Abtak Media Google News

Screenshot 2 6 ધ્રોલમાં બે ઇંચ, કુતિયાણામાં દોઢ ઇંચ, ગારિયાધાર, જોડીયા, ધારી અને કલ્યાણપુરમાં એક ઇંચ વરસાદ: સવારથી 17 તાલુકાઓમાં વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજા અવિરત અનરાધાર હેત વરસાવી રહ્યા છે. આગામી ગુરૂવાર અને શુક્રવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગોંડલ પંથકમાં સોમવારે સમી સાંજે સુપડાધારે એક કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે મેંદરડામાં સાડા ત્રણ ઇંચ અને જેતપુરમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી 10 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. રાજ્યમાં સિઝનનો 32.27 ટકા વરસાદ વરસી ગયો છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ પડ્યાનું નોંધાયુ છે. ગોંડલ પંથકમાં એક કલાકમાં જ અનરાધાર પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જૂનાગઢના મેંદરડામાં સાડા ત્રણ ઇંચ, જેતપુરમાં 3 ઇંચ, ધ્રોલમાં બે ઇંચ, કુતિયાણામાં દોઢ ઇંચ, ગારિયાધાર, જોડિયા, ધારી અને કલ્યાણપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. ધોરાજી, બાબરા, લીલીયા, ટંકારા, જામકંડોરણા, પડધરી, જસદણ, માંગરોળમાં અર્ધા ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઉપલેટા, વિસાવદર, વેરાવળ, કાલાવડ, ગીર ગઢડા, બોટાદ, રાણાવાવ અને કેશોદ સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતા.

Screenshot 3 7

ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તાલુકાના વોરા કોટડા,બાંદરા,દેવચડી સહિતના ગામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ બાંદરા ગામે એક કલાકમાં સાંબેલાધાર 5ઈંચ વરસાદને લઈને ખેતરો,નદીઓ થયા પાણી પાણી.દેરડી (કુંભાજી) ગામે વિના વરસાદે નદીમાં આવ્યા પુર બાદનપુર ,સનાળા સહિતના ગામ્યમાં પડેલા વરસાદને લઈને કોલપરી નદીમાં ભારે પુર આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

જેતપુરમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ અને સખત બફારા બાદ સોમવારે બપોરે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. મુશળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર વડલી ચોક, ટાકુડી પરા, બાવાવાળાપરા, દેસાઈવાડી તેમજ મુખ્ય વિસ્તાર સ્ટેન્ડ ચોકમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જેમાં શહેરના વડલી ચોકમાં ખુલ્લી ગટર અને રસ્તા પરના પાણી સમથળ થઈ જતા વાહન ચાલકોને ક્યાં રસ્તો અને ક્યાં ગટરો તે નજર પડતી ન હોવાથી મોટર કાર તેમજ બાઇક ગટરોમાં ઘુસી ગઈ હતી. જ્યારે શહેરન ટાકુડીપરા વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસી ગયા અને જનતા નગર મેઈન રોડ પર વોકળો રસ્તા સાથે સમથળ થઈ ગયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો સરેરાશ 32.27 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 87.44 ટકા, ઉત્તર ગુજરાતમાં 29.30 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 20.41 ટકા, સૌરાષ્ટ્રમાં 47.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 26.23 ટકા વરસાદ વરસી ગયો છે. આજે સવારથી 10 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

બે દિવસ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી

સતત વરસાદી માહોલ બાદ બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો. દિવસભર તડકો નીકળ્યો હતો અને તાપમાનનો પારો પણ ઊંચકાયો હતો. જેના કારણે લોકો દિવસભર ગરમી અને બફારાથી બેહાલ બન્યા હતા. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બે દિવસ વરસાદથી રાહત મળે તેમ છે. જોકે,  6થી 8 જુલાઇ દરમિયાન વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં જ ખૂબ ઓછા વરસાદની સંભાવના છે. માત્ર હળવો અને સામાન્ય વરસાદની આગાહી છે. આ દરમિયાન સુરત અને ભરૂચમાં ભારે વરસાદ થઇ શકે છે. ત્રણ દિવસ બાદ ભારે વરસાદની શક્યતા છે.

આજે : દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

5 જુલાઈ: દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવેથી મધ્યમ વરસાદ.

6 જુલાઈ: દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં હળવેથી મધ્યમ વરસાદ.

7 જુલાઈ: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા 30-40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.