Abtak Media Google News
  • રૂ. 2050 કરોડનું જીએસટી કૌભાંડ આચરી 20 શખ્સોએ રૂ. 258 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી

ગુજરાત રાજ્યના અર્થતંત્રને હચમચાવી નાખનાર રૂ. 2050 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગર પોલીસે 20 શખ્સો સામે રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર જીએસટી કૌભાંડમાં ગુજસીટોકનો ગુન્હો નોંધી 14 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. જે બાદ આરોપીઓને રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરી તમામ રજૂ કરાયેલા આરોપીઓના 16 દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ અને ભાવનગર જિલ્લાના 20 જેટલાં શખ્સોએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)માં ગેરરીતિ આચરી રૂ.2050 કરોડનું કૌભાંડ આચરી છેલ્લા 3 વર્ષમાં રૂ.258 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના કૌભાંડનો ફેબ્રુઆરી-2023માં પર્દાફાશ થયા બાદ ચાર સ્થળે ગુનો નોંધાયો હતો અને 141 આરોપીની ધરપકડ થઇ હતી. ત્યારબાદ આ ચકચારી પ્રકરણમાં ભાવનગર પોલીસે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજસીટોક(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ)નો રાજકોટના જતિન કક્કડ સહિત 20 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો અને તેમાંથી 14 શખ્સની ધરપકડ કરી છે.

રાજકોટ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં તમામ આરોપીઓને 25 દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કર્યા હતા. જેમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીની ધારદાર દલીલો ધ્યાનમાં લઇ ગુજસીટોક કોર્ટના ન્યાયમૂર્તિએ 14 આરોપીઓને 16 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. ભાવનગરમાંથી ઉજાગર થયેલા આ કૌભાંડમાં 20 શખ્સ સામે ગુનો દાખલ થયા બાદ ભાવનગર પોલીસે 14 શખ્સની ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે રાજકોટ ખાતે ગુજસીટોક કોર્ટમાં રજૂ કર્યા હતા.

કૌભાંડીઓ આર્થિક લાભ મેળવવાના નવા નવા કિમીયા અજમાવતા હોય છે ત્યારે જીએસટીની અમલવારી બોગસ પેઢીઓ બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ગેરરીતિ બાબતે સમગ્ર ગુજરાતમાં સૈાપ્રથમ વખત આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) તળે ભાવનગરના 19 અને રાજકોટના 1 સહીત કુલ 20 ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફેબ્રુઆરી-2023માં સ્ટેટ જીએસટી વિભાગે આધાર-1 અને ફેબ્રુઆરી-2024માં આધાર-2 કૌભાંડના પર્દાફાશ કર્યા હતા. તેમાં પાલિતાણા ટાઉનમાં 1, નિલમબાગ પોલીસ મથકમાં 2, અમરેલીમાં 2 પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને તેમાં અત્યારસુધીમાં 141 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ભાવનગરની ઠગ ટુકડી જરૂરિયાતમંદ લોકોને સરકારી સહાયના નામે આધાર કેન્દ્રો પર લઇ જતી હતી અને ત્યાં જઇ તેમના આધારકાર્ડમાં પોતાના મોબાઇલ નંબર લીંક કરાવી દેતા હતા. તેના આધારે પાનકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલી દેવામાં આવતા હતા. જેના આધારે બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી દેવાતી અને તેના આધારે કરોડો રૂપિયાની બોગસ બિલો જનરેટ કરવામાં આવતા હતા. બોગસ બિલને આધારે કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ ઘર ભેગી કરવામાં આવી છે. સ્ટેટ જીએસટીને તપાસમાં ધ્યાને આવ્યુ હતુકે, કૌભાંડકારીઓએ અલ્પ શિક્ષીત, ગરીબ, જરૂરીયાતમંદ લોકોને આર્થિક પ્રલોભન આપી, આધાર કેન્દ્ર પર લઇ જઇ બાયોમેટ્રિકના આધારે લિન્ક કરેલ મોબાઇલ નંબર બદલી નાંખતા હતા. તેના આધારે પાન કાર્ડ મેળવી અને બાદમાં જીએસટી નંબર મેળવી બોગસ બિલિંગ થકી કરચોરી આચરવાની ફિરાકમાં હતા.

ગુજસીટોક તળેની ફરિયાદમાં 14 આરોપીઓ રિમાન્ડ પર

  1. અમનભાઈ હુસેનભાઈ ચૌહાણ
  2. ખાલીદભાઈ હયાતભાઈ ચૌહાણ
  3. રાજુભાઈ કાળુભાઈ ચૌહાણ
  4. સલીમ (રેહાન) મનસુરભાઈ શરમાળી
  5. શાહરૂખ મહંમદભાઈ શેખ
  6. નીઝામભાઈ ગનીભાઈ ચુડેસરા
  7. અહમદભાઈ ઉર્ફે અમીન ઉર્ફે નાડો યુનુસભાઈ કરમાણી
  8. શાહરૂખ ઉર્ફે ભુરો યુસુફભાઈ પઠાણ
  9. જાકીરહુસેન ઉર્ફે મુર્થી વહાબભાઈ ખોખર
  10. રીયાઝ ઉર્ફે બાવલુ રઝાકભાઈ ગોગડા
  11. ફીરોઝખાન ઉર્ફે પીન્ટુ ગફારખાન પઠાણ
  12. મહંમદહુસેન ઉર્ફે બાદશાહ ઈસ્માઈલભાઈ કટારીયા
  13. કાસીમભાઈ શોકતઅલી ગોવાણી
  14. જુનેદભાઈ રફીકભાઈ ગોગડા

સરકાર સાથે છેતરપિંડી કરનાર વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવી તે સરકારની પ્રમાણિક કરદાતાઓ પ્રત્યેની કટિબદ્ધતા : સ્પે. પીપી તુષાર ગોકાણી

14 Accused On 16-Day Remand In Bogus Billing Scam That Rocked Economy: More Revelations Expected
14 accused on 16-day remand in bogus billing scam that rocked economy: More revelations expected

ગુજસીટોકના ગુન્હામાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર અને સૌરાષ્ટ્રના નામાંકિત ધારાશાસ્ત્રી તુષારભાઈ ગોકાણીએ સમગ્ર મામલામાં સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. તેમણે ‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર સાથે છેતરપિંડી આચરનાર અને કાળું નાણું એકત્ર કરનારા ઈસમો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવી તે સરકારની પ્રામાણિક કરદાતાઓ પ્રત્યેની કટીબદ્ધતા છે. તેમણે જણાવ્યું હતું કે, આ શખ્સોએ રૂ. 2050 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આચરીને હાલ સુધીમાં રૂ. 258 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે જે અત્યંત ગંભીર ગુન્હો છે. ત્યારે અદાલતમાં આ તમામ ઈસમોના 25 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને અદાલતે તમામ 14 આરોપીઓના 16-16 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિમાન્ડ પૂર્ણ થયે જો જરૂરિયાત જણાશે તો વધારાના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.