Abtak Media Google News
  • કુલ 34 ઝોનના 34 પરીક્ષા કેન્દ્રોની 673 બિલ્ડીંગનાં 6.963 બ્લોકમાં વ્યવસ્થા: ગુજરાત બોર્ડ સિવાયના અન્ય 31 બોર્ડના 18,305 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા

રાજ્યમાં ગુજકેટની પરીક્ષા કાલે યોજવા જઈ રહી છે, આ પરીક્ષા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યમાંથી 1,37,799 વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપવા માટે નોંધાયા છે. આ વખતની પરીક્ષામાં 12 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31મી માર્ચના રોજ લેવાનાર ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) લેવામાં આવે છે.ગુજકેટના પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે રાજ્યનાં કુલ 34 ઝોનના 34 પરીક્ષા કેન્દ્રોની 673 બિલ્ડીંગનાં 6.963 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત બોર્ડ સિવાયના અન્ય 31 બોર્ડના 18,305 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે, જેમાં સીબીએસઈ બોર્ડના 15,558 વિદ્યાર્થી નોંધાયા છે. આ પરીક્ષા માટે ગુજરાત બોર્ડ સહિત કુલ 32 બોર્ડના વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે. ગુજરાત બોર્ડનાં 1,19,494 વિદ્યાર્થી નોંધાયા છે.

જાતિ મુજબ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોવામાં આવે તો 75,558 વિદ્યાર્થી નોંધાયા છે, જ્યારે 62,241 વિદ્યાર્થિનીઓ નોંધાઈ છે.ગુજકેટની પરીક્ષા માટે વધુ વિદ્યાર્થીઓ બી ગ્રુપના 86,366 નોંધાયા છે. એ સિવાય એ ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા 51,025 જ્યારે એબી ગ્રુપના 408 વિદ્યાર્થી નોંધાયા છે. સૌથી વધુ 18,401 વિદ્યાર્થી અમદાવાદ જિલ્લામાં પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં કુલ 12,151 વિદ્યાર્થી નોંધાયા છે, જેમના માટે 62 બિલ્ડિંગના 610 બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં 6,250 વિદ્યાર્થી નોંધાયા છે, જેમના માટે 30 બિલ્ડિંગના 315 બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના 9826 વિધાર્થીઓ આપશે પરીક્ષા

રાજકોટ શહેર-જિલ્લામાં 49 શાળાઓમાં 493 બ્લોકમાં 9826 વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. સ્કૂલના આચાર્યને સ્થળ સંચાલક તરીકેના ઓર્ડર ઈશ્યૂ કરાયા છે.ગુજકેટની પરીક્ષામાં ‘એ’ ગ્રૂપમાં 4,174, B ગ્રૂપમાં 5,645 વિદ્યાર્થીઓ, AB ગ્રૂપના 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં તા. 31મી માર્ચે સવારે 10:00થી 12:00 ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1:00થી 2:00 જીવવિજ્ઞાન તો બપોરે 3:00થી 4:00 વાગ્યા દરમિયાન ગણિતનું પેપર લેવામાં આવશે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના અને 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના એમ કુલ 80 પ્રશ્નો, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે.

આન્સરશિટ પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની ઓએમઆર આન્સરશિટ પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. રાજ્યભરમાં 1.37 લાખ જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રી ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.