Abtak Media Google News

રૂ.૨૦૦૦ની સાચી નોટ જાલી હોવાનું કહી રૂ.૭૦૦માં આપી વધુ નોટ આપવાના બહાને મોટી ઠગાઇ કરતા હોવાની કબૂલાત

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રૂ.૨૦૦૦ના દરની સાચી નોટ જાલી હોવાનું કહી વિશ્વાસ કેળવી જાલીનોટ આપવાના બહાને છેતરપિંડી કરતા રાજકોટના શખ્સ સહિત સાત શખ્સોને પોલીસે ધરપકડ કરી કાર, મોબાઇલ અને રૂ.૧.૪૪ લાખ રોકડા કબ્જે કર્યા છે.

અમદાવાદના અમરાઇવાડીના સત્યાનગરમાંથી મહારાષ્ટ્રના ઔરંગાબાદના સબિન શોક, મોહમ્મદ મુઝાહેદ, કાલિમ શબ્બીર, સુરતના કડોદરાના ભરત પાટીલ, મહારાષ્ટ્રના જલગાવના સચિન સપકલે, શરદ નવલલે અને રાજકોટના ઇકબાલ શેખ નામના શખ્સોને પોલીસે રૂ.૧.૪૪ લાખ રોકડા, કાર અને મોબાઇલ સાથે ધરપકડ કરી છે.

સાતેય શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓ રૂ.૨૦૦૦ના દરની સાચી નોટ જાલી હોવાનું કહી રૂ.૭૦૦માં આપી વિશ્વાસ કેળવ્યા બાદ વધુ નોટ પોતે પ્રિન્ટ કરી રહ્યાનું કહી એક સાઇડનું પ્રિન્ટ થયાનું બીજી સાઇડનું પ્રિન્ટીગ બાકી હોવાનું જણાવી વધુ જાલીનોટ માટે મોટી રકમ લઇ ફરાર થઇ જતા હોવાની કબૂલાત આપી છે.

જાલીનોટ લેવા ઇચ્છુકોને વિશ્વાસ અપાવવા કોરા કાગળ પણ બતાવવામાં આવતા અને ટૂંક સમયમાં જ પ્રિન્ટ કરી જાલીનોટ આપી દેશે કહીને છેતરપિંડી કરતી ગેંગનું નેટવર્ક અમદાવાદ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે. રાજકોટનો ઇકબાલ શેખે રાજકોટમાં પણ અનેક વ્યક્તિઓને જાલીનોટ આપવાના બહાને છેતરપિંડી કર્યાની શંકા સાથે અમદાવાદ પોલીસે રાજકોટમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.