સકકરબાગમાં પાંજરા ખુટતા ૧૨ દિપડાને જામનગર મોકલી દેવાયા

માનવભક્ષી દિપડાઓની સંખ્યા વધતા ૩૫ દિપડા સકકરબાગમાંથી જામનગરનાં ખાનગી પાર્કમાં ખસેડી દેવાનો નિર્ણય

જુનાગઢ સક્કરબાગ ઝૂમાં માનવભક્ષી તેમજ માનવ પર હુમલો કરનાર અને આજીવન કેદમાં રખાયેલા ૧૨ દીપડાને જામનગર રવાના કરવામાં આવ્યા હતા. જૂનાગઢ સક્કરબાગમાં આવા માનવભક્ષી દિપડાને કેદ રાખવા અને તેની સારસંભાળ રાખવા માટેની ૫૦ ની કેપેસીટી છે

પરંતુ દર અઠવાડિયે એકાદ બે જેટલા દીપડા માનવ પર હુમલો કરી અહીં રાખવા માટે મોકલાતા હોવાથી આવા હિંસક દીપડાઓની સંખ્યા સક્કરબાગમાં વધી જવા પામી હતી.  જુનાગઢ સક્કરબાગ ઝૂમાં આવા માનવભક્ષી અને માનવ પર હુમલો કરનાર દીપડાઓની સંખ્યા ફૂલ થઇ જતા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સ્ટેટ દ્વારા સંયુક્ત રીતે પરમિશન અપાયા બાદ આવા દીપડાઓ પૈકી ૩૫ દિપડાને જામનગર ખાતે બનેલ ગ્રીન ઝૂ લોજીકલ પાર્ક રેસ્ક્યુ એન્ડ રિહિબિલેશન કિંગડમ ખાતે મોકલવામાં આવી રહ્યા છે અને તે અંતર્ગત ગઇકાલે ૧૨ દીપડાને જામનગર રવાના કરવામાં આવ્યા હતા. જોકે ૩૫ દીપડાને મોકલવાની મંજૂરી મળી છે ત્યારે બીજા રાઉન્ડમાં હજુ ૧૩ દીપડાઓને જામનગર ખાતે મોકલવામાં આવશે તેમ જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વેટરનરી ઓફિસર ડો. આરએફ. કડીવારે જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માનવભક્ષી દિપડાને આજીવન કેદ રાખવામાં આવતા હોય છે ત્યારે હાલમાં જુનાગઢ સક્કરબાગ ઝૂમાં સંખ્યા વધારે થઈ જવાથી જામનગર ખાતે મોકલવામાં આવેલ દીપડાઓ એક વ્યવસ્થાના ભાગરૂપે મોકલવામાં આવ્યા છે, ત્યારે જામનગર ખાતે આ દીપડાઓને રેસ્ક્યુ સેન્ટરમાં જ રાખવામાં આવશે, સફારી પાર્કમાં રાખી શકાશે નહીં. મતલબ કે આ દીપડાઓની સારસંભાળ રખાશે પરંતુ કોઈપણ વિઝીટર પાસેથી ટિકિટ લઈને દીપડાને જોવા માટેની પરમિશન આપવામાં આવશે નહીં.