Abtak Media Google News

ગુરૂના સાનિધ્યમાં તમારા વર્તમાન અને ભવિષ્યનું મિલન !

ફુલ જયારે ખીલે છે ત્યારે સુગંધ લહેરાય છે. એ સુગંધ શું છે ? નાનકડા બીજમાં એ છુપાયેલી હતી અને ફૂલમાં પ્રગટ થઈ. બીજમાં બંધ હતી. ફૂલમાં ખીલીને મુકત થઈ લાંબી યાત્રા કરવી પડી. બીજ અંકુર બન્યું. કેટલી કઠણાઈઓ એને પાર કરવી પડી. રાહમાં કેટલા પથ્થરને તોડીને એને આગળ વધવું પડયું, કેવી જમીનને તોડીને ઉપર આવવું પડયું. બીજ કેટલું કોમળ હતુ અને સંઘર્ષ કેટલો જબ્બર હતો. હજાર મુશ્કેલીઓની સામે થઈને એ બચ્ચુ વૃક્ષ બન્યું, ફૂલ ખીલ્યાં, સુગંધ લહેરાઈ !

આશીર્વાદને આ વાત લાગુ પડે છે માનવીની ભીતરમાં જે કાલે બનવાનું છે, અથવા માનવીનું જે ભવિષ્ય છે, તે ગૂરૂનો વર્તમાન છે. તમે જો બીજ હો તો ગૂરૂ સુગંધ, તમે જયારે બંધિયાર ઝરણુ હો અને માર્ગ પણ ખોલી શકતા ન હો ત્યારે ગુરૂ તો સાગરમાં મળી ગયા હશે ! ગૂરૂ તમારૂ ભવિષ્ય છે.

તમે આખરમાં શું બનવામાં છો, એની સંભાવનાનું દર્શન ગુરૂમાં કરતા રહો !

આશીર્વાદ એટલે ગુરૂના સાન્નિધ્યમાં તમારા વર્તમાન અને ભવિષ્યનું મિલન !

ગુરૂ માધ્યમ છે. તમે અત્યારે જે નથી, પણ જે બની શકો છો એનીં સ્વમાન ગુરૂ કરાવે છે. જો તમે ગુરૂના ખોળામાં માથું મુકી દો તો એમના આશીર્વાદ તમારા માટે ઉદર્વયાત્રા બની શકે છે. એ તમારા ઉપર બેશક વરસશે; જેમ આકાશમાં વરસાદ વરસે છે, જમીનમાં છુપેલા પડેલા બીજ સુધી પહોચે છે એમ તેઓ તમારા સુધી પહોચશે.

આશીર્વાદમાં ગુરૂ તમારા સુધી પહોચશે, વરસશે અને એમનું અસ્તિત્વ તમારા અસ્તિત્વને એ રીતે સ્પર્શશે કે તમે ઉદર્વયાત્રા, તરફ આગળ ધપી શકો.

આશીર્વાદમાં ગુરૂ તમારા શૂન્યનો પોતાથી ભરી દે છે, કે જેથી તમારા દબાયેલા ભીતરને પુકાર મળે આહવાન મળી જાય, કેડી મળે, થનગનાટ ને તરવરાટ સાંપડે, જોશ મળે, તમારા ભીંતરમાં જે બીજ છે એ અંકુરિત બનવા લાગે અને તમને ખાત્રી ખબર પડી જાય કે તમે શું કરી શકો તેમ છો, શુ બની શકો તેમ છો ?

તમે નજીક આવો, છેક નજીક આવો, તમે ઝુકો, શરણે જાઓ, તો ગુરૂ પણ તમારી છેક નજીક આવે છે. અને તમને એમનો જવાબ સંભળાય છે. ટુંકમાં હરિ આશીર્વાદમાં પરમાત્મા અવતરિત થાય છે હરિ આશીર્વાદ અવતાર છે.

આપણે એવી વ્યકિતઓને જ અવતાર કહ્યા છે કે જેમણે અનેક લોકોની ભીતરમાં છુપી પડેલી શકિતને ઢંઢોળી છે, જગાડી છે, અને એમને અંધકારમાંથી અજવાળા તરફ પ્રયાણ શરૂ કરાવ્યા છે.

કોઈ લે કે ન લે, કોઈ પકડે કે ન પકડે તો પણ જેમ સુગંધ વહેતી જ રહે છે, ગુરૂ આશીર્વાદ વરસાવ્યાજ કરે છે. બીજ અંકુરિત બને કે ન બને, મેઘ તો વરસે જ છે. એવું જ ગુરૂનું છે.

ગુરૂ મેઘ છે, ને વરસ્યા જ કરે છે.

ભગવાન બુધ્ધે તો આ અવસ્થાને મેઘસમાધિ, કહી છે સમાધિ વરસે, તેજ આશીર્વાદ !આ આશીર્વાદ મેળવવા માટે તમારી સંપૂર્ણ તૈયારી જોઈએ તમારો સ્વીકાર ભાવ જોઈએ, એ ગ્રહણ કરવાની ક્ષમતા જોઈએ, આકાશ તરફ મોં ખોલી ઝંખતા રહેતા ચાતક જેવું પ્રાર્થનાથી ભરેલુ હૃદય જોઈએ.

આશીર્વાદ વરસે અને તમે અહંકારના છત્ર નીચે છૂપાઈ રહો તો તમે, વરસતા વરસાદની જેમ, આશીર્વાદની વર્ષામાં ભીંજાઈ શકશો નહીં.

અને યાદ રાખો, ગુરૂ આશીર્વાદ આપતા નથી. ગૂરૂના હોવામાં જ આશીર્વાદ સમાયા હોય છે.

ગુરૂની એક વ્યાખ્યા એ પણ હોઈ શકે કે, જેના અણુએ અણુમાંથી આશીર્વાદ ઝરે એ ગુરૂ !ગુરૂના આશીર્વાદ મેળવવા ઝુકવાની કલા અને સમર્પિત થવાની કલા અનિવાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.