Abtak Media Google News

સાયબર ક્રાઇમ એસીપી વિશાલ કુમાર રબારીના માર્ગદર્શન હેઠળ 40થી વધુ ગુના નોંધ્યા: 55 શખ્સોની ધરપકડ

સાઇબર ક્રાઈમ-આ શબ્દ હવે કોઈ પણ વ્યક્તિ માટે નવો નથી પરંતુ રોજ નવા નુસખા સાથે સાઇબર ક્રાઇમ આચરતા ગુનેગારોને ઓળખવા પણ એટલા જ અઘરા છે. ફેક આઈ.ડી, ફેક કોમર્શિયલ એકાઉન્ટ, ક્યારેક વર્ક ફોર્મ હોમના નામે તો ક્યારેક કોઈ જાણીતી કોમર્શિયલ વેબસાઈટના કસ્ટમર કેર આસીસ્ટન્ટ તરીકે કોઈકને કોઈક વ્યક્તિ તેનો ભોગ બનતી જ રહે છે. રાજ્ય સરકાર દ્વારા સાઇબર ક્રાઇમ અટકાયત અને તેના ગુનાઓમાં ઝડપી ગુનેગારોને પકડી શકાય તે માટે સમયાંતરે પોલીસ દ્વારા સાઇબર એક્સપર્ટ સાથે કામગીરી કરવામાં આવે છે અને ભોગ બનનાર લોકોને તેમની રકમ તથા વસ્તુ પરત અપાવવામાં રાજકોટ સાયબર ક્રાઈમ કચેરીને મોટી સફળતા મળી છે.

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રાજકોટના સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બનનાર નાગરિકો દ્વારા છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં સાયબર ક્રાઇમની કુલ 1,388 ફરીયાદો આવી હતી, જેમાં સાયબર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરી રૂ. 1 કરોડ 14 લાખ જેટલી રકમ અરજદારોને પરત અપાવવામા આવી છે. તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટેકનીકલ ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી કુલ 852 ખોવાયેલ મોબાઇલ રીકવર કરી ખરાઇ કરી અરજદારોને પરત અપાવવામાં આવ્યા છે.

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના એસીપી વિશાલ રબારી તથા પી.આઇ. જે. બી. ડોડીયા અને કે.જે. મકવાણા દ્રારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નાણાંકીય ફ્રોડ અને સોશિયલ મીડીયા થકી થતા ફ્રોડની ફરીયાદોના નિવારણ માટે અલગ અલગ નાણાંકીય ફ્રોડ ડિટેક્શન તથા સોશ્યમ મીડીયા મોનીટરીંગ ટીમો બનાવી બનેલ ગુનાઓ ડીટેકટ કરવા માટે અલગ અલગ ટેક્નીકલ એનાલીસીસ તથા સાયબર એકસ્પર્ટની મદદ દ્વારા આરોપીના મુળ સુધી પહોંચી તેમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અરજદાર દ્વારા ગુમાવેલ રકમ પરત અપાવવામાં આવી છે.

આજ દિન સુધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે કુલ 40થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જેમાં કુલ 55 આરોપીઓ અંગે અલગ અલગ રાજ્યો તપાસમાં કરી પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

સાયબર ક્રાઇમ ફ્રોડના બનતા બનાવો અટકાવવા માટે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન કુલ 43 જેટલા સાયબર ક્રાઇમ અવેરનેશના કાર્યક્રમ અલગ અલગ સ્કુલ, કોલેજ, સંસ્થા તથા કંપનીઓ ખાતે કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.