Abtak Media Google News

રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે ખનિજ માફિયા બાદ ભૂ માફિયા જયેશ પટેલની ગેંગને કાયદાનું કરાવ્યું ભાન

જામનગરમાં રાજકીય ઇશારે લુખ્ખાને પોલીસ સામે મનમાની કરાવવાનું ભારે પડયું

જામનગરમાં રાજકીય ઇશારે લુખ્ખાને પોલીસ સામે મનમાની કરાવવાનું ભારે પડયું

બિલ્ડર, કોર્પોરેટર અને રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર નિવૃત પોલીસમેન અને અખબાર સાથે સંકડાયેલા શખ્સોને રિમાન્ડ મગાશે

જામનગરમાં ગેંગસ્ટર જયેશ પટેલની ટોળકીએ આંતક મચાવી લાંબા સમયથી આચરેલા ખૂન, ખૂનની કોશિષ અને ખંડણી પડાવવાના ગંભીર ગુના પર કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ દ્વારા જામનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ૧૪ શખ્સો સામે ગુનો નોંધી આઠ શખ્સોની ધરપકડ કરાઇ છે. સંદિપસિંહે જામનગર અને દેવભૂમિ દ્વારકાના ખનિજ માફિયા બાદ ગેંગસ્ટર સામે કરેલી કડક કાર્યવાહીથી ગુનેગારો અને ખનિજ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

જામનગરના બિલ્ડર મુકેશ વલ્લભ અભંગી, નિલેશ ટોળીયા, પૂર્વ પોલીસમેન ગોવિંદ વશરામ મિયાત્રા, અખબારના સંચાલક પ્રવિણ પરસોતમ ચોવટીયા, ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, જીગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આડતીયા, પ્રફલ જયંતી પોપટ અને અનિલ મનજી પરમારની ધરપકડ કરી તમામને રિમાન્ડની માગણી સાથે રાજકોટ સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.

જામનગર શહેર અને જિલ્લાભરમાં છેલ્લા કેટલાય વર્ષથી જયેશ પટેલ એક એવુ નામ બની ગયું છે જેનાથી મોટા ભાગના માલેતુજાર ધંધાર્થીઓ ફફડે છે. એક પછી એક જમીન કૌભાંડો આચરી માલેતુજાર બની ગયેલા જયેશ પટેલે પોતાની ગેંગ ઉભી કરી સામ્રાજ્ય ફેલાવ્યું હતું. જમીન કૌભાંડો દરમ્યાન પોલીસની પકડા પકડી અને ટૂંકાગાળાના જેલવાસ બાદ જયેશ પટેલનો અસલી ચહેરો   ત્યારે સામે આવ્યો જયારે લાલપુર રોડ પર ૧૦૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યુ હતું.

આ જમીન પ્રકરણમાં જયેશ પટેલ અને વકીલ કિરીટ જોષી વચ્ચે એવી તે દુશમનાવટ થઇ ગઇ કે જયેશ પટેલે વકીલની સરાજાહેર હત્યા કરાવી નાખી. અઢી વર્ષ પૂર્વેના આ બનાવ બાદ જયેશ પટેલ જામનગર છોડી ભુગર્ભમાં ઉતરી ગયો છે. પરંતુ પરોક્ષ રીતે જયેશ અને તેની ગેંગ સમયાંતરે જામનગર શહેર-જિલ્લના મોટા-મોટા માલેતુજાર બિલ્ડરો અને ધંધાર્થીઓ તથા કૌભાંડ કરવા લાયક જમીન પર નજર કેન્દ્રીત કરી ત્યારબાદ સુવ્યવસ્થિત રીતે ફાયરીંગ કરી કે ખંડણી ઉઘરાવી વારદાતને અંજામ આપવામાં આવતો હતો. આ જ મોડેસ ઓપરેન્ડીને બેઇઝ બનાવી જયેશ પટેલે છેલ્લા એક દસકામાં જામનગરમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.ધીરે ધીરે પોતાના સામ્રજ્યને વિકાસાવવા માટે માલેતુજારો પાસેથી કરોડો રૂયિપા ઉઘરાવી લીધા હોવાની પણ કહાની જામનગરના માર્કેટમાં ચર્ચાઇ રહી છે. એવા સમયે રાજય સભાના સાંસદ અને રિલાયન્સના ગુ્રપ પ્રેસીડેન્ટ પરીમલ નથવાણી દ્વારા પોલીસ અને જયેશ પટેલની સાંઠગાંઠ પર કરેલી ટીકા પૂર્વે જ સરકારે કમાન્ડ સંભાળી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દિપન ભદ્રનની એસ.પી. તરીકે નિયુકતી કરી જયેશ

