Abtak Media Google News

મહારાષ્ટ્રમાં ‘મરાઠા અનામત ક્વોટા’ને મુંબઇ હાઇકોર્ટે યોગ્ય ઠેરવતા અનામતની ટકાવારી ૭૦ ટકાએ પહોંચી!

મુંબઇ હાઇકોર્ટના આ ચૂકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારવાનો અરજદારનો નિર્ણય: આ ચૂકાદાને રાષ્ટ્રીય આપતિ સમાન ગણાવીને દેશના તમામ રાજ્યોના વિવિધ સમાજોમાં અનામતની માંગણી ઉઠશે તેવી શંકા વ્યક્ત કરી

છેલ્લા થોડા વર્ષોમાં ન્યાયતંત્ર અને કાયદાઓ બનાવતું સંસદ અનેક મુદાઓ પર સમયાંતરે સામસામે આવી જતા જોવા મળ્યા હતા જેથી દેશમાં બંધારણ સર્વોપરી કે ન્યાયતંત્ર સર્વોપરી તે મુદા પર અનેક વખત વિવાદો ખડા થવા પામ્યા હતા લોકશાહીનો પાયાનો ઉદેશ્ય લોકો માટે, લોકો દ્વારા ચાલતી લોકોની સરકારનો છે. લોકોને પડતી નાની મોટી મુશ્કેલી માટે ન્યાયતંત્રના દરવાજા ખટખટાવતા હોય છે. જેથી હાલ લોકશાહીના ત્રણેય મુખ્ય સ્તંભોમાં ન્યાયતંત્રની સક્રિયતા વધી ગઈ છે. ગઈકાલે મુંબઈ હાઈકોર્ટ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત કવોટાની જોગવાઈ ૫૦ ટકા કરતા વધી જવા છતા તેને યોગ્ય ઠેરવતા ફરીથી આ મુદે બંધારણીય જોગવાઈને ન્યાયતંત્રનોક આદેશ સામસામે આવી જવા પામ્યો છે.

આપણો દેશ આઝાદ થયો ત્યારે સમાજના નબળા અને પછાત વર્ગનાં લોકોને મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે ૨૦ વર્ષ સુધી અનામત રાખવાની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ ૨૦ વર્ષ પૂર્ણ થયા બાદ બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં રાજકીય પક્ષોને અનામતનો મુદો વોટબેંક સમાન બની ગયો હોય અનામત ચાલુ રાખવાની જોવાવાઈની સમીક્ષા કરવાનો મુદો અભેરાઈ પર ચડી ગયો હતો. લાંબા સમય સુધી અવસ્થામાં રહેલો અનામતનો મુદો છેલ્લા એક દાયકામાં ફરીથી જવાળામૂખીની જેમ જાગૃત થયો છે. રાજસ્થાનમાં ગુર્જર અનામત, હરિયાણામાં જાટ અનામત, મહારાષ્ટ્રમાં મરાઠા અનામત, ગુજરાતમાં પાટીદાર અનામત વગેરે અનામતની માંગણીઓ થવા લાગી હતી. જેથી આ વોટબેંકને ગુમાવવાનાં ભયની અનેક રાજયસરકારોએ અનામતની માંગણીઓ સ્વીકારવાનો પ્રારંભ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં પ્રભાવશાળી ગણાતા મરાઠા સમાજના લોકાને અનામત આપવા લાંબા સમયથી માંગ ઉઠવા પામી હતી. જેથી થોડા સમય પહેલા રાજયની ભાજપ શિવસેના સરકારે મરાઠા સમુદાયને ૧૬ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની રાજયમાં અનામતની ટકાવારી ૫૦ ટકા કરતા વધી જતા આ જોગવાઈથી સુપ્રીમ કોર્ટના ૫૦ ટકા કરતા વધારે અનામત નહી રાખવાના ચૂકાદાનું ભંગ થતુ હોવાના મુદે સંજીવ શુકલ સહિતના અરજદારો દ્વારા મરાઠા અનામત સામે મુંબઈ હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યા હતા. મુંબઈ હાઈકોર્ટે આ કેસની સુનાવણી બાદ ગઈકાલે કરેલા હુકમમાં રાજય સરકારની મરાઠા અનામત જોગવાઈને યોગ્ય માની હતી પરંતુ આ અનામતની જોગવાઈ ૧૬ ટકાથી ઘટાડીને ૧૨ થી ૧૩ ટકા રાખવા હુકમ કર્યો હતો.

મુંબઈ હાઈકોર્ટની ન્યાયમૂર્તિ રણજીત મોરે અને ભારતની ડંગરેની બેંચે મરાઠા અનામતની ટકાવારી કેટલી રાખવી તેનો નિર્ણય લેવાનો અધિકાર સરકારને આપ્યો છે. સાથે આ હુકમમાં જણાવ્યું છે કે અમે જાણીએ છીએ સુપ્રીમ કોર્ટે અનામત કવોટા ૫૦ ટકાથી વધુ નહી રાખવાનો આદેશ આપ્યો છે. જોકે કોન્ટિફાઈબલ હેટાના આધારે તેનો ૫૦ ટકાથી વધારી શકાય છે. રાજય સરકારે મરાઠા અનામતની કરેલી જોગવાઈને મુંબઈ હાઈકોર્ટે યોગ્ય ઠેરવતા તથા કેન્દ્ર સરક્રે તાજેતરમાં સર્વણો ના આર્થિક રીતે પછાત લોકો માટે કરેલી ૧૦ ટકાની જોગવાઈને ધ્યાનમાં લઈએ મહારાષ્ટ્રમાં અનામતની ટકાવારી ૭૦ ટકાએ પહોચી જવા પામી છે. તમિલનાડુમાં હાલ અનામતની ટકાવારી ૬૯ ટકાએ પહોચી છે. હરીયાણામાં અનામતની ટકાવારી ૬૭ ટકાએ, મધ્યપ્રદેશમાં ૬૩ ટકાએ જયારે આંધ્રપ્રદેશમાં ૬૨ ટકાએ અનામતની જોગવાઈ પહોચી છે.

તેવી જ રીતે તેલંગાણામાં ૫૫ ટકા, રાજસ્થાનમાં ૫૪ ટકા, દિલ્હી અને ગુજરાતમાં ૪૯.૫૨ ટકા, ઉત્તરપ્રદેશમાં અને હિમાચલ પ્રદેશમાં ૪૯ ટકા જયારે જમ્મુ કાશ્મીર અને અસમમાં ૪૬ ટકા અનામતની જોગવાઈ છે.

મુંબઈ હાઈકોર્ટે મરાઠા અનામતને યોગ્ય ઠેરવતા દેશભરમાં અનામતનો લાભ આપવાના માંગમાં વધારો થવાની ચિંતા વ્યકત કરવામાં આવી છે. મરાઠા અનામતની જોગવાઈ સામે રીટ કરનારા સંજીવ શુકલે આ હુકમ બાદ જણાવ્યું હતુ કે તેઓ સુપ્રિમ કોર્ટમાં આ ચુકાદાને

પડકારશે જો સુપ્રીમ કોર્ટ આ ચૂકાદાને યોગ્ય ઠેરવશે તો મરાઠા અનામતને યોગ્ય ઠેરવવાનો ચૂકાદો રાષ્ટ્રીય આપત્તિ સમાન પૂરવાર થશે અને દેશભરમાંઆ ચૂકાદા બાદ વિવિધ સમાજો દ્વારા અનામતની માંગો ઉઠવા પામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.