Abtak Media Google News

રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કામ કરતા આશરે આઠ લાખથી વધુ કર્મચારીઓ માટે ખુશ ખબર આવી છે. બેન્કોના મેનેજમેન્ટ્સના સંગઠન આઈ.બી.એ. અને યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ વચ્ચે થયેલી સમજુતિ અનુસાર બેન્ક કર્મચારીઓનો પગારમાં 17 ટકાનો વધારો ગ્રાહ્ય રખાયો છે અને આ સાથે બેન્કોમાં પાંચ દિવસનું સપ્તાહ એટલે કે શનિવાર-રવિવારની રજા રાખવા માટે પણ સહમતિ સાધવામાં આવી છે.

બેન્કોના મેનેજમેન્ટ્સના સંગઠન આઈ.બી.એ. અને યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ વચ્ચે સમજુતિ : શનિવાર-રવિવારની રજા રાખવા માટે પણ સહમતિ

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના સૂત્રો અનુસાર વેતન વધારો વર્કમેન અને ઓફિસરો બન્નેને લાગુ પડશે.

થયેલી સમજુતિ  મૂજબ (1) વેતનનો સુધારો (વધારો) તા.1-11-2022થી પાંચ વર્ષ માટે લાગુ કરાશે એટલે કે કર્મચારીઓને એક વર્ષનું એરિયર્સ મળશે. (2) કર્મચારીઓના પગાર અને ભથ્થામાં 17 ટકાનો વધારો થશે, જેનાથી બેન્કો ઉપર મહેકમ ખર્ચનું રૂ.12,449 કરોડનું વધારાનું ભારણ આવશે. (3) જૂલાઈ-સપ્ટેમ્બર-2021 ત્રિમાસિક ગાળા માટે લાગુ પડતા સરેરાશ ઈન્ડેક્સને અનુરૂપ મોંઘવારી ભથ્થાને સમાવિષ્ટ કર્યા બાદ તેના ઉપર 3 ટકા લોડીંગ ઉમેરીને નવા પગાર ધોરણ બનાવાશે જેની રકમ રૂ.17.95 કરોડ થાય છે. (4) સમજુતિનો કટઓફ સમયગાળો 180 દિવસનો છે પરંતુ, બે મહિનામાં હસ્તાક્ષર થવાની શક્યતા છે.

(5) નવા વેતન કરાર મૂજબ નિવૃત થયેલા કર્મચારીઓને પણ પેન્શનમાં વધારાનો લાભ એક્સગ્રેશીયા રકમ તરીકે મળશે.

આ ઉપરાંત બેન્કોમાં હાલ અન્ય કચેરીઓની જેમ 6 દિવસનું સપ્તાહ છે તે 5 દિવસનું કરવા માટે પણ સહમતિ સધાઈ છે. જો કે બેન્ક યુનિયન અને આઈ.બી.એ.એ તેને મંજુરી આપી છે પરંતુ, અંતિમ નિર્ણય સરકાર લઈ શકે છે. આમ, કર્મચારીઓને એક તરફ પગાર વધારો અને બીજી તરફ કામના કલાકોમાં ઘટાડાનો બમણો લાભ મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.