ઉદ્યોગ ઉપર સરકાર ઓળઘોળ: 8589 કરોડની જોગવાઈ

રફાળેશ્ર્વર અને બેડી પોર્ટ પાસે ટર્મીનલ બનશે વીલંબીત ચુકવણાના કેસોના ઝડપી નીકાલ માટે  પાંચ વધારાની કાઉન્સીલ રચાશે: પાટણના પટોળા, જામનગરની બાંધણી અને કચ્છના ભરતકામનાં વેંચાણ માટે ગાંધીનગરમાં યુનીટી મોલ બનાવાશે

ગુજરાતના સકલ ઘરેલું ઉત્પાદનમાં મેન્યુફેક્ચરીંગ સેકટરનો ફાળો સૌથી વધારે છે. ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્રીન હાઈડ્રોજન અને બીજા નવા ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ખાનગી ક્ષેત્રના મૂડી રોકાણ માટે ગુજરાત પ્રયત્નશીલ છે. થ્રસ્ટ સેકટરમાં ગ્રીન એમોનિયા, ફયુઅલ સેલ, બેટરી સ્ટોરેજ, ઈલેક્ટ્રિક વ્હીકલ, ઇલેકટ્રોનિકસ, અવકાશ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણ ઈકો સિસ્ટમ ઊભી કરવામાં આવશે.

છેલ્લાં 8 વર્ષમાં દેશમાં થયેલ આશરે ‘32 લાખ કરોડના વિદેશી મૂડી રોકાણ પૈકી 57% એટલે કે  ‘18 લાખ કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં થયેલ છે. નીતિ આયોગના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમા સમગ્ર દેશમાં ગુજરાત ટોપ એચીવર સ્ટેટમાં સ્થાન પામેલ છે. દેશની કુલ નિકાસમાં 33% હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

ટેક્સટાઇલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે  ‘1580 કરોડની જોગવાઇ.

એમએસએમઈ ઉદ્યોગો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેકટરની કરોડરજ્જુ સમાન છે. આ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે જુદા જુદા પ્રકારની સહાય માટે ‘1500 કરોડની જોગવાઈ.  મોટા ઔદ્યોગિક એકમોને રાજ્યમાં મૂડીરોકાણ માટે પ્રોત્સાહિત કરવા  ‘880 કરોડની જોગવાઈ.  આદિજાતિ વિસ્તારોમાં આઠ, એગ્રો પ્રોસેસીંગ માટે બે અને સી-ફૂડ પ્રોસેસીંગ માટે બે જી.આઇ.ડી.સી. વસાહતો સ્થાપવાનો નિર્ણય લેવાયેલ છે. આ ઔદ્યોગિક વસાહતોના વિકાસ  માટે રાજ્ય સરકારની સહાય પેટે ‘23 કરોડની જોગવાઇ.

ઔદ્યોગિક વસાહતોમાં માળખાકિય સગવડોનો વિકાસ કરવા અને ટ્રિટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા માટે ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે ‘470 કરોડની જોગવાઇ.

ઉદ્યોગોની લોજીસ્ટીક કોસ્ટ ઘટાડવા, લાસ્ટ માઇલ રેલ કનેક્ટિવીટી પૂરી પાડવા તેમજ લોજીસ્ટીક ફેસીલીટી વિકસાવવા રફાળેશ્વર અને બેડી પોર્ટ પાસે ટર્મિનલ બનાવવા ‘237 કરોડની જોગવાઇ.

આવેલ ત્રણ સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (SIR): ધોલેરા, માંડલ-બેચરાજી અને પી.સી.પી.આઇ.આર. દહેજમાં ઉદ્યોગો માટે વૈશ્વિક કક્ષાની આંતરમાળખાકિય સુવિધાઓ ઊભી કરવા ‘188 કરોડની જોગવાઇ.

કેન્દ્ર સરકાર દ્વારા 1 હજાર કરોડની સહાયથી જંબુસર ખાતે સ્થાપવામાં આવી રહેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે ‘100 કરોડની જોગવાઇ.

માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝના વિલંબિત ચૂકવણાના કેસોના નિર્ણય ઝડપી અને અસરકારક બનાવવા પાંચ વધારાની કાઉન્સિલની રચના કરવા માટે ‘1 કરોડની જોગવાઈ.

વન ડીસ્ટ્રીકટ વન પ્રોડકટ યોજના હેઠળ દરેક જિલ્લાની ખાસ ઉત્પાદિત આઇટમની આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરવા  વડાપ્રધાન એ આહ્વાન કરેલ છે. પાટણના પટોળા, જામનગરની બાંધણી અને કચ્છનું ભરતકામ એ ગુજરાતની આગવી ઓળખ અને ભવ્ય વારસાના પ્રતિક છે, કે જેમને જી.આઇ.ટેગ મળેલ છે. એકતાનગર ખાતે દેશના વિવિધ રાજયોના ઉત્પાદનો અને હસ્તકલા ઉત્પાદનોના પ્રમોશન તથા વેચાણ માટે યુનિટીમોલ સ્થાપવામાં આવેલ છે. આજ પેટર્ન પર ગાંધીનગર ખાતે પણ યુનિટીમોલ સ્થાપવામાં આવશે.   વાજપાઇ બેન્કેબલ યોજના અન્વયે 37 હજાર લાભાર્થીઓ માટે ‘237 કરોડની જોગવાઇ.”માનવ કલ્યાણ યોજના અન્વયે 27 ટ્રેડ માટે અંદાજે 35 હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.