Abtak Media Google News

તાજેતરમાં ટ્વીટર પર ભારતીય પ્રદેશના લેહ વિસ્તારને ચીનના નકશામાં બતાવવામાં આવ્યો હતો. ટ્વીટરની આ મોટી ભૂલના કારણે મોટો હોબાળો મચી ગયો હતો. ત્યારે આ મુદ્દે હવે, સરકાર પણ મેદાને આવી છે. સરકારે ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીની આકરી નિંદા કરી છે. ડોર્સીને ઇન્ફર્મેશન ટેકનોલોજી સચિવ અજય સાહનીએ પત્ર લખી આકરી ટીકા કરી છે અને કડક શબ્દોમાં કહ્યું કે દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું અપમાન કરનાર કોઈ પણ બાબતને ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે પત્રમાં ટ્વીટરને ટકોર કરતા કહ્યું કે આવી પ્રવૃત્તિથી ટ્વિટરની વિશ્વસનીયતા તો કલંકિત થાય છે, પણ આ સાથે સાથે નિષ્પક્ષતા અંગે પણ પ્રશ્નો ઉભા થાય છે.

ઉલ્લેખનીય છે કે, પ્રખ્યાત માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર લેહને ચીનના ભાગ રૂપે બતાવવામાં આવી રહ્યું હતું. જો કે, ભારતીય વપરાશકર્તાઓના આકરા વિરોધ પછી ટ્વિટરે જિયોટેગમાંથી આ ભૂલ દૂર કરી હતી.

સચીવ અજય સાહનીએ સીઈઓ ડોર્સીને કહ્યુુ કે યાદ અપાવી દઈએ કે લેહ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખનુ મુખ્ય મથક છે. જમ્મુ-કાશ્મીર પણ ભારતનો એક આંતરિક ભાગ છે અને તેમાં કોઈ શંકા નથી. ભારતીય બંધારણ ત્યાં લાગુ પડે છે. આથી ટ્વિટર ભારતીય નાગરિકોની લાગણીઓની સંભાળ રાખે એ આવશ્યક છે. સાહનીએ સ્પષ્ટ કહ્યું કે નકશો દેશનું સાર્વભૌમત્વ અને અખંડિતતા દર્શાવે છે. ટ્વિટર દ્વારા તેનું અપમાન કરવાનો પ્રયાસ એકદમ અસ્વીકાર્ય અને ગેરકાયદેસર છે.

ટ્વિટર દ્વારા કરાયેલી આ ભૂલ ગત રવિવારે સામે આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક નીતિન ગોખલે જ્યારે રવિવારે લેહના પ્રખ્યાત યુદ્ધ મેમોરિયલથી ટ્વિટર પર લાઇવ થયા હતા ત્યારે તેઓ પણ ચોંકી ગયા. તેમને મેપ પર સ્થાન ‘જમ્મુ-કાશ્મીર, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના’ બતાવવામાં આવ્યું હતું. આ પછી, બીજા ઘણા વપરાશકર્તાઓએ પણ લેહથી લાઈવ થવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્વિટર તેમને ચીનનો જ ભાગ બતાવતુ રહ્યુ. આ બાદ વિવાદ થતાં લોકોએ ટ્વીટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે ત્યાર બાદ ટ્વીટરે આ ભૂલ હટાવી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.