Abtak Media Google News

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાતે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રીન એનર્જી, આઇ.ટી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં યુદ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે. તેના લીધે અમદાવાદવાસીઓને હવે પિરાણાના કચરાના ડુંગરમાંથી રાહત મળી છે. અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે, જેના લીધે ₹ 2200 કરોડની કિંમતની જમીન ટૂંક સમયમાં ખુલ્લી થઇ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વર્ષ 2019માં પિરાણા-બાયો માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

Advertisement

દરરોજ બે શિફ્ટમાં 29 -30 હજાર મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવે છે

35 જેસીબી, 300 ટીપીડી ક્ષમતાના 60 ટ્રોમીલ મશીન, 1000 ટીપીડી કેપેસેટી ના 11 ઓટોમેટેડ સિગ્રિગેશન મશીનો, 63 એક્સ્કેવેટર્સ અને 267 હાયવા ટ્રક સાઇટ પર કાર્યરત

માર્ચ મહિનામાં 300 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ટ્રોમીલ મશીનો સાઇટ પર લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્યારે 300 ટીપીડી (ટન્સ પર ડે- ટન્સ પ્રતિ દિવસ)ક્ષમતાના 60 ટ્રોમીલ મશીન, 1000  ટી પીડી કેપેસેટી ના 11 ઓટોમેટેડ સિગ્રિગેશન મશીનો, 63 એક્સ્કેવેટર્સ અને 267 હાયવા ટ્રક ઓપરેશનમાં છે. દરરોજ બે શિફ્ટમાં 29 -30 હજાર મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવે છે. પિરાણામાં 85 એકર વિસ્તારમાં કચરાના ડુંગર છે, જ્યાં છેલ્લા ચાર દાયકાથી શહેરનો 1 કરોડ 25 લાખ મેટ્રિક ટન કરતા વધુ કચરો એકઠો થયો છે. અત્યારે અહીં 85 એકર પૈકી 35 એકર જમીનમાંથી કચરો સાફ કરવામાં આવ્યો છે.

કચરામાંથી નીકળતી માટીનો ધોલેરા અને અન્ય પ્રોજેક્ટમાં ઉપયોગ

પિરાણા ખાતે કચરાના નિકાલમાંથી 70 ટકા માટી નીકળી રહી છે. આ માટીનો ઉપયોગ ધોલેરા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા હાઇવેમાં થઇ રહ્યો છે. તે સિવાય સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 અને સાબરમતી ગાંધી આશ્રમની રિડેવલપમેન્ટ કામગીરીમાં પણ પિરાણાથી માટી મોકલવામાં આવી રહીછે. આ માટીની ઉપલબ્ધિ કરાવવાથી કોર્પોરેશનને આવક પણ ઉભી થઇ છે.

બોપલ-ઘુમા ડમ્પ સાઇટ છ મહિનામાં સાફ કરવામાં આવી

બોપલ-ઘુમા ડમ્પ સાઇટ દસ વર્ષથી અસ્તિત્વમાં હતી જ્યાં 2.5 લાખ મેટ્રિક ટન જેટલો કચરો એકઠો થયો હતો. કોર્પોરેશને જુલાઇ 2020માં 1000 ટન પ્રતિ દિવસની પૃથક્કરણ ક્ષમતા ધરાવતા મશીનો સાથે અહીં કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ છ મહિનામાં આ સાઇટને સાફ કરીને 6 એકર જગ્યા ખૂલ્લી કરવામાં આવેલ છે. અત્યારે અહીં ઇકોલોજીકલ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

પિરાણાની કામગીરી દેશ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ

પિરાણા સાઇટની કામગીરીની દેશભરમાં પ્રશંસા થઇ રહી છે. તાજેતરમાં કેરળથી આવેલા પ્રતિનિધિઓએ પણ આ સાઇટની મુલાકાત લીધી હતી. જે ધોરણે કામગીરી થઇ રહી છે, તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. આ પહેલા પણ હૈદરાબાદ, પૂણે, ફરીદાબાદ, કોલકાતા અને કોયંબતૂરથી પ્રતિનિધિ અહીં આવીને કામગીરી જોઇ ચૂક્યા છે.

ટ્રોમીલ મશીન કચરાને અલગ પાડે છે

રોડ ટ્રીટ ટ્રોમીલ મશીન સાઇટ પર કાર્યરત છે. આ મશીનની મદદથી કચરામાંથી માટી, કાપડ, પ્લાસ્ટિક, લોખંડ, લાકડું સહિતની ચીજોનું પૃથક્કરણ કરવામાં આવે છે. આ મશીનની મદદથી કચરાનો ભુક્કો કરીને તેને ખાતર જેવું બનાવી દેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.