Abtak Media Google News

રાજ્યના નાગરિકોને રમત ગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવવાની તક આપતા  અને આ વર્ષમાં  યોજાનાર ખેલ મહાકુંભમાં અત્યાર સુધી 66 લાખ થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે.  આ વર્ષે ખેલ મહાકુંભ નવેમ્બર મહિનાના અંતમાં અથવા ડિસેમ્બરમાં યોજાશે. જેમાં 39 રમત સ્પર્ધાઓ યોજાશે. ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરનાર રાજ્યના યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે.

કુલ 7 વયજુથમાં વિવિધ રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે અને પ્રથમવાર ખેલાડી એકસાથે બે રમતમાં ભાગ લેશે

ગુજરાતના યુવાનોને રમતગમત ક્ષેત્ર પ્રત્યે પ્રેરવા અને ગુજરાતના ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ કાર્યરત છે. ત્યારે રાજ્યભરના ખેલાડીઓની પ્રતિભાને મંચ આપવા રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2.0 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગતરોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નો શુભારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પેરા એશિયન ગેમ્સ 2023 માં વિજેતા થયેલા પેરા ખેલાડી સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ખેલાડીઓને ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ખેલ મહાકુંભ 2.0 માં કુલ 39 સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 66 લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ વર્ષે ખેલ મહાકુંભમાં ઈનામની રકમ વધારીને કુલ રુ. 45 કરોડ કરવામાં આવી છે. ઉપરાંત હવે તાલુકા કક્ષાના વિજેતા ખેલાડીઓને પણ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. કુલ 7 વયજુથમાં વિવિધ રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે અને પ્રથમવાર ખેલાડી એકસાથે બે રમતમાં ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે ખેલ મહાકુંભની નવી શરૂઆત થઈ રહી છે. વર્ષ 2010 માં 15 લાખ ખેલાડીઓ સાથે યોજાયેલ ખેલમહાકુંભમાં આજે 60 લાખ ખેલાડીઓની સહભાગિતા સાથે આગળ વધી રહ્યા છીએ. આ વર્ષે 7 વય જૂથમાં 39 રમત અન્વયે રૂપિયા 45 કરોડની ઈનામ રાશિ નિયત કરાઈ છે. રાજ્યના ટૂંકાગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરાયું હતું. રાજ્યના અંતર્ગત 4890 ખેલાડીઓ માટે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રુ. 1.63 લાખ તાલીમ માટે ચૂકવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.