Abtak Media Google News

૫૦૦થી વધુ આતંકીઓ એલઓસીની છાવણીમાં તૈનાત!: ત્રણ આતંકીઓ ઝડપાયા

જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટાવ્યા બાદ પાકિસ્તાન અને આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘુસવા માટે રિતસરનાં હવાતિયા મારી રહ્યું છે. સેનાનાં અધ્યક્ષ જનરલ રાવતે જણાવ્યું હતું કે, ૫૦૦થી વધુ તાલીમબઘ્ધ આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવા માટે ઘાટ લગાવીને બેઠા છે પણ ભારતીય લશ્કરની સજાગતાનાં કારણે અને ૨૪ કલાકની મહેનતનાં પગલે દુશ્મનો ઘુસી શકવામાં અસફળ સાબિત થયા છે જેમાં જમ્મુ-કાશ્મીરનાં કિસ્તવર વિસ્તારમાંથી ૩ આતંકીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે.

આર્મી જનરલ રાવતે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી માસમાં ભારતની ઐતિહાસિક એરસ્ટ્રાઈકમાં બાલાકોટમાં ચાલતા આતંકી તાલીમ કેમ્પનો ખાતમો બોલાવાયો હતો અને તે ફરીથી ધમધમવા લાગ્યા હોવાનાં વાવડો મળ્યા છે જોકે સરહદ પરની સજાગતાનાં કારણે આ કેમ્૫માં ભારતને કંઈ જ નુકસાન કે કંઈ બગાડી શકે તેમ નથી પરંતુ સજાગ રહેવું જરૂરી છે. જમ્મુ-કાશ્મીરનાં જનજીવનને પૂર્ણ: ધમકતું કરવા માટે મહિનાઓથી બંધ રહેલા દુકાનો અને બજારોનાં  દરવાજાઓ ખુલવા લાગ્યા છે. કાશ્મીરમાં પણ જનજીવન ધબકવા લાગ્યું છે તે જોતા આતંકીઓ અને રઘવાયા થયેલા દેશવિરોધી તત્વો ફરીથી ઘુસણખોરી માટે કાન સરવા કરીને બેઠા થયા છે પણ સેનાનાં સીઆરપીએફની બાજ નજરથી કોઈપણ બચી શકતું નથી અને ચુસ્ત બંદોબસ્તનાં કારણે આતંકીઓને પણ પકડી પાડવામાં આવી રહ્યા છે. ખીણ વિસ્તારમાં મુખ્ય ઉધોગ એવા ઈંટોનાં ભથ્થાઓ પણ ધમધમવા લાગ્યા છે અને દરરોજનાં ૧૦૦ ગાડી સફરજનો યાર્ડોમાં વહેંચવા માટે આવી રહ્યા છે.

જનરલ રાવતનાં જણાવ્યા અનુસાર કલમ-૩૭૦ની સમાપ્તી થયા બાદ રાજયની સ્થિતિ પૂર્ણબહાલ થવા લાગી છે. ફોન નેટવર્ક જેલમ નદીનાં કાંઠાનું જનજીવન પૂન: રાબેતા મુજબ થવા લાગ્યું છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે આતંકીઓ ખોટી અફવા ફેલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં હોવાનો દાવો કરાયો હતો તેમ છતાં જનરલ રાવતે જમ્મુ-કાશ્મીરનાં લોકોને આશ્ર્વાસન આપતા જણાવ્યું હતું કે, તેમની સુરક્ષામાં સૈન્ય ખડેપગે તૈનાત છે અને કોઈપણ અનિચ્છનીય ઘટના નહીં ઘટે તે અંગે સાંત્વના પણ આપી છે. કિસ્તર વિસ્તારમાં નિશાર અહેમદ શેખ સહિત અનેકવિધ દોષિતોને પણ પકડી પાડવામાં આવ્યા છે કે જેઓએ ભાજપનાં નેતા અને આરએસએસમાં કામગીરી કરતા કાર્યકરનાં મોતમાં સંડોવણી હોવાનું ખુલ્યું હતું. તેઓની સાથે હિઝબુલ મુઝાહુદીનનાં ૩ આતંકીઓને પણ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. ઈન્વેસ્ટીગેશન દરમિયાન તેઓની પાસેથી થોડી માત્રામાં પિસ્તોલ, રાઈફલ અને ગોળા બારૂદને પણ સીઝ કરાયા હતા.

આર્મીનાં વડાએ જણાવતાં કહ્યું હતું કે, સેનાએ સીમા પર સંપૂર્ણ તૈયારી કરી છે અને નિયંત્રણ રેખા પર વધુ પ્રમાણમાં સૈનિકોની ગોઠવણી પણ કરી છે. જનરલ રાવતે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, સરહદ પર ચાલી રહેલા તણાવ બાબતે પણ તેઓએ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની ઉતર અને પશ્ચિમ સીમાઓ પર ખુબ જ વધુ તણાવ છે. આપણા પાડોશીઓની સાથે સંબંધો પણ સારા નથી એવામાં દેશને અને ખાસ કરી જમ્મુ-કાશ્મીરને સેનાનું નેતૃત્વ કરવામાં સક્ષમ લીડરોની જરૂરીયાત છે. સેના પ્રમુખ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર બંને દેશો પર શાબ્દિક હુમલો કર્યો હતો. સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે યુદ્ધમાં કોઈ રનરઅપ નથી હોતું માત્રને માત્ર જીત જ હોય છે. આપણને સેનામાં એવા લીડરોની જરૂર છે કે જેને અન્ય લોકો અનુસરે તેઓએ તાકીદ કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં સાયબર યુદ્ધ પણ થશે તેમાં સક્ષમ નેતાઓની ખુબ જ જરૂરીયાત છે કે જે આ મુદા અંગે વ્યવસ્થિત રીતે નિર્ણય લઈ શકે. દેશની સીમાને સુરક્ષિત કરવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આ તકે તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે, ઉતર અને પશ્ચિમ મોરચે અનિશ્ચિત સીમાઓ છે. આપણે એ સુનિિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ ઘુસણખોરી ન કરે. તેઓએ પશ્ચિમી દેશ પાકિસ્તાનને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, દેશ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવવાની કોશીષ પણ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.