Abtak Media Google News
  • આયાત ડ્યુટીની છટકબારીનો ઉપયોગ કરીને રૂ. 1900 કરોડના જકાતની ચોરી કરી લેવાઈ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ સોલાર પેનલ્સમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ભાગોની આયાતના સંબંધમાં કસ્ટમ ડ્યુટીની સંભવિત ચોરી માટે અડધો ડઝન સોલર કંપનીઓ સામે તપાસ શરૂ કરી છે.

આ તપાસ એપ્રિલ 2022થી ઓક્ટોબર 2023 વચ્ચે ચીનથી સોલાર સેલ અને સોલર મોડ્યુલની આયાતમાં કસ્ટમ્સની ઓછી ચૂકવણી અને ખોટી માહિતી આપીને ટેક્સચોરી સંબંધમાં છે.

અત્યાર સુધીનું મૂલ્યાંકન રૂ. 1,900 કરોડની ડ્યુટીની ચોરીનો સંકેત આપે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ આગળ વધતાં આંકડો તેનાથી વધી શકે છે.

અમે છ કંપનીઓના કિસ્સામાં આકારણીને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છીએ અને નોટિસો ટૂંક સમયમાં આપવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નોટિસ મોકલવાની હોવાથી કંપનીઓના નામ જાહેર કરી શકાય નહિ. આ તબક્કે ચોરી લગભગ રૂ. 1,900 કરોડ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, વાસ્તવિક ચોરી નોંધપાત્ર રીતે વધી શકે છે. ગયા નવેમ્બરમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ ચોરી પ્રોજેક્ટ આયાત માર્ગ અને કસ્ટમ વેરહાઉસ યોજના દ્વારા કરવામાં આવી હતી. સરકારે સોલાર સેલની આયાત પર 25% બેઝિક કસ્ટમ્સ ડ્યુટી અને સોલર મોડ્યુલની આયાત પર 40% બેઝિક કસ્ટમ ડ્યુટી લાદી હતી જે સ્થાનિક ઉત્પાદનને ટેકો આપવા અને ચીનથી આયાત પર નિર્ભરતા ઘટાડવા એપ્રિલ 2022 થી અમલમાં આવી હતી.

જો કે, રાષ્ટ્રીય સૌર મિશનને સુરક્ષિત રાખવા માટે કેન્દ્રએ ‘પ્રોજેક્ટ આયાત યોજના’ હેઠળ 5%ના રાહત દરે આયાતને મંજૂરી આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે આ છટકબારીનો ઉપયોગ ઘણી સોલર કંપનીઓ દ્વારા ઓછો ટેક્સ ભરવા માટે કરવામાં આવતો હતો.

ઘણી સોલર કંપનીઓ આ ચેનલ દ્વારા તેમના કન્સાઈનમેન્ટને રૂટ કરી રહી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટે જરૂરી કરતાં વધુ કન્સાઈનમેન્ટ્સ હતા. કંપનીઓએ કસ્ટમ વેરહાઉસ સ્કીમનો પણ દુરુપયોગ કર્યો હતો. સ્કીમ હેઠળ આયાત ડ્યૂટી સ્થગિત થાય છે. તેઓને વ્યાજ ચૂકવ્યા વિના વેરહાઉસથી વપરાશના સ્થળે મોકલી શકાય છે. આ યોજના પાછળથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) ની તપાસ હેઠળ આવી અને તેણે જુલાઈ 2022 માં ફીલ્ડ ફોર્મેશનને અહેવાલો બાદ પરવાનગી રદ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.