પટેલના સામ્રાજ્યને જળમુળથી ઉખેડી નાખવા સત્તા આપી હતી. જેને લઇને એસ.પી.એ પોતાની ચુનીનદા ટીમમાં   આઇ.પી.એસ નીતેશ પાંડે, પી.આઇ. કે.જી.ચૌધરી, પી.આઇ. એસ.એસ.નિનામા, પી.એસ.આઇ.દેવ મુરારીની જામનગરમાં નિમણૂંક કરાવી સ્પેશ્યલ ઓપરેશન હાથ ધર્યુ હતું.

છેલ્લા પખવાડીયાથી હાથ ધરાયેલા ઓપરેશન વચ્ચે જામનગરમાં એક જ ચર્ચા ચાલતી હતી કે આજે કોનો વારો ? દરમ્યાન પોલીસે પણ પોતાની કાર્યપ્રણાલી મુજબ એક પછી એક જયેશ પટેલના સગ્રીતોને દબોચી લેવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ પખવાડીયના ગાળા દરમ્યાન રાજયની એટીએસની મદદથી જામનગર એસઓજી, એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડે સમયાંતરે સાત સાગ્રીતોને ઉઠાવી લીધા છે.

ગુજસીકોટ કાયદામાં શું શું જોગવાઈ કરવામાં આવી ?

ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) લાગુ પડી ગયા બાદ પણ વિરોધ કરવામાં આવી રહ્યો હતો પરંતુ આખરે લાગુ કરી દેવાયેલ કાયદાની વાત કરીએ તો રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળી છે. આ કાયદામાં અનેક કલમો કલમોમાં આતંકવાદી વારદાત અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે.

સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવનાર આરોપીઓ સામે પણ સજાની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી જલ્દી કાર્યવાહી થાય તે માટે વિશેષ કોર્ટની રચના પણ કરાઈ છે.

આ કાયદા હેઠળ પબ્લીક પ્રોસિક્યુટર, વધારાના પબ્લીક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂક પણ કરવાની જોગવાઈ છે. જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે.

જો કોઈ કોર્ટ આ કાયદા સંદર્ભે કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે કેશ વધુ નિયમિત કોર્ટને સોંપી શકશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવીઝન સેશન્સ કોર્ટ પાસે રાખવામાં આવી છે.  વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કરવામાં આવી છે.

આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે પોલીસ તપાસમાં શોધી કાઢવામાં આવેલ સંદેશા વ્યવહારને ઇન્ટરસેપ્ટ કરી, આ પુરાવાઓ પણ રજુ કરી શકાશે અને મંજુર પણ રહેશે. આ પુરાવા માટે ખાસ નિયમો પણ બનાવી ઉપયોગ કરી શકવાની જોગવાઈ છે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબુલાતને ધ્યાને લેવામાં આવશે. આ કેશમાં સાક્ષીઓને રક્ષણ પણ પૂરુ પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ગુનાઓમાં જે તે આરોપીએ બનાવેલ મિલકત જપ્તે કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આરોપીઓ જો મિલકત અન્યને નામે કરી ગયે તો પણ એ પ્રક્રિયા રદ બાતલ ગણાશે. આ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો તેની સામે પણ સજાની જોગવાઈ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.