Abtak Media Google News
  • આ એપ્રિલ ફુલ નથી હો…
  • વર્ષ 2024-25ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલી 2506 પૈકી 2219  બાબતોને વહીવટી મંજૂરી

‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે  ઐતિહાસિક વહીવટી પહેલ કરી છે. વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે તેમ, પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગત વર્ષ 2023-24નું બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ હતું . જે વર્ષ 2024-25માં વધીને રૂ. 3.32 લાખ કરોડ થયું છે. ગત વર્ષે તા. 24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે આ વર્ષે તા. 02 ફેબ્રુઆરી 2024ના રોજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં બજેટ સત્ર પૂર્ણ થવાથી વહીવટી મંજૂરીની પ્રક્રિયા એપ્રિલ-મે માસમાં પૂર્ણ થતી હોય છે. જેના બદલે આ વર્ષે માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાની હોઇ વિકાસના કામોને નવીન ગતિ મળી છે. વર્ષ 2024-25ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ 2506 ચાલુ બાબત પૈકી 2219 એટલે કે 88.54% ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે ઐતિહાસિક વહીવટી પહેલ છે.

તેમણે કહ્યું હતું કે, વર્ષ 2024-25ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ 960 નવી બાબત પૈકી 643 એટલે કે 66.97% નવી બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે તથા બાકી બાબતોની વહીવટી મંજૂરીની પ્રક્રિયા પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. આગામી વર્ષ 2024-25ની ગ્રાન્ટ પણ તા. 01 એપ્રિલ 2024ના રોજ રીલીઝ કરી દેવામાં આવશે. જેથી વિકાસ કામોને વધુ વેગ મળશે. આથી તમામ વિભાગો નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી જ ખર્ચ કરવા સક્ષમ બનશે. જેને પરિણામે નાણાકીય વ્યવસ્થાપન વધુ સુચારુ રૂપે થઇ શકશે તથા જનહીતના કાર્યો/યોજનાઓ સમયસર શરૂ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.