધુ આકર્ષણ જોવા મળી રહ્યું છે.

પક્ષો ટિકિટની વહેંચણી સારી નેતાગીરી જોઈને નહિ પણ સમાજ જોઈને આપે છે

રાજકીય પક્ષો આમ તો જ્ઞાતિ- જાતિનું રાજકારણ કરતા નથી. તેવું કહે છે પણ જમીની હકીકત એવી છે કે રાજકીય પક્ષો સારી નેતાગીરીને બદલે સમાજને જોઈને ઉમેદવાર નક્કી કરે છે. જે સમાજનું પ્રભુત્વ વધારે હોય છે તેને ટિકિટના પ્રાથમિકતા મળે છે. રાજ્યની 26 બેઠકમાંથી મોટાભાગની બેઠકો ઉપર રાજકીય પક્ષો આ ગણિત ઉપર જ ચાલ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.