Abtak Media Google News

48 કરોડ રૂપિયાનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું : વેપારીની ધરપકડ બાદ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

એક તરફ દેશ આર્થિક ઉન્નતિ કરવા માટે દરેક ક્ષેત્રે ક્રાંતિ સર્જી રહ્યું છે ત્યારે કરચોરોને અંકુશમાં રાખવા માટે સેન્ટ્રલ એજન્સી હરકતમાં આવી છે. જેમાં સમયાંતરે આવકવેરા વિભાગ બાદ જીએસટી વિભાગની ટીમ પણ વિવિધ ક્ષેત્રે સંકળાયેલા વ્યાપારીઓ કે જે જીએસટી કરચોરી કરતા હોય અથવા તો બોગસ બીલીંગ કૌભાંડ આચરતા હોય તેમના પર તવાય બોલાવવામાં આવી રહી છે ત્યારે રાજ્ય વ્યાપી જીએસટીના દરોડા કેમિકલ ક્ષેત્રના વ્યાપારી ઉપર પાડવામાં આવ્યા છે. આ વાતને ધ્યાને લઈ રાજકોટ ખાતે આવેલી ઈગલ માર્કેટીંગ નામની પેઢી ધરાવતા ફુડ કેમીકલના ધંધાર્થીએ રાજકોટ-અમદાવાદ અને મહારાષ્ટ્રમાં બોગસ બીલ બનાવી રૂા. 48.75 કરોડનું કૌભાંડ આચર્યું હતું જેની માહિતી સ્ટેટ જીએસટીને મળતા ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બોગસ બીલિંગનો પર્દાફાશ કરી રાજકોટના વેપારીની ધરપકડ કરી ત્રણ દિવસના રીમાન્ડ ઉપર લીધા છે.

સ્ટેટ જીએસટીની ટીમે ગઈકાલે રાજકોટ અને અમદાવાદમાં આવેલ  ગોડાઉન ઉપર દરોડા પાડી મસમોટુ જીએસટી કૈાભાંડ ઝડપી લીધુ છે. જીએસટી ટીમને તપાસમાં ડીઝીટલ ડીવાઈસીસ અને હિસાબી સાહિત્યની ચકાસણી કરતા મોટાપાયે વેચાણોના ઈનવોઈસ ઈશ્યું કર્યા વગર જ માલના બીન હિસાબી વેંચાણ કરવામાં આવ્યા હોવાનુ માલુમ પડયું હતું. આ ઉપરાંત ઈગલ માર્કેટીંગની મહારાષ્ટ્રની ઓફિસમાં પણ માલની સપ્લાય કર્યા વગર બીલ બનાવી ખોટા બીલ ચોપડે નોંધી વેરાશાખ મેળવી હતી.આમ રાજકોટના કેમીકલના વેપારી દેવાંગ હરીશભાઈ નથવાણીએ રૂા. 48.75 કરોડના વ્યવહારો કરી  રૂા. 8.77 કરોડની જીએસટી ચોરી કરતા જીએસટી વિભાગે વેપારી દેવાંગની ધરપકડ કરી હતી. જીએસટી વિભાગે વેપારી દેવાગ નથવાણીને એડી.ચીફ મેટ્રોપોલીટન મેજી. સમક્ષ રજૂ કરી 7  દિવસના રીમાન્ડની માંગણી કરતા કોર્ટે તા.14 સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે.

વિદેશ અભ્યાસ અર્થે મોકલનારી સંસ્થાઓ પર જીએસટીનું ઓપરેશન : રાજકોટની 5 સંસાથો પર ટીમ ત્રાટકી

રાજકોટ સહિત રાજ્યભરમાં ઈમીગ્રેશન અને ફોરેન યુનિવર્સિટીમાં એડમીશન અપાવતી 22 પેઢીના 53સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડી પ્રાથમીક સ્તરે જ કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો ઝડપી પાડવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટી  વિભાગે અલગ અલગ ટીમો બનાવી સવારથી દરોડાનો દોર શરૂ કર્યો છે તેમાં રાજકોટમાં 5, અમદાવાદમાં 16, મહેસાણામાં 2, વડોદરામાં 24 અને સુરતમાં 6 સ્થળો સહિત કુલ 53  જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે ઈમીગ્રેશન જેવી સેવા સાથે સંકળાયેલ પેઢીઓ દ્રારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમીશન અપાવવામાં આવે છે તેમજ આઈએલટીએસ જેવી પરીક્ષાઓ માટે કોચીંગ પણ આપવામાં આવતુ હોય છે.જેના પેટે આવી સેવા આપનાર પેઢીઓ વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસુલતી હોય છે પરતું વસુલવામાં આવેલ પુરી રકમની રીસીપ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.