Abtak Media Google News

શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી- ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 31 માર્ચે લેવાનારી ગુજકેટ માટે સ્થળ સંચાલકોના ઓર્ડર કરી દેવાયા છે. રાજ્યમાં 31 માર્ચે 34 કેન્દ્રો પરથી 1.37 લાખ વિદ્યાર્થી ગુજકેટ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. આ તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ હોય તેની ચકાસણી કરવા પણ સ્થળ સંચાલકોને તાકીદ કરાઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા 31 માર્ચે ગુજકેટ લેવાનાર છે. ગુજકેટમાં સમગ્ર રાજ્યના 137700 વિદ્યાર્થી નોંધાયા છે અને 34 કેન્દ્રો પરથી સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન ગુજકેટ લેવામાં આવનાર છે. ગુજકેટને લઇને શાળાના આચાર્યોને સ્થળ સંચાલક તરીકેના આદેશ કર્યા છે. સ્થળસંચાલક તરીકે શાળાના આચાર્યએ જ ફરજ નિભાવવાની રહેશે, અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહીં. નજીકના કોઈ સગા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં ઉપસ્થિત થનાર નથી તે શરતે નિમણૂક સોંપઈ છે. પરીક્ષા સ્થળની ચકાસણી કરી યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાની કામગીરી માટે જરૂરી સ્ટાફની નિમણૂક સ્થળ સંચાલકે કરીને જિલ્લા શિક્ષણાધિકારી કે બીટ નિરીક્ષક પાસે 3 દિવસમાં બહાલી મેળવવાની રહેશે. બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સ્થળસંચાલક તરીકેની ફરજોનો અભ્યાસ કરી તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રના સીસીટીવી ચાલુ રહે અને તે માટે પરીક્ષા પહેલા ચકાસણી કરાવી લેવાના રહેશે અને રેકોર્ડિંગ સમયસર લેવાનું રહેશે.

રાજકોટ જિલ્લાના 9826 વિધાર્થીઓ આપશે પરીક્ષા

રાજકોટ શહેર-જિલ્લામાં 49 શાળાઓમાં 493 બ્લોકમાં 9826 વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. સ્કૂલના આચાર્યને સ્થળ સંચાલક તરીકેના ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. જેથી 28 માર્ચના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મીટિંગમાં પરીક્ષાલક્ષી સૂચનો કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષા હવે નજીકમાં જ છે ત્યારે આગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ દ્વારા પણ ગુજકેટની પરીક્ષા માટેની હોલ ટિકિટ ઓનલાઈન અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. સંભવત આગામી સપ્તાહમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી જાય તેવી વ્યવસ્થા કરાશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.