Abtak Media Google News

2020માં ઉદ્દભવેલો તણાવ હજુ સુધી વણઉકેલાયો: પાંચ મહિના બાદ યોજાનાર બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ ફાયર એન્ડ ફ્યૂરી કોર કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ એ. સેનગુપ્તા કરશે

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ ઉપર 2020માં થયેલો તણાવ હજુ સુધી સમાપ્ત નથી થયો. બંને દેશોની  સેનાઓ ડેપસાંગ અને ડેમચોક જેવા વિસ્તારોમાં હજુ પણ સામ-સામે છે.

આ દરમિયાન ભારત અને ચીન વચ્ચે પોતાના સૈનિકોને પીછેહટ કરવા અંગે સંમતિ નથી થઈ. બંને દેશો વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી સૌનિક વાર્તાલાપ પણ નથી થયો. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, ભારત અને ચીનના સૈનિક અધિકારીઓ 17 જૂલાઈના રોજ 16માં રાઉન્ડની કોર કમાન્ડર સ્તરની વાર્તાલાપમાં ભાગ લઈ શકે છે.

આ વાર્તાલાપમાં ભારતનું પ્રતિનિધિત્વ ફાયર એન્ડ ફ્યૂરી કોર કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ એ. સેનગુપ્તા કરશે. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બેઠક ચીનની તરફથી થશે કે ભારતની તરફથી થશે. જો કે, તેમાં એક વખત ફરીથી વાસ્તવિક અંકુશ રેખામાં તંગદિલી વાળી જગ્યાઓથી સેનાની પીછેહટ કરવા અંગે ચર્ચા થશે.

આ અગાઉ બંને દેશો વચ્ચે લદ્દાખના ચુશુલ-મોલ્દો ખાતે માર્ચ મહિનાની શરૂઆતમાં વાર્તાલાપ થયો હતો. ભારતીય પક્ષનું નેતૃત્વ લેહ ખાતેના કમાન્ડર જનરલ અનિંદ્ય સેનગુપ્તાએ અને ચીન તરફથી દક્ષિણ શિનજિયાંગ જિલ્લાના પ્રમુખ જનરલ યાંગે કર્યું હતું. આ બેઠક સવારે 10 વાગ્યાથી શરૂ કરીને મોડી રાત સુધી ચાલી હતી.

બન્ને પક્ષ સ્થિરતા બનાવી રાખવા ઉપર સહમત

ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારત તરફથી ચુશુલ-મોલ્દો સરહદ ઉપર 15મા રાઉન્ડની કોર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. બંને પક્ષોએ પશ્ચિમી ક્ષેત્રમાં એલએસીની સાથે જરૂરી મુદ્દાઓના સમાધાન માટે 12 જાન્યુઆરીના રોજ યોજાયેલી તેમની અગાઉના રાઉન્ડની ચર્ચાને આગળ વધારી હતી. બાકીના રહેલા અન્ય મુદ્દાઓના વહેલી તકે નિરાકરણ માટે કામ કરવા અંગે બંને દેશોના નેતાઓએ આપેલા માર્ગદર્શનને ધ્યાને લઈને બંને પક્ષોએ અભિપ્રાયો અને મંતવ્યોની આપ-લે કરી હતી.

જી20 સમિટમાં પણ સરહદનો મુદ્દો ગાજયો હતો

જી-20 વિદેશ મંત્રીઓની સમિટની બાજુમાં બાલીમાં એક કલાક લાંબી બેઠકમાં જયશંકરે પૂર્વ લદ્દાખમાં તમામ પડતર મુદ્દાઓના વહેલા ઉકેલની જરૂરિયાત વાંગને જણાવી હતી.તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતોના આધારે હોવા જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.