Abtak Media Google News
  • ધો.10ની પરીક્ષામાં 9.17 લાખ, ધો.12 સાયન્સમાં 1.32 લાખ તથા સામાન્ય પ્રવાહમાં 4.89 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા
  • રાજ્યમાં 5378 બિલ્ડિંગના 54294 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી લેવામાં આવનારી ધો.10 અને 12ની પરીક્ષાને લઈને એક્શન પ્લાન જાહેર કરાયો છે. જે અનુસાર આ વખતે બોર્ડની પરીક્ષામાં કુલ 15.38 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેનાર છે. આ વખતે ધો.10ની પરીક્ષામાં 9.17 લાખ, ધો.12 સાયન્સમાં 1.32 લાખ તથા સામાન્ય પ્રવાહમાં 4.89 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 5378 બિલ્ડિંગના 54294 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા માટેના કેન્દ્ર પણ જાહેર કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થતાં હવે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા પરીક્ષા માટેની હોલ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી લેવામાં આવનારી ધો.10 અને 12ની પરીક્ષાને લઈને એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્શન પ્લાન અનુસાર, ધો.10માં આ વખતે 917687 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. જેમાં 5.17 લાખ વિદ્યાર્થીઓ અને 3.99 લાખ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. જ્યારે ધો.12 સાયન્સમાં આ વખતે નિયમિત 111549 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં A ગ્રૂપના 38863 વિદ્યાર્થીઓ, B ગ્રૂપના 72667 વિદ્યાર્થી અને AB ગ્રૂપના 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જ્યારે સાયન્સમાં રિપીટર વિદ્યાર્થીઓની સંખ્યા 20438 છે. જેમાં A ગ્રૂપના 5819 વિદ્યાર્થીઓ, B ગ્રૂપના 14604 વિદ્યાર્થીઓ અને AB ગ્રૂપના 15 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ, ધો.12 સાયન્સમાં કુલ 131987 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વર્ષે 489279 છે. જેમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 380269, રિપીટર વિદ્યાર્થીઓની સંખ્યા 61130 છે. આ ઉપરાંત ખાનગી નિયમિત વિદ્યાર્થીઓ 29523 અને ખાનગી રિપીટર 13417 વિદ્યાર્થીઓ છે. આમ, ધો.10 અને ધો.12ના મળી આ વખતે બોર્ડની પરીક્ષામાં કુલ 1538953 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 84 ઝોન નક્કી કરવામાં આવ્યા છે.

આ ઝોનમાં 981 કેન્દ્ર પરથી બોર્ડની ધો.10ની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જેલના કેન્દ્રની સંખ્યા 4 છે. જ્યારે ધો.12 સાયન્સના કુલ કેન્દ્રની સંખ્યા 147 છે અને સામાન્ય પ્રવાહના કુલ કેન્દ્રની સંખ્યા 506 છે. ધો.10ની પરીક્ષામાં 9.17 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવાના હોવાથી 981 કેન્દ્ર પર 3184 બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવશે. આ બિલ્ડિંગના 31829 બ્લોકમાં ધો.10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા હાજર રહેશે. ધો.12 સાયન્સમાં 147 કેન્દ્ર પર 614 બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવશે. આ બિલ્ડિંગના 6714 બ્લોકમાં સાયન્સની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 506 કેન્દ્ર પર 1580 બિલ્ડિંગના 15751 બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. આમ, બોર્ડની પરીક્ષામાં કુલ 5378 બિલ્ડિંગના 54294 બ્લોકનો પરીક્ષામાં ઉપયોગ કરાશે.

જેલમાંથી ધો.10ના 73, ધો.12ના 57 કેદી પરીક્ષા આપશે

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે જેલના બંદીવાન ખાનગી વિદ્યાર્થીઓ પણ નોંધાયા છે. જેમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધો.10ના 27 અને ધો.12ના 28 કેદી પરીક્ષા આપશે. જ્યારે વડોદરા મધ્યસ્થ જેલમાં ધો.10ના 13 અને ધો.12ના 9 કેદી, રાજકોટ મધ્યસ્થ જેલમાં ધો.10ના 16 અને ધો.12ના 7 કેદી તેમજ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધો.10ના 17 અને ધો.12ના 13 કેદી પરીક્ષા આપશે. આમ, ચારેય મધ્યસ્થ જેમાં મળી ધો.10ના 73 અને ધો.12ના 57 કેદી બોર્ડની પરીક્ષા આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.